અમેરિકાના રાષ્ટ્રપતિપદના બે મુખ્ય દાવેદારો - રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ હિલેરી ક્લિન્ટન વચ્ચે ત્રીજા અને આખરી રાઉન્ડની પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઇ ગઇ. આ સાથે જ આઠમી નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. આધુનિક ચૂંટણી ઇતિહાસનું આ સૌથી ‘અલગ’ ચૂંટણી અભિયાન ગણાવાઇ રહ્યું છે. પ્રચાર દરમિયાન દરેક સ્તરે વિચારણીય અને નીતિગત મુદ્દાઓના સ્થાને આક્ષેપો - પ્રતિઆક્ષેપો છવાયેલા રહ્યા છે.
અમેરિકી પ્રજા આ વખતની પ્રેસિડેન્શિયલ ડિબેટની ચર્ચા કરે છે ત્યારે સહજપણે જ તેમનાથી ભૂતકાળની આવી ચર્ચાઓ સાથે તેની સરખામણી થઇ જાય છે. ૧૯૮૦માં રાષ્ટ્રપતિપદના ચૂંટણી જંગ વેળા ઉમેદવાર રોનાલ્ડ રેગને તેમના પ્રતિસ્પર્ધી વોલ્ટર મુંડેલ સાથેની ડિબેટમાં કહ્યું હતું કે જો આપને એવું લાગતું હોય કે આપના સંતાન પાસે હવે નોકરી મેળવવાનું આસાન નથી રહ્યું તો મારી પાસે આવજો અને મને મત આપજો, અને જો આપને લાગતું હોય કે આપના સંતાન માટે નોકરી મેળવવાનું આસાન છે તો મને મત નહીં આપતા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે પહેલાના સમયમાં પ્રમુખપદની ચૂંટણી ચર્ચા મુદ્દાઓ આધારિત હતી. ઉમેદવારો પ્રજાને એ વાતની જાણકારી કરાવવા પ્રયત્નશીલ રહેતા કે જો પોતે રાષ્ટ્રપતિ બનશે તો આર્થિક નીતિ કેવી હશે, ઇમિગ્રેશન પોલિસી કેવી હશે, રશિયા, ક્યૂબા અને ચીન મુદ્દે તેમની નીતિ કેવી હશે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશની ભૂમિકા કેવી હશે. આ અને આવા મુદ્દાઓ પર ચર્ચા જામતી હતી, અને લોકોને અંદાજ આવી જતો કે રાષ્ટ્રહિતના મુદ્દાઓ અંગે દેશનું ભાવિ નેતૃત્વ કેવો અભિગમ ધરાવે છે.
લગભગ પરંપરા જેવી બની ગયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ તો આ વખતે પણ થઇ હતી, પરંતુ મુખ્ય મુદ્દા ગૌણ થઇ ગયા હતા. પરિણામે લોકો ડિબેટનું સ્તર કથળ્યું હોવાનું અનુભવે છે. જો ત્રણેય પ્રેસિડેન્શિયલ ડિબેટ પર નજર ફેરવશો તો લાગશે કે સમય સાથે ક્યા પ્રકારે ચર્ચાનો સૂર બદલાયો છે. એક સમય એવો હતો કે જ્યારે કોઇ મુદ્દે સામેના પક્ષની નીતિ સારી, દેશહિતમાં જણાતી હતી તો તેવા સમયે ડેમોક્રેટ્સ મતદારો, રિપબ્લિકન્સનું કે રિપબ્લિકન્સ મતદારો ડેમોક્રેટ્સનું સમર્થન કરતા હતા. દોઢ-બે દસકામાં આ વલણમાં આમૂલ બદલાવ જોવા મળી રહ્યો છે.
અગાઉની ડિબેટમાં મુદ્દાઓ પર જોર અપાતું હતું, પરંતુ આ વખતે ચર્ચા વ્યક્તિકેન્દ્રીત હતી. ત્રીજી અને આખરી ડિબેટમાં હિલેરી ક્લિન્ટન કોઇ પણ મુદ્દે બોલતા હતાં કે ટ્રમ્પ તરત જ તેમને અધવચ્ચે રોકી દેતા હતા અને આક્રમક અવાજે જૂઠ્ઠું... જૂઠ્ઠું... બૂમો પાડતા જોવા મળતા હતા. તેઓ બરાડા પાડીને કહેતા હતા કે જૂઓ, આ અશિષ્ટ મહિલાને તે કેવી રીતે મારી સાથે અને દેશ સાથે વાત કર રહ્યા છે. હિલેરીનો વળતો જવાબ એવો હોય છે કે ટ્રમ્પને સહેજ પણ એવું લાગે છે કે મામલો તેમની તરફેણમાં નથી તો તરત જ તેઓ માની લે છે કે સુપ્રીમ કોર્ટથી માંડીને બીજી કાયદાકીય-એક્ઝિક્યુટિવ સંસ્થાનોને તેમની સામે ઉભી કરી દેવામાં આવી છે.
ટ્રમ્પે ૨૦૦૪, ૨૦૦પ અને ૨૦૦૬માં મહિલાઓ સંદર્ભે જે બેફામ બફાટ કર્યો છે તેના એક નહીં અનેક પુરાવા બહાર આવ્યા છે તો ડઝન જેટલી મહિલાએ ટ્રમ્પની વરવી માનસિકતા છતી કરતા નિવેદનો કર્યા છે. ટ્રમ્પ હવે સ્ત્રી દાક્ષિણ્યની વાતો કરી રહ્યા છે, પણ તેઓ ભૂલી જાય છે કે બૂંદ સે બીગડી હોજ સે નહીં સુધરતી. ટ્રમ્પ સામે ટેક્સ ચોરીના પણ આક્ષેપ થઇ રહ્યા છે. પહેલી ડિબેટમાં ટ્રમ્પે કહ્યું હતું કે હિલેરી તેમના કથિત ઇમેઇલ કૌભાંડના હજારો મેઇલ જાહેર નહીં કરે ત્યાં સુધી પોતે પણ જાહેર નહીં કરે કે તેમણે ટેક્સ ચૂકવ્યો છે કે નહીં. આ પછી બીજી ડિબેટમાં ટ્રમ્પે સ્વીકાર્યું કે તેમણે ઇન્કમ ટેક્સ ચૂકવ્યો નથી.
હિલેરીએ આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પ યુનિવર્સિટી ગોટાળા કરે છે અને તે શિક્ષણના નામે કૌભાંડ ચલાવે છે. હિલેરીનું કહેવું છે કે ટ્રમ્પને અમેરિકી ટીવીનો સુપ્રસિદ્ધ એમી એવોર્ડ ન મળ્યો તો તે એમી એવોર્ડની ટીકા કરવા લાગ્યા અને એમી એવોર્ડમાં ઘાલમેલ થતી હોવાનો આક્ષેપ કર્યો. ટ્રમ્પની આ આદત છે, જે તેની તરફેણમાં નથી તે બધામાં તેમને છેતરપિંડી દેખાય છે.
સામી બાજુ ટ્રમ્પ પણ હિલેરી સામે આક્ષેપો કરવામાં પાછા પડ્યા નથી. તેમનું કહેવું છે કે હિલેરીની ધનાઢયો સાથે ઉઠકબેઠક વધુ છે. તેઓ ઉદ્યોગપતિઓ સાથે જ વધુ જોવા મળે છે. આ મહિલા ચૂંટાશે તો દેશના આર્થિક હિતો માટે જોખમી સાબિત થઇ શકે છે. જોકે અત્યારે તો ટ્રમ્પ ખુદ મહિલાઓના મુદ્દે ભેરવાયા છે. મહિલાઓ પરની તેમની અભદ્ર ટિપ્પણીઓ જાહેર થવાથી અને કેટલીય મહિલાઓ દ્વારા તેમની સામે આક્ષેપો થવાથી તેઓ ખુદ મુશ્કેલીમાં મૂકાયા છે. ટ્રમ્પ દરેક વખતે કાનૂની પગલાંની ધમકી આપે છે ને પછી ટાઢા પડી જાય છે.
એક મહાસત્તાના સર્વોચ્ચ સ્થાન માટેનો ચૂંટણી જંગ આખરી તબક્કામાં પ્રવેશ્યો છે ત્યારે વિશ્વની તેના પર નજર હોવી સ્વાભાવિક છે. મતદારોનો મિજાજ જાણવા માટે લગભગ એકાંતરા સર્વે થઇ રહ્યો છે અને અત્યારે તો હિલેરી ક્લિન્ટનનો ઘોડો વિનમાં જણાય છે. જોકે આ તો મતદારોના મિજાજની વાત થઇ, પણ પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન ચર્ચાયેલા મુદ્દાઓ આધારિત અભ્યાસના અભ્યાસના આંકડા બહુ જ રસપ્રદ છે. જે અનુસાર ટ્રમ્પ નવ વખત ખોટું બોલ્યા છે, છ વખત લોકોને ગેરમાર્ગે દોરતી વાતો કરી છે, અને બે વખત સાચું બોલ્યા છે. જ્યારે હિલેરી બે વખત ખોટું બોલ્યા છે, બે વખત ગેરમાર્ગે દોરતી વાત કરી છે અને આઠ વખત તેઓ સાચું બોલ્યા છે. અમેરિકી પ્રજા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું.
