.....તો, સાહેબ, આ કાસ્ટ્રો પણ ગયો! એકવચન કોઈ તુચ્છકારથી નહીં, પણ દુનિયામાં બિરાદરોનો લાડલો હતો એટલા માટે પ્રયોજું છું. ફિડલ કાસ્ટ્રો નેવું વર્ષ જીવ્યો અને પોતાના બળવાન હાથ, દિમાગ અને વિચાર સાથે જીવ્યો. અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે વાતવાતમાં પૂછ્યું કે દુનિયાના ક્યા વડા પ્રધાન યા રાષ્ટ્ર પ્રમુખે તમને વધુ પ્રભાવિત કર્યા હતા? તેમનો જવાબ હતો કે કાસ્ટ્રો મને વધુ ગમ્યો હતો. કારણ? કારણ એ હશે કે છેક બચપણથી તમામ રાજકીય લડાઈ કરીને ય પોતાના દેશને નાગચૂડમાંથી મુક્ત કરવાનું તેનું સાહસ અદ્દભુત હતું, વાજપેયી લોકશાહીના રસ્તે ભારત માટે એવું કરી રહ્યા હતા અને અમેરિકીવિરોધ છતાં પરમાણુ પ્રયોગ કર્યો હતો.
કાસ્ટ્રોનો રસ્તો લોહિયાળ હતો અને સામ્યવાદી માર્કસવાદી હતો. હિંસા અને અહિંસાના સાધનોની ચર્ચા રાજકીય સ્તરે તો બહુ મોડી આવી છે. અશોકની અહિંસા કલિંગ પ્રદેશના બેસુમાર નાગરિકોની કરપીણ હત્યા પછી જ પેદા થઇ હતી. દરેક વખતે હિંસાની બધે જરૂર પણ નથી રહેતી, પણ આવશ્યકતા પ્રમાણે તે માધ્યમનો ઉપયોગ થતો રહ્યો છે. ના, હું તો બધે જ બધે એકલી અહિંસાનો ઉપયોગ કરીશ એ એક જીદ્દી અહિંસક હિંસાચાર છે.
હમણાં કસ્તુરબા ગાંધીની ડાયરી નામે સરસ પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત થયું છે તેમાં વાસ્તવિક કસ્તુરબાના જીવનસંઘર્ષનું સરસ ચિત્ર આલેખાયું છે. તેમાં એક જગ્યાએ પુત્ર હરિદાસ વિશે વિધાન છે કે તેને તમે સાથે ના રાખો એ તમારા નિર્ણયની હિંસા નથી?
હું આ અહિંસાના અતિરેકમાંથી સ્વાધીન ભારતની લોક્શાહીમાં થતા રાજકીય વિરોધ સુધી દોરી જવા માગું છું. માની લીધું કે અસહકાર, ધરણા, ઉપવાસ, આમરણ ઉપવાસ... આ બધા સત્યાગ્રહી રસ્તા છે. પણ તેની દશા શું થઇ છે? નોટબંધીના વિરોધમાં ભારત બંધ અને તે પહેલાની ઘટનાઓ. હિંસા તેના જુદા-જુદા સ્વરૂપે હાજર નથી હોતી? અને છતાં કહેવામાં તો એમ જ આવે કે ‘અમે ગાંધી ચીંધ્યા રસ્તે આંદોલન કરી રહ્યા છીએ...’ આપણો ગુજરાતી કવિ યાદ આવે આ છલના સમયે:
‘...અમે બાપુ તણા પગલે બધા એવા છીએ ચાલ્યા,
હવે બાપુ તણા પગનું પગેરું શોધવું પડશે!’
પણ એવું નથી. મૂલ્યાંકનો પછી તે વ્યક્તિના કે ઘટનાના કરવામાં આવે છે તે લગભગ અધૂરા હોય છે. કેટલાંક તો માત્ર પક્ષપાત અને પૂર્વગ્રહથી રંગાયેલા હોય છે. ગાંધીજી અને તેમના સત્યાગ્રહમાં એવું જ બન્યું છે. પશ્ચિમી દેશોનો એક વર્ગ તેમનાથી અભિભૂત થયો કેમ કે તેઓ પોતાના ભૂતકાળ અને વર્તમાનથી થાકી રહ્યા હતા. કૈંક નવું એડવેન્ચર જોઈતું હતું એટલે ગાંધી ચાલ્યા, પણ તમે જૂઓ કે પરિવર્તનના મોટા ભાગના પ્રવાહો રચનારા સ્તાલીન, માઓ, ડી’ વેલેરા, સુભાષ ચંદ્ર બોઝ..., કોઈએ તેમનો પ્રભાવ અનુભવ્યો નથી. બીજા છેડાના ઉદાહરણો પણ છે, પણ કહેવાનું તાત્પર્ય એ કે સમગ્ર વિશ્વમાં સમગ્ર ગાંધીવિચાર પ્રભાવી છે અને તમામનું ભલું વિના શસ્ત્ર કરી નાખ્યું છે એમ કહી શકાય તેમ નથી.
બુદ્ધ અને ગાંધી, બન્ને તિબેટની મુક્તિમાં ક્યાંય સફળ ના થયા એટલે ધર્મશાળામાં તેમની વિસ્થાપિત તિબેટ સરકારના ત્રીજી-ચોથી પેઢીના યુવકોને લાગે છે કે એક ધર્મપુરુષ તરીકે દલાઈ લામા બરાબર છે. પણ તિબેટમાં આપણે પાછા ફરવું હોય તો સશસ્ત્ર વિપ્લવ વિના છૂટકો નથી. થોડાક વર્ષ પહેલા દિલ્હીના સત્ય પૌલે મહેમદાવાદમાં એક શિબિર રાખ્યો હતો તેમાં મને આ યુવા તિબેટીઓ મળ્યા હતા. તેમની આંખોમાં અજંપો હતો,
આમ ક્રિયા અને પ્રતિક્રિયા એ સાર્વજનિક જીવનની એક વાસ્તવિકતા છે. ગાંધીચીંધ્યા બંધમાં હિંસા થાય તેના માટે તે બંધનું એલાન કરનાર પક્ષ કે સંસ્થાઓ જવાબદાર છે અને જે કરોડોનું ખર્ચ કે માનહાની થયા તેનું પૂરેપૂરું વળતર તેની પાસેથી વસુલ કરવું એવો એક ચુકાદો મુંબઈ હાઈ કોર્ટનો નમુનારૂપ છે. તેવા પગલા જ દેશને અકારણ તબાહીથી મુક્ત કરશે.
કેટલાક નિષ્ણાતો એમ માને છે કે મઝહબી આતંકવાદ અને નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં નકલી નોટોનો ધૂમ ઉપયોગ થતો હતો. તેણે દેશના અર્થતંત્રને હલબલાવી નાખ્યું હતું. તેની સામે આ નોટબંધી જો સફળ થાય તો તે મોટું કામ થયું ગણાશે. બાકી આખા દેશને વર્ષોથી ઘેરી વળેલો કાળા નાણાંનો રોગ જલ્દીથી નષ્ટ થાય તેવો નથી. લોકોને પહેલી આશંકા જ રાજકારણીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, જમીન અને મિલકતના ધંધાર્થીઓ પર છે. દરેક પગલાને તે બડી ચતુરાઈથી નકામા બનાવી દેશે. બેન્કની કતારમાં પાંચ-પચીસ હજારની જૂની નોટો બદલાવવા ઉભો રહેલો નાગરિક તેવો ગુનેગાર નથી અને રિઝર્વ બેન્કના તદ્દન રેઢિયાળ અમલીકરણને લીધે આ કતારો ઘટતી નથી, વધતી જાય છે.
આવા દિવસોમાં કાસ્ટ્રો ચમક્યો, છાપાંઓમાં અને ટીવી પર. આ ઐતિહાસિક સરમુખત્યારની એક પુત્રી જુલ્મી પિતાના શાસનથી ત્રાસીને એક દિવસ રાજમહેલ અને પોલીસની નજરમાંથી છટકી જઈને અમેરિકા ભાગી છૂટી હતી તેની આત્મકથા રુંવાડા ખડા કરી દે તેવી છે. આવો ઘૃણિત સત્તાવાદ? આવું જ લેખન સ્ટાલિનપુત્રી સ્વેતલાનાનું યે છે.
ગુજરાતની સાથે કાસ્ટ્રો કે સ્ટાલિનનો સીધો સંબંધ તો ક્યાંથી હોય? પણ સામ્યવાદી વિચાર અને સાહિત્યનું ખેડાણ ગુજરાતમાં વર્ષોથી ચાલ્યું. ચંદ્રભાઈ ભટ્ટ અને ભોગીલાલ ગાંધી શરૂઆતના એવા લેખકો. દિનકર મહેતાની આત્મકથા અને માઓના વિચારો પુસ્તકોમાં લખાયા. સામ્યવાદી પક્ષને અહીં પ્રતિબદ્ધ બિરાદરો મળી રહેતા. સૌરાષ્ટ્રમાં વજુભાઈ શુક્લ, મીઠાભાઈ પરસાણા, સુબોધ મહેતા, હરૂ મહેતા... આ બધા સભાઓ ગજવતા. ક્રાંતિનો નશો તેમના દિમાગ પર છવાયેલો રહ્યો. ચે ગ્વેરા માથા પર જેવી કેપ પહેરતા તેવી આજેય વૃદ્ધ થઇ ચુકેલા સુબોધ મહેતાના મસ્તક પર જોવા મળશે.
ગુજરાતનો સ્વભાવ કંઈ કેરળ કે બંગાળ જેવો નહીં એટલે તેનું કોઈ સંગઠન જામ્યું નહીં. ઘણાને ભ્રમ નિરસન થયું. અમદાવાદમાં પિપલ્સ બુકની મોટી દુકાન હતી. ભાઈ હિમ્મત શાહ તેનું સંચાલન કરતા. મિખાઇલ ગોર્બચોફના રશિયામાં બદલાવ પછી આ પ્રકાશન સંકેલાઈ ગયું. તેમાં કેટલાક ઉત્તમ સાહિત્યિક પુસ્તકોના અનુવાદ મળી રહેતા. ભોગીભાઈ તો તેમના આદર્શ જયપ્રકાશની જેમ જ માર્ક્સ-મુક્ત થઇ ગયા, હવે સામ્યવાદ માર્ક્સવાદ પ્રવૃત્તિ દેખાતી નથી.

