ભારતમાં એક વર્ગ ગળું ફાડી ફાડીને દાવો કરતો હતો કે નોટબંધીના નિર્ણયની નકારાત્મક અસર ભાજપને ચૂંટણીમાં જોવા મળશે. પ્રજા જે રીતે હેરાનપરેશાન થઇ રહી છે તે જોતાં લાગે છે કે પક્ષના સૂપડાં સાફ થઇ જશે. આથી જ દેશઆખાને ‘કતારબદ્ધ’ કરી દેનાર આ નિર્ણયના થોડાક જ દિવસો પછી યોજાયેલી લોકસભા (ચાર) અને વિધાનસભા (આઠ) બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો પર સહુ કોઇની નજર હતી. પરંતુ એવા કંઇ આંચકાજનક પરિણામ આવ્યા નથી. આ પછી મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ. તેમાં તો વળી ભાજપે જ્વલંત દેખાવ કર્યો. આમ નોટબંધી પછી યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં કંઇ આશ્ચર્યજનક કે આંચકાજનક દેખાતું નથી. ભાજપને નોટબંધીના કારણે કંઇ નુકસાન થયાનું જણાતું નથી ને કોંગ્રેસ (હરહંમેશની જેમ) તેનો દેખાવ ખાસ સુધારી શકી નથી. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ઝૂકાવનારા બધા પક્ષો પોતપોતાની બેઠકો જાળવી મહદ્ અંશે સફળ રહ્યા છે. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો એવું ચિત્ર ઉપસે છે કે કોંગ્રેસની ધોલાઇ હજુ ચાલુ જ છે ને ભાજપની લોકપ્રિયતાની સુવાસ અકબંધ છે.
લોકસભાની ચાર બેઠકમાંથી બે ભાજપના અને બે તૃણમૂલ કોંગ્રેસના ફાળે ગઇ છે. ભાજપે વિધાનસભાની આઠમાંથી ત્રણ બેઠકો જીતી છે. ભાજપે અસમ અને અરુણાચણ પ્રદેશની એક-એક વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં - લાંબો સમય શાસન કરનાર - ડાબેરીઓને ત્રીજા ક્રમે ધકેલીને બીજું સ્થાન મેળવ્યું છે. હા, તેના મતોની સરસાઇ ઘટી છે તે અલગ વાત છે. ત્રિપુરામાં પણ ભાજપ પહેલી વાર બીજા સ્થાને રહ્યો છે. મધ્ય પ્રદેશ અને અસમમાં તો જંગ જીત્યો જ છે. ભાજપનું શીર્ષ નેતૃત્વ પણ ગળું ખોંખારીને કહી રહ્યું છે કે પેટા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સમગ્ર દેશ સરકારની સાથે છે.
પરિણામોમાં ભલે નોટબંધીની નકારાત્મક અસર ન જોવા મળતી હોય, પરંતુ ભાજપે એ ન ભૂલવું જોઇએ કે પેટા ચૂંટણીઓ કે નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સામાન્યતઃ પ્રાદેશિક નેતૃત્વની કસોટી થતી હોય છે. કેટલાક લોકો ભલે આને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણય પર પ્રજાની મંજૂરીનો થપ્પો ગણાવતા હોય, પણ હકીકતમાં કહી શકાય નહી. હા, આ પરિણામો એ વાતનો અવશ્ય સંકેત આપે છે કે સત્તામાં આવ્યા બાદ ભાજપે મોદીના નેતૃત્વમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. મોદીની લોકપ્રિયતા અસમ, પશ્ચિમ બંગાળ કે મધ્ય પ્રદેશમાં જ નહીં, સમગ્ર દેશમાં છે. સ્પષ્ટ છે કે આનો લાભ પક્ષને પણ મળ્યો જ છે. અસમ અને મધ્ય પ્રદેશના પેટા ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે ત્યાં રાજ્ય સરકારને જનસમર્થન હાંસલ છે.
પેટા ચૂંટણીઓ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતના ત્રાજવે હંમેશા સ્થાનિક પ્રતિનિધિઓની કામગીરી તોળાતી હોય છે. આથી જ્યાં જ્યાં કોઇ રાજકીય પક્ષનું સ્થાનિક નેતૃત્વ કમજોર હોય છે ત્યાં ત્યાં સફળતા સામે સવાલ સર્જાય છે. કોંગ્રેસના પરિપ્રેક્ષ્યમાં આ વાતને સારી રીતે સમજી શકાય છે. નોટબંધીના ફેંસલાને તેણે જોરશોરથી ચગાવવાનો પ્રયાસ કર્યો. તેને આશા પણ હતી કે કેટલીક બેઠકો ઝોળીમાં આવી જ પડશે, પરંતુ પુડુચેરી વિધાનસભા બેઠકને બાદ કરતાં ક્યાંય તેને સફળતા મળી નથી.
ખરેખર તો આ ચૂંટણી પરિણામોએ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલી કોંગ્રેસ માટે ખતરાની ઘંટડી વગાડી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ આ પરિણામો સંદર્ભે કહી ચૂક્યા છે કે ચૂંટણીમાં સફળતા માટે અસલી મહેનત તો સ્થાનિક નેતૃત્વે જ કરવી પડશે. જોકે આજે કોંગ્રેસની જે સ્થિતિ જોવા મળે છે તેમાં ક્યાંય તેનું મજબૂત પ્રાદેશિક નેતૃત્વ જોવા મળતું નથી. કેટલાક રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર મનાય છે, પરંતુ ત્યાં પણ પ્રદેશ કોંગ્રેસ જૂથબંધીમાં સપડાયેલી જોવા મળે છે. આમ વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાની તાકાત પર મોટી સફળતા હાંસલ કરે તેવી શક્યતા અત્યારે તો જણાતી નથી. એક માત્ર પંજાબ એવું રાજ્ય છે કે જ્યાં તે સારો દેખાવ કરી શકે તેમ છે, પરંતુ ત્યાં ભાજપ પોતાના સંગઠનને મજબૂત કરવાના કામે લાગ્યું હોવાથી કોંગ્રેસ કેટલું જોર દેખાડી શકે છે એ તો સમય જ કહેશે. દિવસોના વહેવા સાથે કોંગ્રેસની સ્થિતિ કથળી રહી છે કેમ કે તેની પાસે કોઇ મજબૂત નેતા નથી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બીમાર રહે છે અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભાષણબાજીથી આગળ વધતા નથી. કોંગ્રેસ પક્ષ કુટુંબ સિવાય બીજા નેતાને આગળ કરવાના મૂડમાં નથી એટલે આગામી દિવસોમાં તેને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એટલું નક્કી છે.
