ચેરની સાઇડ ઇફેક્ટઃ દર વર્ષે ૪.૩૩ લાખ લોકો મૃત્યુ પામે છે

Wednesday 30th November 2016 05:43 EST
 
 

દુનિયાભરમાં દર વર્ષે ૪.૩૩ લાખ લોકોના મોતનું કારણ ચેર ઇફેક્ટ હોય છે. આ સંખ્યા કુલ મોતની સંખ્યાના ૪ ટકા છે. લોકોની બેઠાડું જીવન અને બેઠા રહીને કામ કરવાની આદતને કારણે આમ થાય છે. આવા લોકો ત્રણ કલાક કરતાં વધારે સમય એક જ સ્થળે બેઠા રહેતા હોય છે.
હાલમાં બ્રાઝિલની યુનિવર્સિટી ઓફ સાઓ પાઉલો તરફથી કરાયેલા એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો હતો. ગત ૧૦ વર્ષમાં એવા ઘણા અભ્યાસ કરવામાં આવ્યા હતા જે સતત બેઠા રહીને કસરત ન કરવાનું જોખમ લેતા હોય છે. તાજેતરના સંશોધનને અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
પહેલી વાર સંશોધન દ્વારા સંશોધકોએ ૫૪ દેશોની વસતી અને ચેર ઇફેક્ટને કારણે થયેલા મોતની સરેરાશનો અભ્યાસ કર્યો હતો. તેના માટે આ દેશોના ૨૦૦૨થી ૨૦૧૧ સુધીના આંકડાની અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સંશોધકો જણાવે છે કે, અકારણે થતાં મોતને અટકાવવા માટે સતત બેઠાં રહેવાની આદતથી છુટકારો મેળવવાની જરૂર છે. તેમના મતે જો સતત બેઠા રહેવાની આદતમાં સુધારો કરવામાં આવે તો ઉંમરમાં ૦.૨૦ વર્ષનો વધારો કરી શકાય તેમ છે.
સંશોધનના પરિણામો
• દુનિયાભરમાં ૬૦ ટકા લોકો ત્રણ કલાકનો સમય બેઠા બેઠા પસાર કરી નાખે છે.
• પુખ્તોમાં આ સરેરાશ ૪.૭ કલાક પ્રતિદિન છે.
• લાંબા સમય સુધી બેઠા રહેવાની આદત ૩.૮ ટકા મોતનું કારણ બની રહી છે.
• અમેરિકા અને યુરોપની સાથે દક્ષિણપૂર્વ એશિયામાં પણ આરામપ્રિય લાઇફસ્ટાઇલ લોકોને મોત તરફ ધકેલે છે.


comments powered by Disqus