પાકિસ્તાનની લોકપ્રિય અભિનેત્રી કિસ્મત બેગની ગોળી મારી હત્યા થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, લાહોરમાં કેટલીક અજાણી વ્યક્તિઓ તેના પગ, હાથ અને પેટમાં ૧૧ ગોળીઓ મારીને ભાગી ગઈ હતી. પોલીસને શંકા છે કે કિસ્મતની હત્યા પાછળ તેનો કોઈ હતાશ પ્રેમી હોઈ શકે છે. જોકે હજી સુધી કોઈનું નામ સામે નથી આવ્યું. ઘટનાની રાત્રે કિસ્મત એક શોમાંથી પોતાના ઘરે પરત ફરી રહી હતી. તેના કાર ડ્રાઇવર હંકારી રહ્યો હતો. આ ઘટનામાં ડ્રાઇવરને પણ ગોળીઓ વાગી છે અને તેની સ્થિતિ ગંભીર છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલો થયા પછી ડ્રાઇવર કિસ્મતને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતો, પણ ત્યાં સુધી વધુ માત્રામાં લોહી વહી જવાથી કિસ્મતનનું મોત થયું હતું. પોલીસને આપેલા નિવેદનમાં ડ્રાઇવરે કહ્યું હતું કે, એક હુમલાખોર ગોળી મારવા દરમિયાન કહી રહ્યો હતો કે ‘કિસ્મત હવે તું કદી નાચી શકીશ નહીં.’ પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો પહેલેથી જ થિયેટર બહાર તેની વાટ જોઈ રહ્યા હતા.

