શ્રુતિ ચતુર્વેદીઃ ચાયપાની સાથે પ્રેરણાનું ઝરણું

- ખુશાલી દવે Wednesday 30th November 2016 05:46 EST
 
યુનાઇટેડ નેશન્સ (યુએન) અને આઇકોન્ગો - ઇન્ટરનેશન કન્ફેડરેશન ઓફ એન્જીઓ’સ (વર્લ્ડના એનજીઓનું ગ્રુપ) મળીને સામાજિક ક્ષેત્રે સારું કામ કરનારને આંતરરાષ્ટ્રીય ‘કર્મવીર ગ્લોબલ ફેલોશિપ એવોર્ડ’થી સન્માન કરે છે. રવિવારે સાંજે ગુરુગ્રામમાં શ્રુતિને આ એવોર્ડ અપાયો હતો.
 

ઉંમર ૨૩ વર્ષ. ભણતરની વાત કરીએ તો, એન્જિનિયરિંગના બે વર્ષ કરીને ઈજનેર બનવાનો વિચાર માંડી વાળ્યો. કેલ્ક્યુલેટર કરતાં કલમ માટે લગાવ વધુ હતો. આંકડાઓ સાથે કડાકૂટ કરવા કરતાં શબ્દોનું સાંનિધ્ય વધુ ગમતું હતું. બેચલર ઓફ આર્ટ્સમાં એડમિશન લીધું. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી આર્ટ્સ ગ્રેજ્યુએશનની સાથેસાથે ડિપ્લોમા ઈન જર્નાલિઝમ પણ કર્યું. આ પછી અમદાવાદની એક ન્યૂઝ ચેનલમાં એન્કર તરીકે પણ કામ કર્યું અને રિપોર્ટર તરીકે પણ. કેટલાકને લાગતું હતું કે આ છોકરીના જીવને તો જપ જ નથી, ક્યાંય પગ ટકતા જ નથીને... પરંતુ તેનો સ્વભાવ ‘જાણતા’ લોકો નિશ્ચિંત હતા. તેમને ખબર હતી કે પાણી જેમ રસ્તો શોધી લે છે તેમ આ છોકરી પણ ધાર્યું લક્ષ્ય હાંસલ કરી જ લેશે. અને છોકરીએ પણ તેમને નિરાશ નથી જ કર્યા.
આ ‘છોકરી’ એટલે અમદાવાદની જાણીતી યંગ એન્ટ્રપ્રેન્યોર શ્રુતિ ચતુર્વેદી. નિખાલસ, જિજ્ઞાસુ, ઉત્સાહી અને જીવનમાં સતત આગળ ધપવા માટેની ધગશનો સરવાળો એટલે શ્રુતિ. આજે શ્રુતિ ચાયપાની ડોટકોમની સર્વેસર્વા છે. આ વેબસાઇટ આપણા જીવનમાં આસપાસમાં બનતા રહેતા નાના-મોટા પ્રેરણાત્મક પ્રસંગો, ઘટનાઓને વાચા આપે છે. શ્રુતિ ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે બ્લોગ શરૂ કર્યો હતો. આ બ્લોગરૂપી બીજ આજે વેબસાઇટ બનીને વિસ્તર્યું છે.
બ્લોગના પ્રારંભે શ્રુતિ તેના પર વાર્તાઓ, લેખો, પ્રસંગો લખતી. લોકો વાંચતા. લાઈક કરતા. શેર કરતા. બ્લોગ લોકપ્રિય થવા લાગ્યો. વેબ ટ્રાફિક વધતાં વિવિધ કંપનીઓની જાહેરાત બ્લોગ પર આવવા લાગી. કેટલીક કંપનીઓને શ્રુતિના લખાણમાં પણ રસ પડ્યો હતો. શ્રુતિએ આ કંપનીઓને વ્યાવસાયિક ધોરણે લખી આપવાનું કામ શરૂ કર્યું. આમ સ્કૂલ ટર્મ પૂરી થતાં સુધીમાં તો તે મહિને ૨૫થી ૩૦ હજાર રૂપિયા કમાવા લાગી હતી.
જોકે એન્જિનિયરિંગ છોડીને આર્ટ્સમાં અભ્યાસ કરનારી શ્રુતિ કહે છે, ‘આ નિર્ણય મારો હતો, અને તેની સામે પરિવારને વાંધો નહોતો, પણ તેમને ચિંતા એ હતી કે મારું વ્યાવસાયિક ભવિષ્ય શું? તેથી ગ્રેજ્યુએશનની સાથે સાથે મેં વિવિધ ક્ષેત્રોમાં ઈન્ટર્નશિપ શરૂ કરી. માર્કેટિંગ, બ્રાન્ડિંગ, એકાઉન્ટિંગ જેવા વિવિધ વિષયો, ક્ષેત્રોમાં કોલેજકાળ દરમિયાન મેં કુલ ૧૧ ઈન્ટર્નશિપ કરી હતી. આ સાથે ચાયપાની બ્લોગ તો પાછો ચાલે જ...’
શ્રુતિ કહે છે કે એક ગુજરાતી ન્યૂઝ ચેનલમાં હું જોબ કરતી હતી ત્યારે ઘણી પોઝિટિવ સ્ટોરી ધ્યાનમાં આવતી હતી. દરેક સ્ટોરી (ટીવી પર) લાઈવ કરવી અશક્ય હોય. આથી આવી સ્ટોરીઝ લખીને હું મારા બ્લોગ પર મૂકતી. લોકો રસપૂર્વક એ વાંચતા. બ્લોગ પર જાહેરાતો આવવા લાગી. આમાંની કેટલીક કંપનીઓ સામે મેં પ્રસ્તાવ મૂક્યો કે પોઝિટિવ સ્ટોરીને તેમની બ્રાન્ડ સાથે સાંકળીને સાઈટ પર મૂકીએ. આ આઈડિયા ક્લીક થઇ ગયો. જોકે મને વધુ ખુશી તો એ વાતની હતી કે હું જેમની વાત રજૂ કરતી હતી તેમને એક યા બીજા પ્રકારે મદદ મળવા લાગી હતી. કોઇને આર્થિક તો કોઇને માનસિક સહારો મળતો હતો.’
થોડાક સમય પૂર્વેની જ વાત છે. શ્રુતિએ એક ક્રિએટિવ છોકરીના સંઘર્ષથી માંડીને તેના કૌશલ્યની વાત વેબસાઇટ પર રજૂ કરી હતી. આ વાત વાંચીને જાણીતી કલર્સ ટીવી ચેનલે તેના ક્રિએટિવ ટાસ્ક માટે આ યુવતીનો સંપર્ક કર્યો હતો. આ જ રીતે વેબસાઈટ પર રજૂ થયેલી એક સ્ટોરી વાંચીને એક વ્યક્તિએ આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો. તેણે શ્રુતિનો સંપર્ક કરીને કહ્યું હતું કે ચાયપાની ડોટકોમ પર એક પોઝિટિવ સ્ટોરી વાંચીને મેં આપઘાત કરવાનો ઇરાદો બદલી નાંખ્યો છે. શ્રુતિ કહે છે, ‘મને આનંદ છે કે ચાયપાની ડોટકોમ પોઝિટિવિટી ફેલાવે છે.’
શ્રુતિ કહે છે, ‘ચાયપાની ડોટકોમની પોઝિટિવ સ્ટોરીઝની સફળતા જોઈને મારા એક ગ્રાફિક ડિઝાઈનર મિત્રે મને વેબસાઈટ માટે લોગો બનાવી આપતાં સજેસ્ટ કર્યું કે તું આ વેબસાઈટ સ્ટાર્ટઅપ તરીકે લોન્ચ કર. સાચું કહું તો ત્યારે મને સ્ટાર્ટ અપ વેન્ચર એટલે શું? એની પણ ગતાગમ નહોતી. મેં એક્સપર્ટ્સની, મિત્રોની સલાહ લઈને કંપની રજિસ્ટર કરાવવાનો નિર્ણય લીધો. ચાયપાની નામથી સફળતા પણ મળી હતી, અને આમ પણ આ શબ્દ લોકોના હોઠે તો ચઢેલો જ હતો એટલે કંપનીનું નામ એ જ રાખ્યું. ઓગસ્ટ ૨૦૧૫થી ચાયપાની ડોટકોમ એક પ્રોફેશનલ સ્ટાર્ટ અપ વેન્ચર બન્યું. સમયાંતરે મારી સાથે ચાર સાથીઓ પણ જોડાયા. હવે નામ જાણીતું બન્યું હોવાથી અમારે પોઝિટિવ સ્ટોરીઝ મેળવવા ખાસ જહેમત પણ ઉઠાવવી પડતી નથી. કેટલાક લોકો સામેથી જ અમારો સંપર્ક કરે છે. આજે અમારી કંપની મહિને આશરે બે લાખ રૂપિયાની કમાણી કરે છે. હવે અમે હિન્દીમાં પણ પોઝિટિવ સ્ટોરી આપવાનું આયોજન કરી રહ્યા છીએ. આજે લોકો ખૂબ જ વ્યસ્ત જિંદગી જીવી રહ્યા છે. ઇચ્છા હોવા છતાં વાંચવાનો સમય બધા પાસે હોતો નથી આથી અમે વેબસાઇટ પર ઓડિયો કન્ટેન્ટ પણ લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. ઓફ્ફકોર્સ, તેમાં પણ પોઝિટિવ સ્ટોરી જ કેન્દ્રસ્થાને હશે, વાત તો જિંદગી પ્રત્યેના હકારાત્મક અભિગમની જ હશે.’


comments powered by Disqus