ગાંધીજીની હત્યાઃ સંઘ-સાવરકરને ભાંડવાનું છોડી સુરાજ્ય લાવીએ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 31st August 2016 04:57 EDT
 
 

છેલ્લા કેટલાય દાયકાઓથી રોજેરોજ મહાત્મા ગાંધીના નામ અને વિચારની હત્યા કરનારા રાજકીય શાસકો હજુ આજે પણ રાષ્ટ્રપિતા ગાંધીજીનો કેડો છોડતા નથી. કોંગ્રેસના સર્વેસર્વા એવા મોહનદાસ કરમચંદ ગાંધીજીને નામે કોંગ્રેસ થકી ભારત પર દાયકાઓ સુધી શાસન કરવામાં આવ્યું. ગાંધીજી અને એમના પટ્ટશિષ્ય એવા સરદાર પટેલે તો આઝાદીના પ્રારંભિક વર્ષોમાં જ જીવનલીલા સંકેલવાના સંજોગો સર્જાયા પછી પંડિત જવાહરલાલ નેહરુના પરિવારની આસપાસ કોંગ્રેસી નેતૃત્વ અને સત્તાનાં કેન્દ્ર ફેરફૂદડી ફરતાં રહ્યાં અને છેક ૧૮૮૫માં સ્થપાયેલી એટલું જ નહીં, અંગ્રેજ શાસકોની ગુલામીની જંજીરો તોડવામાં નેતૃત્વ પૂરું પાડનાર આ રાજકીય પક્ષે આઝાદી પછીના સત્તાકાળમાં રોજેરોજ ગાંધી-સરદારનાં વિચાર અને આદર્શોથી વિપરીત આચરણ કરીને એમના આત્માને કાયમ કણસતો રાખ્યો છે.

આનાથી વિપરીત કોંગ્રેસ ભણી ભાંડણલીલા ચલાવનારાઓએ પણ જે આદર્શોની વાતો કરી, ભારતના ભવ્ય ભૂતકાળની વાતો ગજવી એ પછી સત્તા હાથમાં લાગી ત્યારે એ જ કોંગ્રેસી મારગને વહાલો કરીને ગાંધી-નેહરુ-સરદારની ત્રિપુટીએ સાથે મળીને જે સ્વપ્નો સાકાર કરવા માટે આઝાદીની લડત ચલાવી હતી એ સ્વપ્નોના સુરાજ્યને બદલે વાતોનાં વડાં જ કરવાનું પસંદ કર્યું. બધા ગાંધીજી કે સરદાર પટેલના નામને વટાવે છે જરૂર, પણ એમનાં આચરણ તો સ્વકેન્દ્રી જ રહ્યાં છે અને પ્રજા ઠેરની ઠેર રહી હોવાની અનુભૂતિને કારણે ૧૯૪૭માં અંગ્રેજ શાસકોની વિદાય પછી છ-સાત દાયકા વીત્યા પછી ય સ્વરાજ હજુ સુરાજ્યમાં પરિવર્તિત થતું લાગતું નથી.

ઈતિહાસના હિલોળે ચૂંટણીના ખેલ

આજના તબક્કે નેહરુ ખાનદાનના વંશજોની પાર્ટી ગણાતી કોંગ્રેસ દેશ પર સત્તા ગુમાવી બેઠી છે અને રાજ્યોમાં પણ બહુમતી રાજ્યોમાં બિન-કોંગ્રેસી સરકારો જોવા મળે છે. એક બાજુ કોંગ્રેસીનેતા ડો. કેશવ બલિરામ હેડગેવાર સંસ્થાપિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રત્યે નિષ્ઠા ધરાવતી ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાન બનેલા નરેન્દ્ર મોદી ‘કોંગ્રેસમુક્ત ભારત’ની ગર્જના કરે છે અને બીજી બાજુ કોંગ્રેસી નેતાઓને ભાજપ સાથે જોડીને પક્ષને ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ બનાવી સત્તાપ્રાપ્તિ સુધીની સઘળી મજલ કાપવામાં રમમાણ છે.

લોકશાહી રાષ્ટ્ર ભારતની સંસદીય લોકશાહી પદ્ધતિમાં રાજકીય પક્ષોનું સત્તારૂઢ થવું અને વિપક્ષમાં બેસવું એ કોઈ નવી નવાઈની વાત નથી, પરંતુ સત્તાકાંક્ષી રાજકીય પક્ષો સત્તા હાંસલ કરવા માટે ચૂંટણીમાં દેશ કે રાજ્યના કલ્યાણ માટે કેવી કેવી યોજનાઓ અમલમાં લાવશે, ભ્રષ્ટાચાર કઈ રીતે નાબૂદ કરશે, ગુનાખોરી કઈ રીતે ડામશે, પ્રજાનું કલ્યાણ કઈ રીતે કરશે, એવી સઘળી બાબતોની ગંભીરતા દર્શાવવાને બદલે માત્ર હલકારા અને દેકારામાં જ રમમાણ રહે છે. પાંચ વર્ષ પછી પ્રજાના મત માગવા જવાનો વખત આવે ત્યારે કામનો હિસાબ આપવાને બદલે મનસ્વી રીતે, નાત-જાત અને કોમી જોડાણોના અશ્લીલ કહી શકાય એટલી હદના દેખાડા કરીને પ્રજાને પોતાના ભણી ખેંચવાના પ્રયાસ કરે છે.

સત્ય-અસત્ય અને ગરિમાના ભેદનો લોપ

ચૂંટણીના દિવસોમાં પક્ષના ખર્ચે જ નહીં, પ્રત્યેક સરકારી સમારંભોમાં મર્યાદા છોડીને એ પ્રજાના પૈસે યોજાતા કાર્યક્રમોનો રાજકીય મંચ તરીકે ઉપયોગ કરીને બેફામ વાણીવિલાસ દર્શાવે છે. કમનસીબી એ વાતની છે કે તમામ રાજકીય પક્ષો બાહુબલિઓ કે મસલ પાવરના જોરે પોતાની નૈયાને હંકારવાનું પસંદ કરે છે, એટલે પ્રજામાં એક પ્રકારનો ખોફ કે લાલચનો ભાવ જોવા મળે છે. પ્રજાના વાસ્તવિક કલ્યાણની યોજનાઓના રોડમેપ કે હિસાબને બદલે જેને જે ફાવે તેવી ભાષામાં પ્રજાને પોતાના ભણી આકર્ષવાના ખેલ ખેલાય છે. નામ સંસદીય લોકશાહી છે, પરંતુ સંસદીય ભાષા વાપરીને પ્રજા સમક્ષ સત્ય ઉચ્ચારવાની મર્યાદાનું પાલન કરવાની વાત કાયમ તમામ પક્ષના નેતાઓ થકી લોપાય છે. કમનસીબી એ વાતની છે કે તમામ પક્ષોનાં નિવેદનો કે આક્ષેપબાજી સમાન પ્રકારની હોય છે. એટલું જ નહીં, જૂઠ્ઠાણાં ઓકવામાં ભાગ્યે જ કોઈ લાજશરમની અનુભૂતિ કરીને જૂઠ્ઠાણું ચલાવનારાઓને પડકારવા જેવા સંજોગ પણ અહીં લોપ માપતા જોવા મળે છે.

રાહુલબાબાથી સંઘ પરિવાર લગી

છેલ્લા ઘણા મહિનાઓથી ચૂંટણી સભાઓથી લઈને અદાલતી કાર્યવાહી લગી મહાત્મા ગાંધી હત્યા પ્રકરણને નામે જે પ્રકારનો કાદવ ઉછાળ ચાલી રહ્યો છે એ જોતાં પ્રજાને વર્તમાન અને ભવિષ્યના આયોજનો કે સુશાસનોની વાત કરવાને બદલે ઈતિહાસમાં જ ગોંધી રાખવાની જાણે કે કોશિશો થઈ રહી છે. મહારાષ્ટ્રના ભિવંડી નગરમાં જનસભાને સંબોધતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની હત્યા પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ હોવા સંબંધી વાત છેડીને છેક સુપ્રીમ કોર્ટ સુધી આ મામલાને આજે ય ગાજતો રાખ્યો છે.

સંઘ પરિવાર અને કોંગ્રેસ પરિવાર વચ્ચેની આ જુગલબંધી ઈતિહાસનો હિસ્સો છે. ઐતિહાસિક અભ્યાસકો માટે આ રસનો વિષય હોઈ શકે, પણ આ મુદ્દાને નામે સંઘ-ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ-કોમ્યુનિસ્ટ રાજકારણ ખેલાતું રહે છે. વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું કે સંઘ નહીં, પણ સંઘના કેટલાક લોકોનું એ કાવતરું હતું. સામે પક્ષે એનો પ્રતિવાદ કરવામાં આવે છે. સરદાર પટેલના પત્રોને અડધાપડધા ટાંકવામાં આવે છે. અદાલતોએ સંઘને નિર્દોષ જાહેર કર્યાની વાતને આગળ કરાય છે. વળી ક્યાંકથી સાવરકરવાળું હિંદુ મહાસભાનું જૂથ ગાંધીજીની હત્યા માટે જવાબદાર હોવાનું સરદાર પટેલના પત્રમાંથી ઉપસતું તથ્ય પ્રગટ થાય છે તો ઈતિહાસકાર ડો. શેષરાવ મોરે સાવરકરને નિર્દોષ જાહેર કરાવવા માટે તેમના સગાં-સંબંધી અદાલતે જાય એવો આગ્રહ રાખે છે.

સમસ્યાઓ ભણીથી ધ્યાન હટાવવાનાં ષડયંત્ર

ભાજપ હોય કે કોંગ્રેસ, તેના વરિષ્ઠ નેતા ભારતમાં સ્વરાજ પછી સાચા અર્થમાં સુરાજ્ય લાવવાનો રોડમેપ રજૂ કરવાને બદલે પ્રજાને આવા ઈતિહાસના સાચાં-ખોટાં તારણો રજૂ કરીને લડાવી મારે છે. લોકશાહી બધાને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર જરૂર બક્ષે છે. પણ મત પાછળના સત્યો કે અર્ધસત્યો રજૂ કરીને પ્રજામાં ઉશ્કેરાટ સર્જીને ચૂંટણી જીતવાના પ્રયાસો કે પ્રજામાં ઉન્માદ પ્રસરાવવા માટેનું તો યોગ્ય નથી જ નથી. ગાંધીજીની હત્યા ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ થઈ હતી. એ પછી એમના હત્યારા નથુરામ ગોડસેને ફાંસીએ ચડાવાયો હતો. નથુરામના ભાઈ ગોપાલ ગોડસેને પણ ઘણાં વર્ષની જેલ થઈ હતી. એમનો પરિવાર સંઘ અને હિંદુ મહાસભા સાથે જોડાયેલો હતો, પણ આજે ૬૮ વર્ષ પછી એ પોપડાં ઉખેડવાનાં રાજકારણ ખેલવાનો અર્થ શો? ખરા અર્થમાં તો પ્રજાને મૂરખ બનાવી, ગેરમાર્ગે દોરી, દેશની સમસ્યાઓ ભણીથી એનું ધ્યાન અન્ય હટાવી દેવાનો જ આ ખેલ છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus