તમારી વાત

Tuesday 30th August 2016 11:59 EDT
 

હવે લંડનથી અમદાવાદ માત્ર નવ કલાક છેટું..

આપણા ‘ગુજરાત સમાચાર’ના તા 20 ઓગસ્ટના અંકમાં પાન. ૨૯ પર લંડન - અમદાવાદ સીધી વિમાની સેવાના શુભારંભના સમાચાર વાંચીને ખુબ જ ગૌરવ થયું. આ માટે ખાસ કરી ને સી બી.પટેલ અને ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઇસ’ને અને તેમના હજારો ગ્રાહકો ને હાર્દિક અભિનંદન. છેલ્લાં 10વર્ષની અથાગ મહેનતનું આ ફળ છે, જેમાં હજારો લોકોએ પિટિશન કરેલી અને આદરણીય સી બી પટેલે ભારતના તમામ રાજકીય પક્ષો અને સંબંધિત અધિકારીઓ અને ત્યાંના મીડિયા સમક્ષ પણ આ બાબતે જોરદાર રજૂઆત કરેલી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવેમ્બર, 2015માં યુકેની મુલાકાત લીધી હતી. તે દિવસ કદી ભુલાશે નહિ જ્યારે ૬૦ હજારથી વધુ લોકો સમક્ષ વેમ્બ્લી સ્ટેડિયમમાં તેમણે માત્રને માત્ર પોતાના ખાસ મિત્ર એવા સી બી પટેલને યાદ કરીને કહ્યું હતું કે હું જયારે મુખ્ય મંત્રી હતો ત્યારે તેઓ આવીને આ સીધી વિમાની સેવાની માંગણી કરતા હતા. એ સાથે જ વડાપ્રધાન મોદીએ જાહેર કર્યું હતું કે આગામી ડિસેમ્બરથી અમદાવાદ - લંડનની સીધી વિમાની સેવા ચાલુ થઈ જશે અને થઈ પણ ખરી. પરંતુ કોઈ કારણસર સીધી વિમાની સેવા મુંબઈ થઈને અમદાવાદ સુધીની થઈ. તેમાં લંડન કે અમદાવાદના મુસાફરોને વિમાનમાં બેસી રહેવાનું થતું હતું. પરંતુ આ ૭૦મા સ્વાતંત્ર્ય દિવસે લંડનથી અમદાવાદ અને અમદાવાદથી લંડનની સીધી વિમાની સેવા ચાલુ થઈ. આ સેવાથી અનેક ફાયદા થશે.
ખાસ કરીને વૃદ્ધો, વિકલાંગો અને નાના બાળકોવાળાને ખુબ જ રાહત રહેશે. ગુજરાતીઓને પોતાના વતન પહોંચવાનો સમયગાળો ખુબ જ ઘટી જશે. હવે તો અમદાવાદ એરપોર્ટ પર પણ અઘતન સ્કેનર મશીનો લાગ્યા છે જેથી એરપોર્ટની બહાર પણ જલ્દીથી નીકળી શકાશે.

- ભરત સચાણીયા, લંડન

‘નકલી’ ગૌ રક્ષકો

તા. ૨૭-૮-૧૬ના અંકમાં પ્રસિદ્ધ થયેલા જતીન્દ્ર સહાના પત્રના સંદર્ભમાં હું એ વાત સાથે સંમત છું કે દલિતો પર હિંસા તદ્ન અયોગ્ય અને સામાજિક અસહિષ્ણુતાનું અત્યંત નીંદનીય કૃત્ય છે. પરંતુ, તાજેતરમાં ગુજરાતના ઉનામાં દલિતો પર થયેલો અત્યાચાર તદ્ન અલગ પ્રકારનો લાગે છે. હુમલાખોરોએ પોતાની જાતે જ આ આખી
ઘટનાનો પૂરેપૂરો વીડિયો કેમેરામાં કંડારવા દીધો હોય અને તેને મીડિયામાં પણ જાહેર થવા દીધો હોય તેમ લાગે છે.
હુમલાખોરો પૈકી કોઈને પણ દલિતોને માર મારતા પકડાઈ જવાની અથવા તો આ ઘટના મીડિયામાં જાહેર થઈ જવાની બીક હોય તેવું પણ લાગતું નથી. આ લોકોને ખાસ કરીને આ કૃત્ય માટે જ ભાડે રખાયા હોઈ શકે. તેઓ ‘નકલી’ ગૌરક્ષકો હોય અને તેમને ગાય સાથે કોઈ જ નિસ્બત ન હોય તેમ જણાય છે. ખાસ કરીને આ ઘટના માટે હિંદુઓને દોષ આપતા પહેલા ચોક્સાઈ કરવી જોઈએ.
દલિતોને ‘હરિજન’ ગણવા જોઈએ તેવા ગાંધીજીના સંદેશને અનુસરીને આઝાદી પછી હિંદુઓએ તેમની સાથે ભેદભાવ કરવાનું બંધ કરી દીધું છે. પરંતુ, અન્ય ધર્મોના સમર્થનથી કોંગ્રેસ સરકાર અને અન્ય કેટલીક રાજ્ય સરકારોએ ધર્મપરિવર્તનનો લાભ લેવા અથવા કાયમ માટે રાજકીય મત બ્લોક ઉભો કરવાના હેતુથી વર્ણપ્રથાના મૂળ મજબૂત બનાવીને સામાજિક અસમાનતા ફેલાવા દીધી છે.
‘ભાજપ’ આવા ‘નકલી’ ગૌરક્ષકો પર ત્રાટકશે. ‘ભાજપ’ જ્ઞાતિ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વિના તમામ લોકોના સમર્થનથી વિકાસમાં માને છે.

- આર એન પટેલ, એસેક્સ

રંગભેદને જાકારો આપીએ

તાજેતરમાં અમેરિકાના ડલાસમાં બે શ્વેત પોલીસ ઓફિસરોએ એક અશ્વેત યુવાનને પકડી પાડીને તેની ગન લઈને તેના માથામાં ત્રણ ગોળી ધરબી દઈને મારી નાંખ્યો. આખી દુનિયાએ આ કિસ્સો ટીવીમાં જોયો. પોલીસે ધાર્યું હોત તો તે હથિયાર વગરના આ અશ્વેતને બેડી પહેરાવીને તેના ગુના માટે પોલીસસ્ટેશને લઈ ગઈ હોત. ઘણા વખતથી આવું ચાલતું આવ્યું છે. આ ઘટનાને લીધે અનેક જગ્યાએ રેલીઓ નીકળી.
અમેરિકા, રેડ ઈન્ડિયનોનો દેશ, કોલમ્બસે શોધ્યો. ઈયુના હજારો વતનીઓ દારૂગોળોને બંદૂકો લઈને ત્યાં સ્થાયી થવા માટે પહોંચ્યા. રેડ ઈન્ડિયનો પાસે તીર - કામઠાંને ભાલા હતા. ઈયુના લોકોએ રેડ ઈન્ડિયનોને મારી નાંખ્યા અને રેડ ઈન્ડિયન છોકરીઓને તે પરણ્યા. આ વિશાળ દેશમાં
ખેતી કરવા માટે વેસ્ટ આફ્રિકાથી તેઓ હજારો અશ્વેત સ્ત્રી-પુરૂષોને ગુલામ તરીકે મોટા વહાણોમાં લઈ ગયા.આ ઘટના પર ‘ધ રૂટ્સ’ નામની ફિલ્મ બની છે.
સલામ છે અબ્રાહમ લિંકનને જેમણે દુનિયાભરમાંથી ગુલામી નાબૂદ કરી. આજે હજારો અશ્વેતો કે જેમના વડવાઓએ આ દેશ માટે કાળી મજૂરી કરી હતી, તેમની સાથે રંગભેદના કિસ્સા બની રહ્યા છે. વિશ્વ વિખ્યાત વ્યક્તિ એવા અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાની રગેરગમાં તેમના કેન્યાના અશ્વેત પિતાનું લોહી વહે છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ ચાહે શ્યામ વર્ણ, સફેદ કે ઘઉંવર્ણની હોય પણ તેનું લોહી કોઈની ગંભીર બીમારી કે એક્સિડેન્ટ થયેલાને કામ આવે છે, તેથી રંગભેદ ના કરવો જોઈએ.

- સુધા રસિક ભટ્ટ, ગ્લાસગો

ભારતીયો માટે ગૌરવ થયું

તા. ૩૦-૭-૧૬ના ‘ગુજરાત સમાચાર’માં ગુજરાતના દલિતો ઉપર કહેવાતા ગૌરક્ષકો દ્વારા ગૌહત્યાના નામે જે જુલમ થયા તેના સમાચાર વાંચ્યા. આ ઘટના તમામ ભારતીયો માટે શરમજનક છે. આઝાદીના સાત દાયકા પછી પણ દુનિયાની મોટી લોકશાહીના દેશમાં આવા કૃત્યો આચરનારને આકરી સજા થવી જ જોઈએ. જોકે, આ અંકમાં જ અન્ય ત્રણ સમાચારો વાંચીને ભારતીયો માટે ગૌરવની લાગણી અનુભવી.
અલીપોરના જૈન દેરાસરમાં મુસ્લિમો પૂજા-અર્ચના કરે છે અને ત્યાં મસ્જિદ જેટલી જ પવિત્રતા જાળવે છે તે મુસ્લિમ બિરાદરોને વંદન. તે જ
પ્રમાણે બીજા સમાચાર મુજબ અયોધ્યાની વિવાદાસ્પદ બાબરી મસ્જિદના એક પક્ષકાર મહંતશ્રી જ્ઞાનદાસે મસ્જિદની તરફેણ કરનારા હાશિમ
અન્સારીને શ્રદ્ધાંજલિ અર્પી તે માનવતાનું એક આદર્શ ઉદાહરણ છે.
છેલ્લે ડીસાના શ્રી શશિકાંત પંડ્યાને પણ વંદન. વર્ષો પહેલાં અણધાર્યા સંજોગોમાં મળેલી કાશ્મીરી બહેન સાથે પારિવારિક સંબંધો બાંધીને દીકરીઓનું મામેરું કરવા સુધીના પ્રસંગો સાચવવાની તેમની કામગીરી સમાજને પ્રેરણારૂપ બને તેવી આશા રાખીએ.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

ચિંતા

ચિંતા ના કરો, હવે શું થશે,
જે પણ થશે એ સારું જ હશે,
ખોટી ચિંતા કરી ચિતામાં ન પડો,
નસીબમાં હશે તે જ થશે
ઈશ્વર ઉપર ભરોસો રાખી જીવો,
તેઓ કરશે એ યોગ્ય જ હશે,
મનમાં શંકા ન રાખો ક્યારેય પણ
ધણીએ ધાર્યું હશે તે જ થશે
દુઃખનું મનમાં દુઃખ ન કરો,
દુઃખ તો આવે અને જાય
ચિંતાથી એ ઓછું ન થાય ‘અમીત’
ચિંતા કર્યે એ વધતું જાય.

- અમૃતલાલ પી. સોની ‘અમીત’


comments powered by Disqus