લાઉડર હિલ (અમેરિકા)ઃ અંતિમ બોલ સુધી રમાયેલી રોમાંચક મેચમાં ભારતનો વેસ્ટ ઇન્ડિઝ સામે એક રને પરાજય થયો હતો. અમેરિકાની ધરતી પર રમાયેલી બે મેચની ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૪૫ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૨૪૪ રન કર્યા હતા. આ અગાઉ ૨૦૧૨માં ભારત ન્યૂ ઝીલેન્ડ સામે એક રને હાર્યું હતું. બીજી વન-ડે વરસાદના કારણે રદ થતાં ભારત શ્રેણી પણ હાર્યું હતું.
ભારત માટે લોકેશ રાહુલે ૫૧ બોલમાં શાનદાર ૧૧૦ રન કર્યા હતા, પરંતુ ભારત મેચ ન જીતી શકતા તેની સદી એળે ગઈ હતી. અગાઉ વેસ્ટ ઇન્ડિઝ માટે લેવિસે ૪૯ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા નવ સિક્સરની મદદથી ૧૦૦ રન ફટકાર્યા હતા. લેવિસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. એક સમયે વેસ્ટ ઇન્ડિઝ ભારતને ૩૦૦ રનનો પડકાર આપશે તેમ લાગતું હતું, પરંતુ અંતિમ ઓવર્સમાં વિન્ડીઝ બેટ્સમેનો ધીમા પડી ગયા હતા.
ભારતને મેચ જીતવા માટે અંતિમ બોલ પર બે રનની જરૂર હતી. ધોની સ્ટ્રાઇક પર હતો. ધોની રસાકસી ભરેલી મેચ જીતાડવામાં માહેર છે. જોકે બ્રાવોએ કરેલી અંતિમ ઓવરના છેલ્લા બોલે તે વિજયી રન ન નોંધાવી શક્યો અને સેમ્યુઅલ્સને કેચ આપી બેઠો હતો.
ભારત વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં નિષ્ફળ
ભારત જો વેસ્ટ ઇન્ડિઝ સામે મેચ જીતી ગયું હોત તો આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચમાં ભારતનો રેકોર્ડ વિજય હોત. અગાઉ વેસ્ટ ઇન્ડિઝે દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે નોંધાવેલા ૨૩૧ રનના જવાબમાં ૧૯.૨ ઓવરમાં છ વિકેટે ૨૩૬ રન કરીને રેકોર્ડ ચેઝ સર્જ્યો હતો.
