વોર્સોઃ તાજેતરમાં પૂરા થયેલા રિયો ઓલિમ્પિકમાં ડિસ્ક્સ થ્રોના મેન્સ વિભાગમાં સિલ્વર મેડલ વિજેતા બનેલા પોલેન્ડના માલચોસ્કીએ તેના ફેસબુકમાં પોસ્ટ કરીને તેનો સિલ્વર મેડલ વેચવા માટે મૂકયો હતો. તેણે એક બાળકની આંખે પાટો બાંધેલી તસવીર મુકીને તેના ચાહકોને વિનંતી કરી છે કે આ બાળકને અમેરિકામાં જઈને આંખના કેન્સરની સારવાર (રેટિના બ્લાસ્ટોમા) કરવી પડે તેમ છે. તેના પરિવાર પાસે પૂરતી રકમ નહીં હોઈ તે તેના સિલ્વર મેડલની આ સાથે હરાજી કરીને રકમ ભેગી કરવા માંગે છે. તેની આવી જાહેરાતનો ધાર્યા કરતા વધુ ઝડપથી પ્રતિસાદ મળ્યો અને પોલેન્ડના સૌથી ધનિક દંપતીએ સિલ્વર મેડલ ખરીદીને આ બાળકની સારવારનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો. તેમણે મેડલ ખરીદીને બાળકની સારવાર માટે જરૂરી રકમ આપી હતી. બાળકને ન્યૂ યોર્કની હોસ્પિટલમાં સારવાર માટે કુલ ૧,૨૬,૦૦૦ ડોલરની જરૂર હતી તેમાંથી ૪૨,૦૦૦ ડોલરની તૈયારી પોલેન્ડના એક ફાઉન્ડેશને બતાવેલી હોઈ ૮૪,૦૦૦ ડોલરની રકમ ખૂટતી હતી જે માટે માલાચોસ્કીએ તેના સિલ્વર મેડલની હરાજીનો નિર્ણય કર્યો હતો અને તેને સફળતા મળી હતી.

