જામનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહત્ત્વાકાંક્ષી સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન (‘સૌની’) યોજનાના પ્રથમ ચરણનું લોકાર્પણ કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રની ભૌગોલિક રચનાને જોતાં યોજના પડકારરૂપ હતી, પણ ટેક્નોલોજી અને એન્જિનિયરીંગની કમાલે અશક્યને શક્ય કરી દેખાડ્યું છે. પડધરી તાલુકાના સણોસરા નજીક આવેલા આજી-૩ ડેમના દરવાજા રિમોટ કન્ટ્રોલ વડે ખુલ્લા મૂકીને પાણીપુરવઠો આજી-૪ ડેમ તરફ વહેતો કરતાં તેમણે આ લાગણી વ્યક્ત કરી હતી.
વર્ષોથી પાણીની તંગીથી પીડાતા સૌરાષ્ટ્રના ખેડૂતોની સમસ્યા ‘સૌની’ યોજનાથી દૂર થશે અને ધરતીમાં કાચું સોનું પાકશે તેવું કૃષિ નિષ્ણાતોનું માનવું છે. નરેન્દ્ર મોદીની અનેક મહત્ત્વાકાંક્ષી યોજનામાંની એક ‘સૌની’ યોજના તેમણે ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન અમલમાં મૂકી હતી.
સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોને નર્મદાના નીરથી ભરવા માટે આશરે ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે સાકાર થનાર આ યોજનાનું ખાતમૂહુર્ત ખુદ મોદીએ જ ૨૦૧૪માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કર્યું હતું.
બે વર્ષમાં તૈયાર થયેલા પ્રથમ તબક્કાની કામગીરીથી હાલ મોરબી, રાજકોટ અને જામનગરના ૧૦ જળાશયો નર્મદાના પાણીથી ભરાશે.
યોજના ખુલ્લી મૂક્યા બાદ વિરાટ જનમેદનીને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે આપણું કાઠિયાવાડ ઉંધી રકાબી જેવું છે. જસદણ તથા ચોટીલા ઉપર અને બાકીનું સૌરાષ્ટ્ર નીચેની બાજુએ છે. આ ભૌગોલિક સ્થિતિમાં પાણીને ઉપર ચડાવવું તે ટેક્નોલોજી અને એન્જિનિયરિંગની સિદ્ધિ છે. એક - એક ગુજરાતી તથા પાણીનું મહત્ત્વ સમજતા તમામ દેશવાસીએ ગર્વ કરવા જેવી છે.
મોદીએ જનમેદનીને ગુજરાતીમાં જ સંબોધી હતી. આ કાર્યક્રમમાં વડા પ્રધાન સામે વિરોધ પ્રદર્શન કરવા માટે કેટલાંક પાટીદારોએ સભા સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી તેમના કાર્યક્રમને સફળ નહોતો થવા દીધો.
તેમણે સૌરાષ્ટ્રના સાંસદો સાથે સૌપ્રથમ મુલાકાત કરીને ‘સૌની’ પ્રોજેકટની વાત કરી તે સમયને પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક એવો પ્રયાસ છે જેના માટે દરેકે દરેક ગુજરાતીને ગૌરવ થવું જોઈએ. તેમણે જણાવ્યું કે, હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે પણ હું દૃઢપણે માનતો હતો કે પાણી ખેડૂત માટે અત્યંત મહત્વની બાબત છે. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે ખેડૂતો વીજળીની તંગીની ફરિયાદ સાથે આંદોલન કરતા હતા ત્યારે હું તેમને કહેતો હતો કે સમસ્યા વીજ પુરવઠાની નથી, પાણીની છે. આજે આપણે સહુ જોઇએ છીએ કે નર્મદાના નીર સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છે તે સાથે જ મગફળી અને કપાસ સહિતની ખેતપેદાશમાં વધારો થયો છે.
ડ્રીપ ઈરિગેશન તથા માઈક્રો ઈરિગેશન અપનાવીને પાણી બચાવવું જોઈએ તેમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે એક નદી કેટલું પરિવર્તન લાવી શકે, તે આપણને નર્મદા મૈયાએ શીખવ્યું છે. આજે કચ્છ સુધી નર્મદાના પાણી પહોંચી ગયા છે. કચ્છની કેસર કેરી વિદેશમાં નિકાસ થઈ રહી છે. ખાવડા સુધી બીએસએફના જવાનો માટે પાઈપલાઈનથી પાણી પહોંચાડ્યું. તે પહેલા ઊંટ ઉપર પીવાનું પાણી લાવવું પડતું. નહાવા માટે પાણી એ તો બહુ દૂરની વાત હતી. આજે રાજ્યમાં પાણીના તળ ઊંચા આવવાની શરૂઆત થઈ છે. ચેક ડેમનું પણ મોટી સંખ્યામાં નિર્માણ કરવામાં આવ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાને પૂછ્યુંઃ ‘કેમ છો?’
વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સૌપ્રથમ વખત આટલી મોટી જાહેર સભા સંબોધી હતી. મોદીએ હળવાશથી લોકોને પૂછયું હતું કે કેમ છો? તેઓ આટલું બોલ્યા ત્યાં જ સમારોહ સ્થળ ગાજી ઉઠ્યું હતું. આ પછી તરત જ તેમણે ઉમેર્યું હતું કે ‘તમે મોકલ્યો હતો એવો જ છું. ગુજરાતમાંથી જે કંઇ શીખ્યો છું તે મને ખૂબ કામમાં આવ્યું હતું.’ મોદીને તેમના સંબોધન દરમિયાન લોકો વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની પ્રેરણા ‘સૌની’ યોજનામાંથી મળી છે તેવો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ યોજના રજૂ કરી છે જે ખેડૂતોને આર્થિક અનિશ્ચિતતા સામે રક્ષણ આપશે.
ફરિયાદ નહીં, ફરી-ફરી યાદ
વડા પ્રધાન મોદીએ કહ્યું કે દિલ્હી જઇને ઘણું જાણવા અને શીખવાનું તથા સમજવાનું હતું એટલે સમય લાગતો હતો. હવે બરાબર આવડી ગયું છે. આથી તમારી ફરિયાદ નહીં રહેવા દઉં. નાગરિકો, કાર્યકરો, મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ફરિયાદ હતી કે હું ગુજરાત નથી આવતો. જોકે આ ફરિયાદમાં પણ ફરી-ફરી યાદ હતી એમ તેમણે કહ્યું હતું.
ગુજરાત આગેકૂચ કરી રહ્યું છે
વડા પ્રધાને એલપીજી ગેસ જોડાણ માટેની ઉજ્જવલા અને એલઈડી બલ્બના વિતરણ જેવી યોજનાઓની વિગતો આપતા જણાવ્યું કે આ યોજનાઓ લોકોના જીવનધોરણમાં કેવો તફાવત સર્જી રહી છે. વડા પ્રધાને એલઇડી બલ્બ યોજનાના કારણે ગુજરાતમાં દરેક પરિવારમાં સરેરાશ બે હજાર રૂપિયા બચશે તેવો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં જો કોઈ અર્થતંત્ર ગતિસભર આગળ વધી રહ્યું છે તો તે ગુજરાતનું છે. વર્લ્ડ બેન્ક, આઈએમએફ અને ક્રેડિટ રેટિંગ એજન્સીઝ આ વાતનો સ્વીકાર કરે છે.
તેમણે કહ્યું હતું કે આપણે ગુજરાતમાં લાંબા સમયથી ‘બેટી બચાવો’ અભિયાન ચલાવીએ છીએ. રિયો ઓલિમ્પિકમાં દીકરીઓએ આપણી આબરૂ બચાવી છે. હવે લોકો ‘બેટી બચાવો, બેટી પઢાઓ, બેટી ખેલાઓ’ની વાત કરે છે. ગુજરાતને તેના હકનું અપાવવામાં કેન્દ્ર સરકાર ક્યારેય પાછળ નહીં પડે.
વરિષ્ઠ નેતાઓની હાજરી
સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, ગુજરાતના પ્રધાન મંડળના તમામ સભ્યો, કેન્દ્રીય પ્રધાનો પરષોત્તમભાઇ રૂપાલા તથા મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, સહિત ટોચના નેતાઓ હાજર રહ્યાં હતા. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે સભા સંબોધતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ‘સૌની’ યોજનાનું લોકાર્પણ કરતાં સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે પણ સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું, આ યોજના આપણાં સૌનું સપનું હતું. જે સાકાર થવા જઇ રહ્યું છે. તેઓ સંબોધન દરમિયાન લાગણીશીલ થઇ ગયા હતા.
વિરોધ પક્ષ પર પસ્તાળ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમારોહમાં ઉપસ્થિત નેતાઓએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કરવાનું પણ નહોતા ચૂકયા. મુખ્ય પ્રધાન રૂપાણીએ પોતાના ભાષણમાં માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીને પણ નર્મદા યોજના સામે વિરોધ પ્રદર્શન કરનારા મેધા પાટકરને લોકસભાની ટિકિટ આપવા બદલ નિશાને લીધી હતી. વડા પ્રધાન મોદીએ પણ કોઇનું નામ લીધા વગર જ કહ્યું હતું કે ટુકડા ફેંકીને ચૂંટણી ચાલે, દેશ ના ચાલે, દોઢ દાયકો અમે જે તપસ્યા કરી તેનું પરિણામ છે આજનો ગુજરાતનો વિકાસ.
કરોડોનું વીજ બિલઃ કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ‘સૌની’ યોજના સામે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે નર્મદાનું પાણી લિફ્ટ કરીને સૌરાષ્ટ્રના ડેમમાં નાખવા માટે રૂ. ૨૦૦૦ કરોડનું વીજબિલ આવશે તો તેનો બોજ કોણ ઉઠાવશે? નરેન્દ્ર મોદી હવે વડા પ્રધાન બન્યા છે તો નર્મદા યોજનાને તેઓ રાષ્ટ્રીય યોજના જાહેર કેમ નથી કરતાં તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
‘પાસ’ કન્વીનરોની અટકાયત
‘સૌની’નું લોકાર્પણ કરવા માટે આવી રહેલા વડા પ્રધાનને પાટીદાર આંદોલન સમિતિ (‘પાસ’)ના કન્વીનરો આવેદનપત્ર આપે તે પહેલાં સોમવારે મોડી રાત્રે પોલીસે કન્વીનરોની અટકાયત કરી હતી. સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોના કન્વીનરોની ધરપકડ કરવામાં આવી હતી. તો સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાને નજરકેદ કર્યા હતા. આ ઉપરાંત, અન્ય આગેવાનોના ઘરે પણ પોલીસને વોચ માટે ગોઠવી દેવાયા હતા. વડા પ્રધાન મંગળવારે સણોસરા આવી રહ્યા હોવાથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીરો-કાર્યકર્તાઓએ ગુજરાત સરકારના કથિત દમન અને પાટીદાર અનામતની માગણી સાથે આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો.
ત્રણ જિલ્લાનું તંત્ર કામે લાગ્યું
કાર્યક્રમની તૈયારીઓ માટે અને તમામ પ્રકારની તકેદારી સાથેનું આયોજન થાય તે માટે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ સોમવારથી કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા હતા. વળી, રાજકોટ, જામનગર અને મોરબીના કલેક્ટરો અને પોલીસ વડાઓ પણ કામે લાગ્યા હતા. સુરક્ષાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા રાજ્યના પોલીસ વડા પી. પી. પાંડેય પણ ત્યાં પહોંચ્યા હતા. ડેમના સ્થળે તેમજ સભાના સ્થળે વિશાળ સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.
જામનગરના ધ્રોલ તાલુકાના સણોસરા ખાતે લોકર્પણ વિધિ યોજાઇ હોવાથી પોલીસે સ્થળ તરફ જતા નાના-મોટા રસ્તાઓ પરની તમામ દુકાનો, હોટેલ્સ, રેસ્ટોરાં બંધ કરાવી દીધા હતા.
૧૭૦૦ બસની વ્યવસ્થા
ભાજપ અને સરકારે લોકાર્પણ સમારોહમાં એક લાખ લોકોની મેદની એકત્ર કરવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આયોજન કર્યું હતું. જનમેદનીને સમારોહ સ્થળે લઇ જવા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ હતી. જેમ કે, એસટીની ૭૦૦ ઉપરાંત ખાનગી બસોની વ્યવસ્થા કરાઇ હતી. તો ૮૦ હજાર ફૂડ પેકેટ્સ પણ તૈયાર કરાયા હતા. રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, લોકોને કાર્યક્રમ સ્થળે પહોંચાડવા માટે એસટીની ૭૦૦ બસો સહિત કુલ ૧૭૦૦ બસોની વ્યવસ્થા હતી.

