રાજકોટઃ બ્રેન્ડન મેક્કુલમ અને ડ્વેન સ્મિથની આક્રમક શરૂઆત બાદ દિનેશ કાર્તિકની અણનમ અર્ધી સદીની મદદથી ગુજરાત લાયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને છ વિકેટે પરાજય આપ્યો હતો. રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં વિરાટ કોહલીની આઈપીએલમાં પ્રથમ સદી અને લોકેશ રાહુલની પ્રથમ અર્ધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બે વિકેટ ગુમાવી ૧૮૦ રન કર્યા હતા. આના જવાબમાં ગુજરાત લાયન્સે ૧૯.૩ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગુજરાત લાયન્સની આ જીતે કોહલીની સદી પર ભલે પાણી ફેરવી દીધું હોય પણ સદી ફટકારવા બદલ કોહલી મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
મુંબઈએ પંજાબને ૨૫ રને હરાવ્યું
ઓપનર પાર્થિવ પટેલની ૮૧ રનની ઇનિંગ્સ બાદ ઝડપી બોલર બુમરાહે ઝડપેલી ત્રણ વિકેટની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે સોમવારે રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને ૨૫ રને પરાજય આપ્યો હતો. મુંબઈના છ વિકેટે ૧૮૯ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પંજાબની ટીમ સાત વિકેટે ૧૬૪ રન બનાવી શકી હતી. પંજાબની ઇનિંગ્સમાં મેક્સવેલ ૪૫ અને મિલર ૫૬ રનનું યોગદાન હતું. બુમરાહે ૨૬ રનમાં ત્રણ તથા સાઉથી-મેકલેનહાને બે-બે વિકેટ ખેરવી હતી. કેપ્ટન રોહિત શર્મા ઇનિંગ્સના બીજા જ બોલે ઝીરોમાં આઉટ થયા બાદ પાર્થિવ અને રાયડુએ બીજી વિકેટ માટે ૧૩૭ રનની ભાગીદારી કરી હતી. પાર્થિવે ૫૮ બોલમાં ૧૦ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૮૧ રન કર્યા હતા. રાયડુએ આક્રમક ૬૫ રનનું યોગદાન આપ્યું હતું.
દિલ્હીની વિજયી હેટ્રિક
સંજૂ સેમસનની અડધી સદી બાદ બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી દિલ્હી ડેરડેવિલ્સે ૨૩ એપ્રિલે અહીં રમાયેલી લીગ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને ૧૦ રને પરાજય આપ્યો હતો. આ સાથે દિલ્હીએ વિજયની હેટ્રિક નોંધાવી હતી. બીજી તરફ મુંબઇનો મેચમાં ચોથો પરાજય હતો. દિલ્હીના ચાર વિકેટે ૧૬૪ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇની ટીમ સાત વિકેટે ૧૫૪ રન નોંધાવી શકી હતી. મેન ઓફ મેચ સેમસને ૪૮ બોલમાં ચાર બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૬૦ રન બનાવ્યા હતા.
હૈદરાબાદનો પાંચ વિકેટે વિજય
બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ કેપ્ટન વોર્નરના ૫૯ રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે હોમગ્રાઉન્ડમાં ૨૩ એપ્રિલે રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. પંજાબના ૧૪૩ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર હૈદરાબાદે ૧૭.૫ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૬ રન બનાવીને વિજય મેળવ્યો હતો.

