અમદાવાદના બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉટર કેસને ૧૨ વર્ષ થવા આવ્યા છે, પણ વિવાદ શમતો નથી. ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓને જેલભેગા કરી દેનાર ઈશરત જહાં કેસમાં થયેલા નવા પર્દાફાશે તત્કાલીન યુપીએ સરકારના ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમનો ચહેરો ખુલ્લો કરી નાખ્યો છે. આ ચોંકાવનારા ખુલાસાએ તેમની રાજકીય કારકિર્દી સામે તો પ્રશ્નાર્થ સર્જ્યો છે, પણ આ ઘટના રાજકારણનું સ્તર કઇ હદે નીચું ઉતરી રહ્યું છે તે પણ દર્શાવે છે. આ કેસમાં તાજેતરમાં જાહેર થયેલા પુરાવામાં આશરે ૭૦ પાન ભરીને સરકારી ટીપ્પણીઓ, હસ્તાક્ષર, કાનૂની દસ્તાવેજો વગેરે છે. અગાઉ કદી જાહેર ન થયેલા આ પુરાવા એક ખાનગી ટીવી ચેનલે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ અધિકાર હેઠળ મેળવ્યા છે. ટાઇમ્સ ઓફ ઇંડિયા ગ્રૂપની ચેનલે આ પુરાવાને આધારે દાવો કર્યો છે કે ઈશરત જહાં કેસ સંબંધિત પહેલા સોગંદનામામાં ચિદમ્બરમે જ ફેરફાર કર્યો હતો, જે વાત અત્યાર સુધી તેમણે નકારી છે. ઇશરત પ્રકરણમાં દસ્તાવેજો સાથે કરાયેલાં ચેડાં ખરેખર શરમજનક છે. ચિદમ્બરમે ઇશરતને આતંકી ગણાવતું પહેલું સોગંદનામું પાછું ખેંચી ઇશરતને નિર્દોષ ગણાવતું બીજું સોગંદનામું કર્યું હતું. હવે આ મામલામાં તપાસ એ થવી જોઇએ કે ગૃહ પ્રધાન જેવો અતિ મહત્ત્વનો હોદ્દો સંભાળતા ચિદમ્બરમે આવી હરકત શા માટે કરી?
ચિદમ્બરમના કરતૂત પાછળનું સાચું કારણ બહાર આવવું આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ છે. જો દેશના ગૃહ પ્રધાન કોઈ રાજ્યના મુખ્ય પ્રધાનની રાજકીય કારકિર્દી બરબાદ કરવા આ હદે જઈ શકતા હોય તો અન્ય કોઈની વિરુદ્ધ તો તે ગમેતેવા ષડયંત્ર રચી શકે છે. એક આતંકવાદીને નિર્દોષ ઠરાવવા તેમણે જે છળકપટ કર્યું છે તે ગુનાહિત કૃત્ય સિવાય બીજું કંઇ હોઈ શકે નહીં. વળી, ચિદમ્બરમ્ ખુદ કાનૂનવિદ્ છે એટલે તેઓ આ પ્રકારના કૃત્યની ગંભીરતાથી અજાણ હોવાનું પણ માની શકાય તેવું નથી.
ચિદમ્બરમના કૃત્યને ભારતીય રાજકારણના પતનના નવા પ્રતીક તરીકે નિહાળી શકાય. ગૃહ પ્રધાન ખુદ બંધારણની ગરિમાના લીરેલીરા ઉડાવે ને રાજકીય વિરોધીને બદનામ કરવા પોતાના પદની સાથોસાથ દેશની ગરિમાને પણ અભેરાઈએ ચઢાવી દે તેથી વધુ શરમજનક બીજું શું હોય? ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા ચિદમ્બરમ્ ઇશરત પ્રકરણમાં આ હદે આગળ વધ્યા તે જ દર્શાવે છે કે તેમને તત્કાલીન યુપીએ સરકારના ‘મોભીઓ’નો સાથ હતો. તેઓ કોઇ પણ ભોગે મોદીને ભીડવવા માગતા હતા. મોદી ભલે પોતાની રાજકીય સૂઝબૂઝ અને આત્મવિશ્વાસ થકી કાવતરાથી બચવામાં સફળ રહ્યા, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબીને બટ્ટો લાગ્યો છે તેનું શું?
ગૃહ પ્રધાનના રૂપમાં ચિદમ્બરમ્ તમામ મર્યાદા વટાવી ગયા હોવા છતાં કોઈ પણ સ્તરે તેમને રોકવા-ટોકવામાં આવ્યા નથી તે દર્શાવે છે કે કોંગ્રેસની નૈતિકતાને કેટલો ઘસારો લાગ્યો છે.
