જયદીપ પટેલે ચપ્પુના ઘા ઝીંકી દાદીનો જીવ લીધો

Wednesday 27th April 2016 06:30 EDT
 
 

નોર્થ બર્ગેન (ન્યૂ જર્સી)ઃ મહાનગર ન્યૂ જર્સીના નોર્થ બર્ગેનમાં રહેતા ૨૬ વર્ષના જયદીપ પટેલ નામના યુવાને ચપ્પાના ઘા ઝીંકીને તેના દાદીમાની હત્યા કરી નાખતા ભારતીય સમુદાયમાં અરેરાટી પ્રસરી ગઇ છે.
૨૨ સવારે બનેલી આ ઘટનામાં જયદીપે તેની સાથે જ રહેતા તેના ૭૩ વર્ષના દાદીમા રમીલાબેન પટેલને ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ દોડી ગયેલી પોલીસ ટીમ અને ઇમરજન્સી સ્ટાફે રમીલાબેનને તત્કાળ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ત્યાં તેમને મૃત્યુ પામેલા ઘોષિત કરાયા હતા.
બે વર્ષ પૂર્વે પિતાનું મૃત્યુ
રમીલાબેનના પડોશીઓના જણાવ્યા અનુસાર, જયદીપ વ્યવસાયે એન્જીનિયર છે. તેના પિતાનું બે વર્ષ અગાઉ હાર્ટ એટેકથી મોત થયું હતું. જયદીપ તેના પિતાને ખૂબ પ્રેમ કરતો હોવાનું તેના પડોશીઓને અવારનવાર કહેતો હતો.
પોલીસના કહેવા મુજબ, રમીલાબેન પૌત્ર જયદીપ અને પુત્રવધુ સાથે રહેતા હતા. તેમની હત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી.
વારંવાર ઝઘડા થતા હતા
રમીલાબેનના એક પડોશીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, તેમણે હત્યા અગાઉ રમીલાબેન અને જયદીપને ઝઘડતા જોયા હતા. બાદમાં જયદીપ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો હતો.
જયદીપ અને તેના માતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, જેના પગલે રમીલાબેન ગુસ્સામાં બન્નેને ઘર છોડીને ચાલ્યા જવાનું કહેતા હતા.
જયદીપ હસમુખો હતો
રમીલાબેનના એક પડોશી હેક્ટર મિલેટે જણાવ્યું હતું કે, ‘જયદીપ મારા ઘરે ઘણી વાર આવતો હતો. અમે કમ્પ્યુટર્સ અને ધર્મ અંગે ખૂબ વાતો કરતા. તે બહુ હસમુખો યુવક હતો અને પોતાના ભવિષ્ય અંગે પણ મારી સાથે વાત કરતો. તે તેના દાદીની હત્યા કરે તે મારા માનવામાં નથી આવતું.’


comments powered by Disqus