સૌંદર્ય નહીં, સંસ્કારોથી જીવન દીપી ઊઠે છે

તુષાર જોશી Wednesday 27th April 2016 06:16 EDT
 

‘અમે તમારા ઘરે દીકરી જોવા ન આવ્યા હોત તો પણ ચાલત...’
વલસાડથી વાપીમાં વિજયભાઈના ઘરે દીકરી જોવા આવેલા હિંમતભાઈ શાહે કહ્યું અને સાંભળનાર યજમાન પરિવારના સહુને થયું કે આપણી દીકરી એમને પસંદ નથી કે શું?
મૂળ ભાવનગરનો પરિવાર વર્ષોથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર વાપીમાં સ્થાયી થયો હતો. પરિવારની સુંદર - ગુણિયલ દીકરી સોનલને જોવા વલસાડના જૈન પરિવારનો દીકરો નીલેશ અને તેના માતા-પિતા આવવાના હતા.
‘હવે બધા તૈયાર થઈ જાવ, એ લોકો હમણાં જ આવશે.’ સોનલના મમ્મીએ જરા ચિંતાભર્યાં સ્વરે કહ્યું. સાંભળીને સોનલના પપ્પાએ કહ્યું, ‘તું ચિંતા ન કર, આજે આપણી દીકરીના ગોળ-ધાણા પાક્કા જ સમજ.’ ઘરને સજાવતાં સજાવતાં એમનું ધ્યાન ગયું કે ઘરમાં સોનલ દેખાતી નથી. એને સાદ પાડ્યા પણ જવાબ નહીં. કોઈએ કહ્યું કે રોજની માફક એ દાદીને લઈને કારમાં દેરાસર દર્શન કરવા ગઈ છે. સોનલના મમ્મીને થયું, ‘અરે આજે એક દિવસ સાંજે દેરાસર ગઈ હોત તો!! હમણાં એ લોકો આવી પહોંચશે...’ આમ વિચારતાં હતાં ત્યાં જ ઘરમાં સોનલ ને દાદી આવ્યા એટલે એમને હાશ થઈ. સોનલ તૈયાર થવા એના રૂમમાં ગઈ.
થોડી વારમાં ડોરબેલ રણકી. જય જિનેન્દ્ર કહીને નીલેશની સાથે તેના મમ્મી-પપ્પા અને કાકી-કાકા ઘરમાં આવ્યા. જ્ઞાતિની, સમાજની, વ્યવસાયની વાતો થઈ ત્યાં એ સમયની પરંપરા મુજબ ચા-નાસ્તો લઈને, થોડી શરમાતાં શરમાતાં પણ આત્મવિશ્વાસ સાથે બેઠકરૂમમાં સોનલ આવી. એમને જોઈને નીલેશના પરિવારના સભ્યો સહેજ ચોંક્યા.
થોડી વાતો થયા બાદ હિંમતભાઈએ કહ્યું, ‘અમે તમારા ઘર સુધી ધક્કો ન ખાધો હોત તો પણ ચાલત...’ સોનલના પપ્પાએ કહ્યું, ‘સમજાયું નહીં!’ એમનો માનસિક બોજો હળવો કરતા હોય એમ હિંમતભાઈએ કહ્યું, ‘અમે તમારા ઘરે આવ્યા એ પહેલાં જ અમે સોનલને અમારા ઘરની પુત્રવધૂ તરીકે પસંદ કરી લીધી હતી.’
વાત એમ બની હતી કે વાપી ગામમાં પ્રવેશતાં રસ્તામાં દેરાસર દેખાયું. ગાડી પાર્ક કરીને સહુ દર્શને ગયા તો ધ્યાન ગયું કે એક સુંદર યુવતી એના દાદીને હાથ ઝાલીને દેરાસરના પગથિયાં ચડાવી રહી છે. થોડી વારે જોયું કે ધૂપ-દીપ, સેવા-પૂજા પણ ભાવપૂર્વક કરી રહી છે. આ દૃશ્ય જોઈને નીલેશના મમ્મીએ કહ્યું, ‘આવી છોકરી આપણા ઘરની પુત્રવધૂ હોવી જોઈએ.’ અને અહીં ઘરમાં અમે સોનલ અને દાદીને જોયા એટલે મેં કહ્યું કે, ‘અમે ત્યાં જ સોનલને મળી લીધું હોત તો અહીં આવવાની જરૂર ન પડત.’
સોનલના મમ્મી-પપ્પા અને દાદા-દાદીના સંસ્કાર અને શાલીનતાએ અનાયસ સહુના મન જીતી લીધા અને સોનલ-નીલેશની સગાઈ એ જ પળે જાહેર થઈ ગઈ.

•••

આજે સોનલ-નીલેશના લગ્નને બે દાયકા કરતા વધુ વર્ષો વીતી ગયા છે ને સોનલે એના વાણી-વિવેક-વ્યવહારુતાથી બંને ઘરના સંસ્કારોને ઊજાગર કર્યા છે. ચહેરો આકર્ષે છે પ્રાથમિક તબક્કે, પરંતુ સંસ્કાર અનુભવાય છે. સૌંદર્ય આંખોને ગમે છે, પરંતુ વિવેક અને શાલીનતાથી જીવન દીપી ઊઠે છે.
ઘરના વડીલોને આદર અને પ્રેમ આપવા, એમની સાથે રહેવું અને તેમને રાજી રાખવા જેવી નાની નાની કાળજી લેવાથી એમના આશીર્વાદ મળે છે. અપેક્ષા વિના સાહજિકપણે કરેલા સારા કાર્યોના સારા ફળ હંમેશા મળે જ છે. વડીલોના આશીર્વાદ ‘બેટા, રાજી રહેજો...’માં વ્યક્ત થાય છે ને પરિણામે એમને સાચવનારા જીવનમાં અજવાળાં-અજવાળાં ફેલાય છે.

લાઈટ હાઉસ
બાળપણમાં દાદીમા પાસેથી સાંભળેલું, ‘કોઈને ચામ વહાલું નથી, કામ વહાલું છે. જ્યાં જઈએ ત્યાં ‘લાવો, હું કરું’ કહીએ જેથી સામાને વહાલાં લાગીએ.’
- ઈલા પાઠક


comments powered by Disqus