સિડનીઃ મેન ઓફ ધ મેચ મનીષ પાંડેના ઝંઝાવાતી ૧૦૪ રન, પ્લેયર ઓફ ધ સિરિઝ ઓપનર રોહિત શર્માના ૯૯ અને ઓપનર શિખર ધવનના શાનદાર ૭૮ રનની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને છેલ્લી વન-ડે ક્રિકેટ મેચમાં છ વિકેટે વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ભારતે આઇસીસી વન-ડે રેન્કિંગમાં તેનું બીજું સ્થાન પણ જાળવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચોની આ શ્રેણી ૪-૧થી જીતી હતી.
ભારતે ૪૯.૪ ઓવરમાં ચાર વિકેટે ૩૩૧ રન બનાવીને ઓસ્ટ્રેલિયાના સાત વિકેટે ૩૩૦ રનના વિશાળ સ્કોરને પાર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલી વખત કોઈ ટીમે ૩૦૦થી વધુ રનનો પીછો કરતા વિજય મેળવ્યો છે.
રોહિત શર્માએ આ વન-ડે સિરિઝમાં ૪૦૦ રનનો આંકડો પાર કર્યો અને તે દક્ષિણ આફ્રિકાના હાસિમ અમલા પછી બે વખત આ સિદ્ધિ મેળવનારો વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત તેણે પહેલી વખત ઓસ્ટ્રેલિયા સામે ૪૦૦ રન પાર કર્યા હતા. તેણે પ્લેયર ઓફ ધ સિરિઝનો પુરસ્કાર પણ મેળવ્યો છે અને વન-ડે ક્રિકેટમાં ૫૦૦૦ રનની સિદ્ધિ હાંસલ કરી છે.
ચોથી વન-ડેમાં ધબડકો
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી વન-ડેમાં સંગીન સ્થિતિમાં પહોંચ્યા બાદ અંતિમ ઓવરોમાં નાટકીય ધબડકો થતાં ભારતનો ૨૫ રને પરાજય થયો હતો. ૩૪૯ રનના ટાર્ગેટ સામે કોહલી અને ધવનની સદીના સહારે ભારતે સંગીન શરૂઆત કરતાં ટીમનો સ્કોર એક વિકેટે ૨૭૭ રને પહોંચાડયો હતો. જોકે રિચર્ડસને ઘાતક સ્પેલ નાખતાં ભારતીય ટીમ વધુ ૪૬ રન ઉમેરી ૩૨૩ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટ ગુમાવી ૩૪૮ રન કર્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ ૪૯.૨ ઓવરમાં ૩૨૩ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. પાંચ વિકેટ ઝડપનારા કેન રિચર્ડસનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
૩૪૯ રનના જંગી ટાર્ગેટ સામે ધવન અને રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરતાં ટીમનો સ્કોર આઠ ઓવરમાં ૬૫ રને પહોંચાડયો હતો. રોહિત ૪૧ રન બનાવી આઉટ થયા બાદ કોહલીએ શિખર ધવન સાથે મળી ઓસ્ટ્રેલિયન બોલરોને ચારેબાજુ ફટકારતાં ૩૭ ઓવરમાં ટીમનો સ્કોર ૨૭૪ રને પહોંચાડયો હતો. ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી ત્યારે હેસ્ટિંગે ૩૮મી ઓવરમાં શિખર ધવનને આઉટ કરી ભાગીદારી તોડી હતી. પછી કેપ્ટન ધોની પણ હેસ્ટિંગનો શિકાર બનતાં ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. ભારતીય ટીમ સળંગ બે ઝટકામાંથી બહાર આવે તે પહેલાં રિચર્ડસને કોહલીને પેવેલિયન મોકલ્યો હતો. માત્ર એક રનમાં ત્રણ વિકેટ ગુમાવતા ભારતીય ટીમ દબાણમાં આવી ગઈ હતી. અહીંથી ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય બેટ્સમેનો પર હાવી થઈ ગયા હતા. એક તબક્કે ભારતને જીતવા માટે ૨૭ બોલમાં ૩૮ રન કરવાના હતા, પણ ૩૨૩ રને પહોંચતાં જ ટીમ આઉટ થઈ ગઈ હતી.

