ટી૨૦માં ભારતની દમદાર શરૂઆત, ઓસ્ટ્રેલિયાને ૩૭ રનથી હરાવ્યું

Wednesday 27th January 2016 05:58 EST
 
 

એડીલેડઃ વન-ડે શ્રેણીમાં ધબડકા બાદ ટ્વેન્ટી૨૦માં ભારતે દમદાર દેખાવ સાથે પ્રારંભ કર્યો છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ જીતીને દેશવાસીઓને ૬૭મા પ્રજાસત્તાક પર્વે અનોખી ભેટ આપી છે. ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચોની ટ્વેન્ટી૨૦ શ્રેણીની પહેલી મેચ ભારતે જીતી છે. ભારતના ૧૮૮ રનના જવાબમાં સમગ્ર ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૫૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી.
વન-ડે મેચોમાં બોલરોના ખરાબ પ્રદર્શનથી હારનો સામનો કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાને આ વખતે બોલરોએ શાનદાર પરફોર્મ કરતા ટીમે જીત મેળવી હતી. સ્પિનરોની સાથે સાથે ફાસ્ટ બોલરોએ પણ સુંદર બોલિંગ કરી હતી. ભારત તરફથી બુમરાહે ત્રણ, અશ્વિન, જાડેજા અને પંડ્યાએ બે-બે વિકેટો ઝડપી હતી. લાંબા સમય બાદ ટીમમાં વાપસી કરનાર નેહરાએ એક વિકેટ લીધી હતી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત ૨૦ ઓવરોમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૮૮ રન કર્યા હતાં. જેમાં વિરાટ કોહલીએ ૫૫ બોલમાં ૯૦ રન અને સુરેશ રૈનાએ ૩૪ બોલમાં ૪૧ રન કર્યા હતાં. ભારતના પડકારના જવાબમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમ માત્ર ૧૫૧ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ.


comments powered by Disqus