લોકશાહી શાસનપ્રણાલિ ધરાવતા ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં વૈચારિક મતમતાંતર સહજ લેખાવા જોઇએ, પરંતુ જ્યારે આવા મતમતાંતર સંઘર્ષનું સ્વરૂપનું ધારણ કરે છે ત્યારે તેના ભયાનક પરિણામ આવતા હોય છે. હૈદરાબાદ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલુની આત્મહત્યા આવા જ એક વૈચારિક સંઘર્ષનું પરિણામ ગણી શકાય. સમગ્ર દેશને હચમચાવી મૂકનારા આ બનાવે વૈચારિક હિંસા અને રાજકારણનો વરવો ચહેરો છતો કર્યો છે. રોહિતે આત્મહત્યા પૂર્વે લખેલો અંતિમ પત્ર તેની દલિત વ્યથા અને સંઘર્ષથી છલોછલ છે. આ પત્રથી ખરેખર તો ભારતના શૈક્ષણિક અને રાજકીય નેતાઓએ વ્યથા અનુભવી જોઇએ, પરંતુ એવું ન થયું તેને અફસોસ જ ગણવો રહ્યો.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં આંબેડકર છાત્ર પરિષદનું વર્ચસ છે. આંબેડકર છાત્ર પરિષદના સક્રિય સભ્ય એવા રોહિત અને અન્ય ત્રણ વિદ્યાર્થીને ભાજપની યુવા પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથેના સંઘર્ષના કારણે યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. રોહિત અને તેના મિત્રો આમરણ અનશન પર બેઠા હતા. છેવટે આ સંઘર્ષથી થાકીહારીને રોહિતે જીવન ટૂંકાવી લીધું. રોહિતે આખરી પત્રમાં પોતે દલિત હોવાથી અન્યાય થઇ રહ્યો હોવાની વ્યથા ઠાલવી હતી. શિક્ષણ ક્ષેત્રે ભારે નામના ધરાવતી યુનિવર્સિટીનો દલિત વિદ્યાર્થી જો અન્યાયની લાગણી અનુભવતો હોય અને જીવન ટૂંકાવવા જેવું અંતિમ પગલું ભરતો હોય તો તે ભારતની શિક્ષણવ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જે છે.
દરેક રાજકીય પક્ષના નેતા આત્મહત્યાના મુદ્દે નિવેદનબાજી કરી રહ્યા છે, પણ કોઇને આ સમસ્યાનો જડમૂળથી ઉકેલ લાવવામાં રસ જણાતો નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં દલિતોમાં ઊડીને આંખે વળગે તેવું જો કોઇ પરિવર્તન આવ્યું હોય તો તે એ છે કે આ સમુદાયનો બાળક હવે ભણી રહ્યો છે. તે યુનિવર્સિટીમાં જતો થયો છે. આમ છતાં દલિતો પ્રત્યેના સામાજિક અભિગમમાં કોઇ ખાસ બદલાવ આવ્યાનું જણાતું નથી. સ્કૂલથી માંડીને કોલેજો સુધીના કોઇ પણ પાઠ્યપુસ્તક પર ફેરવશો તો તેમાં ક્યાંય દલિત, આદિવાસી કે મહિલાઓને સમાન દરજ્જો આપવાના મુદ્દે કે તેમના હિતો માટે અવાજ ઉઠાવનાર લોકો વિશે ભાગ્યે જ કંઇ વાંચવા મળશે. જો કૂવામાં જ નહીં હોય તો હવાડામાં ક્યાંથી આવશે? દલિત પ્રત્યે સમાનતાનો માહોલ ઉભો કરવો હશે, તેમને અન્યાય થઇ રહ્યો હોવાની પીડામાંથી ઉગારવા હશે તો તેની શરૂઆત પાઠ્યપુસ્તકોથી કરવી પડશે. વિદ્યાર્થીઓને શાળાકાળથી સમજાવવું પડશે કે સમાજમાં કોઇ નાનું નથી, અને કોઇ મોટું નથી. ભારત એક લોકતાંત્રિક દેશ અને અહીં સહુ કોઇ સમાન છે. જ્યારે આવું થશે ત્યારે જ રોહિત વેમુલા જેવા આશાસ્પદ દલિત યુવાનોનું જીવન બચાવી શકાશે.
