પેનાંગઃ ભારતીય બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ઝમકદાર ફોર્મ જાળવતાં મલેશિયા ગ્રાં પ્રિ ગોલ્ડ ઓપનની ફાઇનલમાં સ્કોટલેન્ડની કર્સ્ટી ગિલમોરને ૨૧-૧૫, ૨૧-૯થી સીધા સેટમાં પરાજય આપીને બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. સિંધુ આ પહેલાં ૨૦૧૩માં પણ મલેશિયા ઓપનમાં ચેમ્પિયન બની હતી. સિંધુએ આ સાથે પાંચમી વખત ગ્રાં પ્રિ ગોલ્ડ જીત્યો હતો. સિંધુ બે વખત મલેશિયા ઓપન અને ત્રણ વખત મકાઉ ગ્રાં પ્રિ ગોલ્ડ જીતી ચૂકી છે.
સિંધુએ ૩૨ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ગિલમોરે કરેલી ભૂલોનો ફાયદો ઉઠાવ્યો હતો. સિંધુએ આ મેચમાં જોરદાર સર્વિસ કરી હતી જેનો ગિલમોર પાસે કોઈ જવાબ નહોતો. પ્રથમ સેટમાં સિંધુએ ૫-૨ની લીડ બાદ તેને આગળ વધારતાં ૧૦-૬ કરી દીધી હતી. ગિલમોરે કેટલાક પોઇન્ટ મેળવ્યા, પરંતુ સિંધુ મેચમાં હાવી રહી હતી.

