મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન કુટુંબમાં જન્મેલાં અને વડોદરામાં ઉછરેલા ગુજરાતી ફિલ્મો અને તખ્તાનાં પ્રખ્યાત અભિનેત્રી પદ્મારાણીનું સોમવારે નિધન થયું હતું. છેલ્લા છ દાયકાથી રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્રે કાર્યરત પદ્મારાણીની રવિવારે સાંજે તબિયત કથળતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને સોમવારે તેમનાં ૮૦માં જન્મદિને જ તેઓનું અવસાન થયું હતું. ‘બા રિટાયર થાય છે’ નાટકના પાંચસોથી વધુ હાઉસફૂલ શો કરનારા પદ્મારાણીએ અનેક સુપરહિટ નાટકો આપ્યા છે જેમાં ‘બાએ મારી બાઉન્ડરી’, ‘કેવડાના ડંખ’, ‘સપ્તપદી’, ‘ચંદરવો’, ‘ફાઇવ સ્ટાર આન્ટી’, ‘પ્રેમ કરતાં પંક્ચર પડયું’, ‘વચન’નો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૬૧માં આવેલી ‘નરસૈયાની હૂંડી’ ફિલ્મથી તેઓએ ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું અને પહેલો મોટો બ્રેક આશા પારેખ અભિનિત ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’થી મળ્યો હતો. લગ્ન થયા એ સમયગાળામાં જ તેમને સંજીવકુમાર સામે મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘કલાપી’ આવી હતી. ઉપરાંત તેમણે ‘પાતળી પરમાર’, ‘ગંગાસતી’, ‘લોહીની સગાઈ’, ‘કસુંબીનો રંગ’, ‘શામળશાહનો વિવાહ’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.
હિન્દી ફિલ્મો ‘પરિવાર’, ‘વીર ઘટોત્કચ’, ‘જય સંતોષી મા’માં તેઓ ચરિત્ર અભિનેત્રી હતાં. પાંચ દાયકાથી વધુ સમયથી નાટકો અને ફિલ્મોમાં અભિનય કરતાં પદ્મારાણીને સિરિયલમાં અભિનય આપવામાં ઓછો રસ હતો છતાં તેમણે ‘સ્વપ્ન કિનારે’ના એક હજારથી વધુ એપિસોડમાં એક્ટિંગ કરી હતી.
પદ્મારાણીના પિતા બેરિસ્ટર ભીમરાવ ભોસલે પુનાથી વડોદરા રહેવા આવ્યા હતા અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે પદ્મારાણીએ નાની વયે કલાજગતમાં પગ મૂક્યો હતો. નાટકમાં કામ કરતા તેમનો પરિચય પારસી જમીનદાર નામદાર ઇરાની સાથે થયો. નાટકના દિગ્દર્શક ઇરાની સાથે પદ્માએ માત્ર ૧૮ વરસની ઉંમરે લગ્ન કર્યાં હતાં.

