ભારત-ફ્રાન્સ સંબંધોનું વિશેષ મહત્ત્વ

Wednesday 27th January 2016 05:53 EST
 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દે ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ઉજવણીનું મુખ્ય મહેમાનપદ શોભાવ્યું અને તેમના ત્રણ દિવસના ભારત પ્રવાસ દરમિયાન ૩૬ રાફેલ ફાઇટર જેટ સહિત વિવિધ ક્ષેત્રે ૧૬ જેટલા મહત્ત્વના કરાર થયા છે. ભારતીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થવાનું બહુમાન મેળવનાર ઓલાન્દ ફ્રાન્સના પાંચમા નેતા છે. એટલું જ નહીં, ફ્રાન્સની લશ્કરી ટુકડી પ્રજાસત્તાક દિનની પરેડમાં પણ જોડાઇ. આ તમામ ઘટનાક્રમ દર્શાવે છે કે ભારત-ફ્રાન્સનું નેતૃત્વ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા કેટલું સક્રિય છે. ભારત અને ફ્રાન્સ - બન્ને દેશો આત્મસન્માન, સ્વાયતત્તા અને સ્વતંત્રતા માટે હંમેશા સજાગ રહ્યા છે. બન્ને દેશની વિદેશ નીતિ અને સુરક્ષા નીતિમાં પણ ઘણા અંશે સમાનતા જોવા મળે છે. કદાચ આ બધી બાબતો જ બન્ને દેશોને એક તાંતણે જોડે છે.
ભારત વિશ્વના વિવિધ દેશો સાથે સારા રાજદ્વારી સંબંધો ધરાવે છે, પરંતુ ફ્રાન્સ સાથેના સંબંધોનું આગવું મહત્ત્વ છે. રાષ્ટ્રપતિ ઓલાન્દના ભારત પ્રવાસે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે. ભારતના દૃષ્ટિકોણથી જોઇએ તો મેક ઇન ઇંડિયા, ડિજિટલ ઇંડિયા અને સ્માર્ટ સિટી જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાને સાકાર કરવામાં ફ્રાન્સ મદદગાર સાબિત થઇ શકે છે. ફ્રાન્સના ઉદ્યોગપતિઓએ આવતા પાંચ વર્ષમાં ભારતમાં ૧૦,૦૦૦ કરોડ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. હાઇ સ્પીડ ટ્રેનના સંચાલન માટે જરૂરી ટેક્નોલોજી આપવાની ખાતરી પણ ફ્રાન્સે આપી છે. જ્યારે ફ્રાન્સના દૃષ્ટિકોણથી જોઇએ તો ભારતને તે આતંકવાદ સામેની લડતમાં સશક્ત સાથીદાર તરીકે નિહાળે છે. રાષ્ટ્રપતિ ઓલાન્દ એ પણ સારી રીતે જાણે છે કે ભારત સાથેના મજબૂત આર્થિક સંબંધો ફ્રાન્સના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવામાં ઉપયોગી સાબિત થઇ શકે છે.
ભારત-ફ્રાન્સ સંબંધોમાં અન્યોન્ય પ્રત્યે જોવા મળતા આશાવાદનું મુખ્ય કારણ છે પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય માહોલ અને કસોટીની એરણ પર સો ટચના સોના જેવા સાબિત થયેલા સંબંધો. આજે સમગ્ર વિશ્વમાં આતંકવાદે કેર વર્તાવ્યો છે. ભારત અને ફ્રાન્સ - બન્ને દેશો આતંકવાદના ઘા સહી ચૂક્યા છે. પછી તે પેરિસ હુમલો હોય કે પઠાણકોટ એરબેઝ પરનો આતંકવાદી હુમલો. આતંકવાદને માત કરવા માટે ભારત - ફ્રાન્સ સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે. બન્ને દેશો આ દિશામાં આગળ પણ વધી રહ્યા છે. ભારતને જે પ્રકારે સરહદ પારથી આતંકી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ પ્રકારે ફ્રાન્સમાં પણ આતંકવાદી મોડ્યુલ કામ કરી રહ્યા છે. ભારત અને ફ્રાન્સે આતંકવાદ સામે આજકાલ હાથ મિલાવ્યા છે એવું નથી, બન્ને દેશો ૯/૧૧ બાદથી જ આતંકવાદનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે.
આ સંદર્ભે જોવામાં આવે તો પઠાણકોટ મામલે ભારતે રજૂ કરેલા પુરાવા પર પાકિસ્તાને કાર્યવાહી કરવી જોઇએ તેવી ઓલાન્દની ટિપ્પણી બહુ મહત્ત્વપૂર્ણ છે. પાકિસ્તાન આતંકવાદના મામલે ભારત તરફથી અપાયેલા પુરાવાઓના આધારે પગલાં લેવાનું ટાળી રહ્યો છે. અમેરિકા ભલે ભારતતરફી ઝુકાવ ધરાવતું હોય, પરંતુ તે પાકિસ્તાન સમર્થક પણ હોવાથી (આતંકવાદ સામે પગલાં લેવાના) તેના દબાણની ખાસ અસર જણાતી નથી. આ સિવાય ચીન પાકિસ્તાનનું મુખ્ય સહયોગી છે. આ સંજોગોમાં આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લેવું હોય તો ભારત માટે જર્મની, બ્રિટન અને યુરોપની મહાશક્તિ ફ્રાન્સનો સહયોગ અનિવાર્ય છે.
અલબત્ત, આતંકવાદ તો એક મુદ્દો થયો. આ સિવાય પણ બન્ને દેશો એકબીજાને આંતરરાષ્ટ્રીય મોરચે સહયોગ આપતા રહ્યા છે. જેમ કે, વર્ષ ૨૦૦૩માં ઇરાકમાં અમેરિકી સેનાના પ્રવેશનો ફ્રાન્સે વિરોધ કર્યો હતો. ફ્રાન્સના આ પગલાનું ભારતે સમર્થન કર્યું હતું. આ પૂર્વે ૧૯૯૮માં ભારતે અણુપરીક્ષણ કર્યું ત્યારે યુરોપીય દેશો અને અમેરિકાએ ભારત પર આકરા પ્રતિબંધો લાદયા હતા. આ સમયે ફ્રાન્સ એકમાત્ર એવો દેશ હતો જેણે ભારત પર પ્રતિબંધ તો નહોતો જ લાદયા, ઉલ્ટાની મદદ કરી હતી. ભારતે ફ્રાન્સની સાથે
શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે પરમાણુ સંધિ પણ કરી છે. ફ્રાન્સ આજે પણ યુરોપની મહાશક્તિ છે. ભારતને યુરોપિયન યુનિયનમાં પોતાનો મજબૂત પક્ષ રાખવા માટે ફ્રાન્સનો સહયોગ બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે.
મજબૂત દ્વિપક્ષી સંબંધોના ઇતિહાસને નજર નાખીએ રાખીએ તો કહી શકાય કે ફ્રાન્સે અનેકવિધ ક્ષેત્રે સમજૂતી કરાર કરીને ભારતની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને અનુકૂળ પગલાં ઉઠાવ્યા છે. ભવ્ય ભૂતકાળને નજરમાં રાખીને વર્તમાનમાં થયેલો આ સહયોગ ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોમાં નવું સોનેરી પૃષ્ઠ ઉમેરશે તેમાં બેમત નથી.


comments powered by Disqus