ન્યૂ યોર્કઃ અમેરિકાની ૩૧ વર્ષીય સ્ત્રી લિઝા ફાલઝોએ ત્રણ વર્ષ પહેલાં જ્યારે પોતાની કંપની શરૂ કરી ત્યારે લોકો તેની હાંસી ઉડાવતા હતા. કારણ કે લિઝા પેરાલાઇઝ્ડ હતી. લોકો કહેતા કે, કરોડરજ્જુ ભાંગેલી લિઝાની કંપની કેવી રીતે ઊભી રહેશે. લિઝાએ મજાકખોરોને ખોટા પુરવાર કરી દીધા. આજે તેઓ આશરે રૂ. ૩૪૦૦ કરોડની કિંમતવાળી કંપનીના માલિક છે. લિઝા ટૂંક સમયમાં એક અબજ ડોલરનો આઇપીઓ લાવવાના છે. જો તેમાં સફળ જાય તો તેઓ દુનિયાનાં પહેલાં મહિલા હશે જેમણે આટલી જંગી રકમથી આઇપીઓ શરૂ કર્યો હોય.
૨૦૧૦માં કરોડરજ્જુ ભાંગી
લિઝાએ ૨૦૧૩માં રિવેલ સિસ્ટમ કંપની શરૂ કરી હતી. કંપનીનો આઇડિયા તેમને તે સમયે આવ્યો જ્યારે તેઓ કરોડરજ્જુ ભાંગી જવાથી પેરાલાઇઝ્ડ થઇને પથારીવશ હતાં. ૨૦૧૦માં લિઝા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યાં હતાં. તેઓ યુનિવર્સિટી તરફથી સ્વિમિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લેતાં. એક દિવસ સ્વિમિંગ માટે ઘરેથી નીકળી રહ્યાં હતાં ત્યારે સીડી ઉતરતી વખતે તેઓ લપસી ગયાં. ડોક્ટરને બતાવ્યું તો ખબર પડી કે કરોડરજ્જુ ભાંગી ગઇ છે. એ પછી ઓપરેશન કરવું પડ્યું. તેના કારણે લિઝા વધુ સમય બેસી કે ઊભાં રહી શકતાં નથી. મોટેભાગે પથારીમાં તેઓ આરામ કરતાં હતાં. એક વર્ષ સુધી લિઝાની ફિઝિયોથેરપી ચાલી.
સામાનની હોમ ડિલિવરીમાંથી આઇડિયા
૨૦૧૩માં લિઝાએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કરોડરજ્જુ ભાંગી જવાના સમયગાળા દરમિયાન લિઝા અવારનવાર જ્યારે કોઇ સામાનની હોમ ડિલિવરી મગાવતાં તો ડિલિવરીમાં વિલંબ થવાથી પરેશાન થતાં હતાં. આથી તેમણે પોતાની કંપની શરૂ કરી ત્યારે પોતાની સેવાને તેમણે 'પોઇન્ટ ઓફ સેલ' નામ આપ્યું. કંપનીમાં ૪૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે.
કંપની શરૂ કરવાનું સપનું સાકાર
હું ઓછી ક્ષમતાવાળી કહેવડાવાનું પસંદ કરું છું. આ જ મારી સફળતાનો મંત્ર છે. હું હંમેશાં વિચારતી હતી કે એક દિવસ પોતાની કંપની શરૂ કરીશ. જોકે, આની યોજના બનાવવા માટે મને સમય મળી રહ્યો હતો. પછી ઓચિંતા પથારીમાં પડી રહેવાના સમય દરમિયાન મને પૂરતો સમય મળી ગયો. જ્યારે આઇડિયા આવ્યો તો હું બહુ ખુશ થઇ ગઈ. કંપની શરૂ કરી તો સફળ રહી. હું એવું માનું છું કે, બિઝનેસમાં પણ લૈંગિક સમાનતા હોવી જોઇએ. મારું માનવું છે કે અન્ય મહિલાઓ પણ પોતાની કંપની શરૂ કરે અને પગભર બને. ખાસ કરીને ટેક ફિલ્ડમાં. મહિલાઓએ પોતાના પર ભરોસો કરવો જોઇએ કારણ કે મોટા ભાગના લોકો ઇચ્છતા નથી કે મહિલાઓ લીડરશિપ કરે. મેં જ્યારે કંપની શરૂ કરવાની વાત કરી ત્યારે જે લોકો જેઓ મારી ટીકા કરતા હતા તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે એક મહિલા એક અબજ ડોલરનો આઇપીઓ પણ લાવી શકશે. તેથી જ હું પોતાની જાતને ઓછી ક્ષમતાવાળી કહેવડાવાનું પસંદ કરું છું અને એ મારી સફળતાનો મંત્ર છે.

