બોલિવૂડનો દબંગ અભિનેતા સલમાન ખાન હિટ એન્ડ કેસ બાદ વર્ષ ૧૯૯૮થી ચાલતા ચિંકારાના શિકારના કેસમાં પણ છૂટી ગયો છે. રાજસ્થાનની હાઇ કોર્ટે સલમાનને ૧૮ વર્ષ બાદ આ કેસમાં સજામાંથી ૨૬મી જુલાઈએ મુક્ત કર્યો છે. જોકે રાજસ્થાન સરકારે હાઇ કોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવાની તૈયારી કરી છે. જ્યારે આ કેસની સુનાવણી ચાલી ત્યારે સલમાન વતી તેની બહેન અલવિરાએ હાજરી આપી હતી.
અગાઉ સલમાનને આ કેસમાં નીચલી કોર્ટે દોષી ઠેરવીને પાંચ વર્ષની સજા આપી હતી. જોકે હાઇ કોર્ટે સલમાનની દલીલો માન્ય રાખીને નીચલી કોર્ટના ચુકાદાને અયોગ્ય ઠેરવી સજાથી મુક્તિ આપી હતી. સલમાન ખાન હિટ એન્ડ રન કેસમાં પણ સાત મહિના પહેલા મુક્ત થઇ ગયો છે. આ કેસમાં સલમાન પર આરોપ હતા કે તે ૧૯૯૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ માટે જોધપુર આવ્યો ત્યારે તેણે બે ચિંકારા (કાળા હરણ)નો શિકાર કર્યો હતો. આ કેસમાં સલમાન ઉપરાંત બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબ્બુ અને નીલમ પણ સામેલ હતા. જોકે તેઓને શંકાના આધારે અગાઉ જ મુક્ત કરી દેવાયા હતા.
સલમાન કેમ છૂટી ગયો?ઃ • જે જિપ્સી સલમાન ખાને ઉપયોગમાં લીધી હતી તેના સર્ચ રિપોર્ટ અલગ અલગ આવ્યા • વન વિભાગ અને પોલીસની તપાસમાં પણ રિપોર્ટ અલગ અલગ આવ્યા
• શંકાના આધારે છૂટી ગયેલા ૧૧ આરોપીઓને ફરી આરોપી બનાવવામાં ન આવ્યા • જિપ્સીમાંથી જે છરા મળ્યા હતા તે બંદુકની ગોળીઓથી અલગ હતા • બાકી લોકો છૂટી ગયા જેનો લાભ સલમાનને પણ મળ્યો.

