મહાન વિચારક સોક્રેટિસની વિચારશૈલી આધારિત એથેન્સમાં પૂ. મોરારિબાપુની કથા

Tuesday 26th July 2016 15:44 EDT
 
 

ગ્રીસના પાટનગર એથેન્સમાં પૂ. મોરારિ બાપુની ૮૦૦મી કથા શુક્રવાર ૨૨ જુલાઈથી શરૂ થઈ છે. જેમાં યુ.કે. સહિત દેશવિદેશમાંથી ૯૦૦થી વધુ ધર્મપ્રેમીઓ કથાશ્રવણ કરવા ઉમટ્યા છે. લોર્ડ ડોલર પોપટ અને લેડી સંધ્યાબહેન પોપટના યુવાન સુપુત્ર ચિ. પાવન પોપટના યજમાનપદે યોજાયેલ પૂ. મોરારિ બાપુની કથાના કેન્દ્ર સ્થાને ૨૫૦૦ વર્ષ પહેલાં ગ્રીસની ધરતી પર જન્મેલા મહાન સ્કોલર સોક્રેટિસ છે. ‘માનસ સુકરાત’ (સોક્રેટીસ)ની આ કથામાં મહાન વિચારક, તત્વચિંતક સોક્રેટિસની શૈલીનો મહિમા ગાતા પૂ. મોરારિ બાપુ કહે છે કે સુકરાત વિચાર યાત્રાનો આદમી હતો. આ નવ દિવસની યાત્રા છે. જેમાં શબ્દ યાત્રા, તીર્થ યાત્રા, જીવન યાત્રા અને સૌથી શ્રેષ્ઠ યાત્રા એ વિચાર યાત્રા છે. કથાની શરૂઆત પરંપરા મુજબ શનિવારે બપોરે પોથી યાત્રાથી થઈ હતી.
પૂ. મોરારિ બાપુના સાનિધ્યમાં યજમાન પાવન ડોલરભાઈ પોપટે માથે શ્રી રામાયણની પોથી લીધી હતી. એમાં પોપટ પરિવારના તમામ કુટુંબીજનો સહિત સૌ હરિભક્તો જોડાયા હતા. આ કથામાં યુવાનોની સંખ્યા બહુ મોટી છે. સત્ય માટે ન્યોછાવર થઈ જનાર સોક્રેટિસને પૂ. બાપુએ મહાવીર, મહાન સમ્રાટ, વિચાર વિભૂતિ, બુદ્ધ પુરૂષ જેવા વિશેષણો સાથે એની ગૌરવગાથા વર્ણવી રહ્યા છે. આ નવ દિવસની ‘માનસ વિચાર’ અથવા ‘માનસ સુકરાત’ કથાનો લાભ લેવા લોર્ડ ભીખુ પારેખ, પ્રો. નગીનદાસ સંઘવી, ડો. સુમનભાઈ શાહ, રાજકોટથી સિઝન હોટેલના માલિક વેજાભાઈ રાવલિયા, ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર દેવાંશુ દેસાઈ, જાણીતા પત્રકાર જય વસાવડા, સાંસ્કૃતિક જગતના સુપ્રસિદ્ધ શોભિત દેસાઈ આવ્યા છે.
એથેન્સમાં આટલી મોટી સંખ્યામાં ભારતીયો ઉમટેલા જોઈ ગ્રીક પ્રજાજનો ખુશ થયા છે. એથેન્સના મેયર જ્યોર્જીયો કેમીની, બ્રિટિશ ડે. એમ્બેસેડર અને ભારતના એમ્બેસેડરે પણ શનિવારની કથામાં આવી પૂ. બાપુનો આદર સત્કાર કર્યો હતો અને ગ્રીસની ઈકોનોમીમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી મહેચ્છા પ્રદર્શિત કરી સૌનો આભાર માન્યો હતો. એથેન્સની કથાનો સવિસ્તર અહેવાલ આગામી અંકમાં રજૂ કરીશું.


comments powered by Disqus