રજનીકાંતનો ભવ્ય એક્શન ડ્રામાઃ ‘કબાલી’

Wednesday 27th July 2016 06:49 EDT
 
 

એશિયાઈ વિમાનો પર ફિલ્મના ફોટા લગાવવાથી માંડીને રજનીકાંતના કબાલી લુકના ચાંદીના સિક્કા માર્કેટમાં મૂકવા જેવા પ્રમોશનલ વર્કથી ચર્ચામાં રહેલી અને જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તે ‘કબાલી’ ૨૨મીએ વિશ્વભરનાં થિએટરમાં રિલીઝ થઈ ગઈ છે.
‘કબાલી’ એક્શન થ્રિલર ફિલ્મ છે જેને પા રંજીતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રજનીકાંતની હિરોઇન રાધિકા આપ્ટે છે અને આ બંનેની જોડીએ દર્શકોનું દિલ જીતી લીધું છે. રજનીકાંતે આ ફિલ્મમાં ગરીબોના બેલીનો રોલ નિભાવ્યો છે. બીજી તરફ ફિલ્મમાં મજૂરોની સમસ્યાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.
કબાલી ધ ગેંગસ્ટર
‘કબાલી’ એ એક ગેંગસ્ટરની ફિલ્મ છે. જેમાં રજનીકાંતે એક ડોન (કબાલીસ્વરન ઉર્ફે કબાલી)નો રોલ કર્યો છે. રાધિકા આપ્ટે રજનીકાંતની પત્ની છે અને ફિલ્મમાં તેનું નામ કુમુધવલ્લી છે. ફિલ્મની શરૂઆત કબાલી મલેશિયામાં કેવી રીતે લોકોનો મદદગાર બની જાય છે ત્યાંથી થાય છે. મલેશિયામાં તમિલ શ્રમિકો સાથે ખરાબ વ્યવહાર થતો હોય છે અને તેમને દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે ત્યારે રજનીકાંત શ્રમિકો માટે અવાજ ઉઠાવે છે. ફિલ્મના માધ્યમથી મલેશિયન તમિલોની દુર્દશા પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરાયો છે.
‘કબાલી’ની પહેલા દિવસની કમાણી રૂ. ૨૫૦ કરોડ
સાઉથ ઇન્ડિયાના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કબાલી’એ રિલીઝના પહેલા દિવસે ૨૨મી જુલાઈએ
રૂ. ૨૫૦ કરોડથી વધુ કમાણી કરી હોવાનો નિર્માતાઓએ દાવો કર્યો છે. આ ફિલ્મે તામિલનાડુમાં રૂ. ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે ભારતના બાકીના હિસ્સાઓમાં રૂ. ૧૫૦ કરોડનો વેપાર કર્યો છે. આ ફિલ્મ વિશ્વભરમાં ૮૦૦૦થી ૧૦,૦૦૦ સ્ક્રીન પર રજૂ કરાઈ છે. અમેરિકામાં ૪૮૦, મલેશિયામાં ૪૯૦ અને અખાતી દેશોમાં ૫૦૦થી વધુ સ્ક્રીન સહિત સમગ્ર દુનિયામાં ‘કબાલી’ રિલીઝ થઈ છે. વિદેશમાં આ ફિલ્મે પહેલા જ દિવસે અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની કમાણી કર્યાના અહેવાલ છે. ભારતીય કલાકાર દ્વારા અત્યાર સુધીમાં થયેલું આ સૌથી વધુ કલેકશન છે.


comments powered by Disqus