વિન્ડીઝની ધરતી પર ટીમ ઇંડિયાનો સર્વશ્રેષ્ઠ વિજય

Wednesday 27th July 2016 06:44 EDT
 
 

એન્ટિગુઆઃ વેસ્ટ ઇન્ડિઝમાં ટીમ ઇંડિયા વિક્રમના વિજયપતાકા લહેરાવ્યા છે. મેન ઓફ મેચ અશ્વિનની જાદુઇ બોલિંગની મદદથી ભારતે પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને ૯૨ રનથી હરાવીને એશિયા બહાર સર્વશ્રેષ્ઠ વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારતે ચાર મેચની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ મેળવી છે.
પ્રથમ ઇનિંગમાં સદી નોંધાવનાર અશ્વિને ૮૩ રનમાં સાત વિકેટ ઝડપતા ફોલોઓન થયેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો બીજો દાવ ૨૩૧ રનમાં સમેટાયો હતો. વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ભારતનો ઇનિંગ્સના અંતરથી આ સર્વશ્રેષ્ઠ વિજય છે. અગાઉ ભારતે એશિયા બહાર ઝિમ્બાબ્વે સામે ૨૦૦૫માં બુલાવાયો ખાતે એક ઇનિંગ્સ અને ૯૦ રનથી સર્વશ્રેષ્ઠ વિજય હાંસલ કર્યો હતો.
ભારતે પ્રથમ દાવ આઠ વિકેટે ૫૬૬ રનના જંગી સ્કોરે ડિકલેર કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૩ રનના સ્કોરે ઓલઆઉટ કરી તેને ફોલોઓન કર્યું હતું. યજમાન ટીમના બીજા દાવમાં કાર્લોસ બ્રાથવેઇટ (અણનમ ૫૧) તથા માર્લોન સેમ્યુઅલ્સે (૫૦) અડધી સદી નોંધાવી હતી.

ઘરઆંગણે વિન્ડીઝને હરાવ્યું

વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર ભારતીય ટીમનો આ સર્વશ્રેષ્ઠ વિજય છે અને વિન્ડીઝ સામે તેના ઘરઆંગણે પ્રથમ વખત ઇનિંગ્સથી વિજય હાંસલ કર્યો છે. ભારતીય ટીમે વિન્ડીઝમાં પાંચ ટેસ્ટ જીતી છે.
પહેલાં ભારતે વેસ્ટ ઇન્ડિઝમાં સૌથી મોટા માર્જિનવાળો વિજય ૧૯૭૧માં પોર્ટ ઓફ સ્પેનમાં હાંસલ કર્યો હતો. ત્યારે તેણે વિન્ડીઝને સાત વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે સર્વશ્રેષ્ઠ વિજય મુંબઇમાં નવેમ્બર-૨૦૧૩માં મેળવ્યો હતો. તે સમયે ભારતે એક ઇનિંગ અને ૧૨૬ રને વિજય મેળવ્યો હતો. એન્ટિગુઆમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રીજા ક્રમનો મોટો વિજય હાંસલ કર્યો છે.

અશ્વિનની અનોખી સિદ્ધિ

ઓફ-સ્પિનર અશ્વિન બે વખત એક ટેસ્ટમાં સદી તથા પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. અગાઉ તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે ૨૦૧૧માં મુંબઇ ખાતે આ સિદ્ધિ મેળવી હતી. તેણે મુંબઇ ટેસ્ટમાં ૧૦૩ રન બનાવવા ઉપરાંત નવ વિકેટ પણ ઝડપી હતી. ભારત તરફથી અશ્વિન અગાઉ વિનુ માંકડ તથા પોલી ઉમરીગર એક-એક વખત સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઓલરાઉન્ડ પ્રદર્શન દ્વારા ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર અશ્વિને બીજા દાવમાં ૮૩ રનમાં સાત વિકેટ ઝડપી હતી, જે કોઇ ભારતીય બોલર દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

વિક્રમની વણઝાર સર્જતી વિરાટની બેવડી સદી

એન્ટિગુઆ ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન કોહલીએ બેવડી સદી નોંધાવી વિક્રમોની વણઝાર સર્જી છે. તે વિદેશની ધરતી પર બેવડી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ કેપ્ટન તરીકે વિદેશમાં અઝહરુદ્દીને ઓકલેન્ડમાં ૧૯૨ રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર પણ છે. કોહલીએ અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ૨૦૧૪માં ૧૬૯નો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો હતો.
વિશ્વનો ત્રીજો કેપ્ટનઃ વેસ્ટ ઇન્ડિઝમાં કેપ્ટન તરીકે બેવડી સદી નોંધાવનાર કોહલી ત્રીજો ખેલાડી છે. અગાઉ લેન હટ્ટન તથા સિમ્પસન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
પાંચમો ભારતીય કેપ્ટનઃ ટેસ્ટ મેચમાં ઘરઆંગણે કે વિદેશમાં ભારતીય કેપ્ટન તરીકે બેવડી સદી નોંધાવનાર કોહલી પાંચમો કેપ્ટન બન્યો છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની ૨૨૪ રનના સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે ટોચના ક્રમે છે.
દ્રવિડનો રેકોર્ડ તોડ્યોઃ વિન્ડીઝમાં રાહુલ દ્રવિડે ૨૦૦૬માં નોંધાવેલા ૧૪૬ રનના સર્વશ્રેષ્ઠ સ્કોરના રેકોર્ડને કોહલીએ તોડી નાખ્યો છે. વિન્ડીઝમાં સર્વશ્રેષ્ઠ સ્કોર કરનાર ખેલાડીઓની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ અણનમ ૧૦૦ રન કર્યા હતા.
૧૮ ઇનિંગ્સમાં ૧૦૦૦ રનઃ કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં કોહલીએ ૧૮ ઇનિંગ્સમાં ૧૦૦૦ રનનો આંકડો પાર કર્યો છે. કોઈ પણ ભારતીય કેપ્ટન દ્વારા કરાયેલા બીજા ક્રમે સૌથી ઝડપી ૧૦૦૦ રન છે. ગાવસ્કરે કેપ્ટન તરીકે ૧૪ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ધોનીએ પણ ૧૮ ઇનિંગ્સમાં ૧૦૦૦ રન કર્યા છે.
૧૯ વર્ષ બાદ વિદેશમાં મોટી કેપ્ટન ઇનિંગઃ ભારત માટે ૧૯ વર્ષ બાદ વિદેશની ધરતી પર મોટી કેપ્ટન ઇનિંગ્સનો દુષ્કાળ પૂરો થયો હતો. છેલ્લે ૧૯૯૭માં સચિને સાઉથ આફ્રિકા સામે ૧૬૯ રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ કોઈ પણ ભારતીય કેપ્ટન વિદેશની ધરતી પર ૧૫૦ રનથી વધારે નોંધાવી શક્યો નહોતો.


comments powered by Disqus