‘એફબીઆઈ -૧૬’ અંક ખૂબ પ્રશંસનીય

Tuesday 26th July 2016 15:21 EDT
 

‘એફબીઆઈ -૧૬’ અંક ખૂબ પ્રશંસનીય

તા. ૯-૭-૧૬નું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ મળ્યા. તેની સાથે ‘એફબીઆઈ - ૧૬’ અંક પણ મળ્યો. પહેલા પાને જ નિઃસ્વાર્થ સેવા આપનારા આપણા સી. બી.પટેલનો ફોટો અને તેમનું લખાણ વાંચીને ખરેખર આનંદ થયો. આ અંકમાં ઘણું જાણવાનું - સમજવાનું છે. અંક ભલે ઈંગ્લિશમાં છે પણ વાંચવો જ જોઈએ. તેમાંથી આપણા વડીલોને ઘણું જાણવા મળશે. કારણ કે દરેક પાનામાં અલગ માહિતી છે. ખાસ તો પાન-૨૨ ઉપર ‘ધ ઈનહેરીટન્સ ટેક્સ’ વિશે જે માહિતી આપી છે તે વિગતવાર વાંચવાની જરૂર છે. પાન- ૨૩, ૨૪, ૨૫ ઉપર પણ ખૂબ જ વિસ્તારપૂર્વકના લેખો છે.
‘ગુજરાત સમાચાર’ના પાન-૨-૩ ઉપર અહીંના રાજકીય નેતાઓની ચણભણ વિશે જાણવા મળ્યું. પાન-૪ ઉપર શુભ સમાચાર. તા.૧૫ ઓગષ્ટથી અમદાવાદ-લંડન ફ્લાઈટ શરૂ થાય છે, તે માટે ‘ગુજરાત સમાચાર’ અને સી. બી. પટેલને ખૂબ ખૂબ ધન્યવાદ.
આ વખતનું ‘જીવંત પંથ’ વાંચવાની મજા આવી. દોસ્ત - દોસ્ત ના રહા. વ્યાસપીઠ વિદાયની વસમી વ્યથા અને માર્ગારેટ થેચરની વિગત આપની ઈન્ડિયાની મુલાકાત અને જ્હોન મેજરની વિગત અને તેમની જીવન ઝરમર વાંચીને જાણવા મળ્યું. આપની થેચર સાથેની મુલાકાત અને આપણા લાડીલા શ્રી નરેન્દ્ર મોદીની વિગત વાંચીને આનંદ થયો.

- પ્રભુદાસ પોપટ, હંસલો

•••

કેમરનની વિદાયથી મોટી ખોટ

ગત તા. ૯-૭-૧૬નો ‘ગુજરાત સમાચાર’નો અંક મળ્યો. તેમાં પાન-૧૦ ઉપર ડો. નગીનભાઈ પી. પટેલનું ‘રેફરન્ડમ પછી હવે શું’ વાંચીને મને થયું કે આ વિષય ઉપર તા. ૨૭-૬-૧૬ના ડેવિડ કેમરન પીએમને કાગળ લખેલો તે વાંચશો તો તેનો સંપૂર્ણ જવાબ મળશે. કેમરન જેવા હોંશિયાર અને પ્રામાણિક નેતાને આવી રીતે ગુમાવવા એ દેશ અને જગત બન્ને માટે મોટું નુકસાન છે. કહેવત છે કે જે બીજાની કબર ખોદે છે તે કબર તેની જ બને છે. જીવતો જાગતો દાખલો તમે જોયો છે. ટૂંકમાં સમજશો. ઈશ્વર જે કરે છે તેના ઉપર માનવ વિચારતો નથી. અંતે પરિણામ ખરાબ આવે છે. બધાને ગાદીનો મોહ છે પણ પોતાની આવડત કેટલી છે તે કદી આયનામાં જોતા નથી. કેમરન પીએમ હતા. તેમણે તેમના વચન પ્રમાણે સ્કોટલેન્ડ અને યુકેને ઈયુ રેફરન્ડમ કરાવ્યું અને વગર આનાકાનીએ રાજીનામું પણ આપ્યું. આવા માણસને ગુમાવીને દેશ અને જગતે ઘણું ગુમાવ્યું છે. તેમણે ગાદીનો મોહ નથી રાખ્યો તે તેની સાબિતી છે.

- રજનીકાંત એમ. પટેલ, હેરોગેટ

•••

સૂરસમ્રાટ મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ

ગાયકીના બેતાજ બાદશાહ મોહમ્મદ રફી સાબની ૩૬મી પુણ્યતિથિ ૩૧મી જુલાઈએ છે. તેમના વિશે એક પ્રેરક પ્રસંગ છે જે આજના સમયમાં ખૂબ જ પ્રેરણાદાયી નિવડે તેવો છે. જે જણાવવા માટે મારું મન આજે મોર બની થનગાટ કરે છે.

વાત એમ છે કે રફી સાબ નૌશાદજીની ખૂબ જ નજીક હતા. તેમણે ફિલ્મ ‘બૈજુ બાવરા’માં સંગીત આપેલું અને તે ફિલ્મમાં એક ભક્તિગીત હતું ‘મન તડપત હરિદર્શન કો આજ.’ આ ગીતનો યોગાનુયોગ એ હતો કે તેના સર્જક ગીતકાર શકીલ બદાયુની, સંગીતકાર નૌશાદજી અને ગાયક રફી સાબ, આ ત્રણેય મુસ્લિમ બિરાદર હતા.
નેપાળના એક કટ્ટર હિંદુએ આ ભક્તિગીત સાંભળ્યું. તેમને આ ગીતના રચયિતા, ગાયક અને સંગીતકાર કોણ છે તેની ખબર નહોતી. તેમને મનમાં થયું કે આવું ભક્તિપૂર્ણ ભજન તો ફક્ત હિંદુ જ ગાઈ અને લખી શકે. તેમણે નક્કી કર્યું કે આ ભજનના ગાયકને મળવું છે અને તેઓ નેપાળથી મુંબઈ આવ્યા. જ્યારે તેમણે જાણ્યું કે ભજનના રચયિતા તો ત્રણેય મુસ્લિમ બિરાદરો છે. ત્યારે તે નેપાળી હિંદુ પોતાનું મસ્તક આ ત્રણેય મુસ્લિમ બિરાદરોના પગમાં નમાવીને બોલ્યા હતા કે ધર્મ નિરપેક્ષતાની આનાથી વધારે મિસાલ બીજી કઈ હોઈ શકે? તેમને મળીને પાવન થયાની લાગણીના ભાવ સાથે તેઓ નેપાળ પરત થયા હતા.

- નવનીત ફટાણિયા, હેનવેલ

મા-બાપ પણ ગુરુ સમાન

ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે હિંદુ ધર્મના એક સંપ્રદાયના અનુયાયીનો મારા પર ફોન આવ્યો. તેમણે અમારા કુટુંબમાં સુખ-શાંતિ, સારુ સ્વાસ્થ્ય કાયમ રહે તેવો તેમના સંપ્રદાયના ગુરૂના આશીર્વાદનો સંદેશો પાઠવ્યો. જેનો અમે સહર્ષ સ્વીકાર કર્યો અને આનંદ અનુભવ્યો. તેમણે જણાવ્યું કે આ પવિત્ર દિવસે અમે દાન કરીએ તો તેમનો સંપ્રદાય તેનો ઉપયોગ સમાજ સેવા, ગરીબો માટે તથા બીજા રાહત કાર્યો માટે કરશે અને ગુરૂપૂર્ણિમાનું પૂણ્ય અમને મળશે. મેં જણાવ્યું કે મારા ગુરૂએ તેમના જીવનકાળ દરમિયાન કોઈપણ જાતની ગુરૂ દક્ષિણા અથવા દાનની અપેક્ષા રાખી નથી અને તેમણે અમને જે આપ્યું છે તેની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. તેથી તે ભાઈને અમારા ગુરૂ વિશે જાણવાની થોડી ઉત્સુકતા થઈ.
મેં જણાવ્યું કે અમારા ગુરૂ છે અમારા સ્વર્ગીય મા-બાપ. તેમનું જીવન જ એવો સંદેશ છે, ઉપદેશ છે જેમાંથી અમને ઘણું જાણવાનું તથા તેને અનુસરવાનું મળ્યું છે. તેમના જીવનમાં સંઘર્ષ, મુશ્કેલીઓ, ચઢાવ-ઉતાર, તકલીફો આવી છતાં હસતે મોઢે સહન કરીને તેમણે અમને સારું ભણતર, સંસ્કાર તથા જીવન જીવવાની કળા શીખવાડી છે. તે પણ કોઈપણ જાતનો બદલો અથવા અપેક્ષા વિના અને તેમના આશીર્વાદથી અમારા જીવનમાં પણ ચઢાવ-ઉતાર આવ્યા છતાં અત્યારે આનંદમય જીવન જીવી શકીએ છીએ. આભાર કહી તે અનુયાયીભાઈએ ફોન મૂકી દીધો.

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ, કેનેડા

•••

વધતી ગંદકી સ્વાસ્થ્ય માટે હાનિકારક

અગાઉ મેં સુવિધાઓના થતા દુરુપયોગ વિશે મારી વાત રજૂ કરી હતી. તે આપે પ્રગટ કરી હતી તે બદલ આપનો આભાર. છતાં દુઃખની વાત એ છે કે દિનપ્રતિદિન ગંદકીનું પ્રમાણ વધતું જ જાય છે. દરેક જગ્યાએ ગંદકીના ઢગલા ખડકાતા ઊકરડા બની રહ્યા છે. તેમાં જીવજંતુ પડવા ઉપરાંત દુર્ગંધથી તંદુરસ્તીને પણ નુકસાન થવાની શક્યતા વધી જાય છે. આપણી સંસ્થા-સંગઠનોમાં લગભગ દરેક જગ્યાએ આ જ સ્થિતિ છે. એ લોકો જનસુખાકારીને લક્ષમાં રાખીને સ્થાનિક કાઉન્સિલરો, એમ.પી., મેયર કે કાઉન્સિલરને મળીને રજૂઆત કરે અને અસરકારક પગલાં લેવા વિનંતી કરે. અગર સફાઈ સ્વછતા અભિયાન માટે પિટીશન કરે તો ગંદકીના દૂષણમાં ઘટાડો થવાની આશા રાખી શકાય.
અઠવાડિયામાં બે-ત્રણ વખત કચરો વીણવા વાન સાથે ચાર-પાંચ માણસો આવે, શેરીઓ વાળવા માણસો આવે એ બધા ખર્ચ કરતાં અડધા ખર્ચમાં ફક્ત ગંદકી કરનાર કે ખુલ્લેઆમ પાર્કમાં બેસીને દારૂ પીનારાને પકડીને દંડ કરવામાં આવે તો તેની અસર ચોક્કસ થાય. તેમ કરવા માટે સત્તાવાળાઓની ઊંઘ ઊડે તે આવશ્યક છે.

- વલ્લભભાઈ એચ. પટેલ, વેમ્બલી

•••

લંડનમાં કથાનો ઉત્સવ

લંડનમાં સમર શરૂ થઈ ગયો છે અને કથાકારની વણઝાર શરૂ થઈ. હું કોઈની ટીકા કરવા નથી માગતી. મારો તે અધિકાર પણ નથી, પણ અત્યારે ચેતની ચાલવા જેવું છે. સ્ત્રીઓએ તો ખાસ. કથામાં પર્સ પણ ઊપડી જાય છે. ચોરી થાય છે ત્યારે થાય છે કે લોકો કથા સાંભળવા જાય છે કે આવા અવળા ધંધા કરવા? ઘણા કથાકારો સ્ત્રીઓના મેકઅપ, તેના પહેરવેશ વિશે ટીકા કરે છે. જે યોગ્ય નથી. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પોતાની રીતે જીવવા. કથાકારોએ પોતાની મર્યાદામાં વાત કરવી જોઈએ. હા એક કથાકાર પોતે બધાથી અલગ છે. તે જણાવવા અગરબત્તી કરવાની મનાઈ કરે છે. કહે છે કે તેનો ધુમાડો સિગારેટ કરતા પણ હાનિકારક છે. મારે જાણવું છે કે વિજ્ઞાન તેનું સમર્થન કરે છે કે નહીં. ઘણીવાર સ્ત્રીઓમાં પોતાના પ્રિય કથાકાર વિશે કોઈ બોલે તો વાત ઝઘડા સુધી પહોંચી જાય છે. પંકજભાઈ ત્રિવેદીને શ્રદ્ધાંજલી આપી. તે વાંચીને ગર્વ અનુભવ્યો, પણ મને પ્રશ્ન થાય છે કે હજુ તેમને મારનારને સજા નથી મળી તે બહુ કહેવાય.

- નયના નકુમ, સાઉથ હેરો


comments powered by Disqus