બેંગ્લૂરુઃ લાંબા અંતરાલ બાદ રંગ-રોમાંચ-રમતના સમન્વયસમાન આઇપીએલ ટી૨૦ ટૂર્નામેન્ટમાં નવા ચેમ્પિયનનો ઉદય થયો છે. રવિવારે રમાયેલી સિઝન-૯ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને આઠ રને હરાવીને ટાઇટલ જીતી લીધું છે. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ત્રીજી વખત રનર-અપ ટાઇટલથી સંતોષ માનવો પડ્યો છે. બેન કટિંગનો ઓલ રાઉન્ડ દેખાવ અને ડેથ ઓવર્સમાં બોલરોનું શાનદાર પ્રદર્શન હૈદરાબાદને વિજય પંથે દોરી ગયા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં ડેવિડ વોર્નરના આક્રમક ૬૯ રન અને બેન કટિંગના ૧૫ બોલમાં ૩૯ રનની મદદથી સાત વિકેટે ૨૦૮ રન કર્યા હતા. જવાબમાં બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૦૦ રન કરી શકી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ પહેલાં ૨૦૦૯ અને ૨૦૧૧માં પણ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ રનર અપથી સંતોષ માનવો પડયો હતો ત્યારે ફરીથી ફાઇનલમાં પહોંચી પરાજય થતાં ત્રીજી વખત રનર અપ બની છે.
૨૦૯ રનના જંગી સ્કોરનો પીછો કરવા ઊતરેલા બેંગલોર ટીમના ઓપનર કોહલી અને ક્રિસ ગેઇલે વિસ્ફોટક શરૂઆત કરતાં પાવર પ્લેમાં વિના વિકેટે ૫૭ રન કર્યા હતા. સમગ્ર સિઝનમાં સાધારણ દેખાવ કરનારા ગેઇલે ફાઇનલ મેચમાં ધમાકેદાર બેટિંગ કરતાં નવ ઓવરમાં ટીમનો સ્કોર ૧૦૦ રને પહોંચાડયો હતો. બેંગલોરનો સ્કોર ૧૦૦ રન થયો ત્યારે ગેલ ૭૪ રને હતો જ્યારે કોહલી ૨૦ રને હતો. ૧૧૪ રનના સ્કોરે ગેલ આઉટ થયા બાદ કોહલીએ હાથ ખોલ્યા હતા અને ૩૨ બોલમાં અર્ધી સદી પૂરી કરી હતી. કોહલી અર્ધી સદી કર્યા બાદ સરણનો શિકાર બનતાં ૫૪ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ૧૪૦ રને બીજી વિકેટ ગુમાવ્યા બાદ બેંગલોરની વિકેટો પડવાની શરૂ થઈ હોય તેમ ૧૬૫ રને પહોંચતાં ડી વિલિયર્સ, લોકેશ રાહુલ અને વોટસન પણ પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. બેંગલોરને છેલ્લી ત્રણ ઓવરમાં જીત માટે ૩૭ રનની જરૂર હતી. જોકે તેનું સ્કોર બોર્ડ ૨૦૦ રન પર જ અટકી ગયું હતું.
અગાઉ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને શિખર ધવને ધમાકેદાર શરૂઆત કરતાં પ્રથમ છ ઓવરમાં ૫૯ રન કરી લીધા હતા. પાવર પ્લે પૂર્ણ થયા બાદ કોહલીએ બોલિંગમાં બદલાવ કરતાં ચહલને આપી હતી જેણે ભાગીદારી તોડતાં ધવનને પેવેલિયન મોકલ્યો હતો. ધવને ૨૮ રન કર્યા હતા. વોર્નરને સાથ આપવા માટે હેનરિક્સ આવ્યો હતો પરંતુ તે ચાર રન બનાવી આઉટ થયો હતો. જોકે, તેણે વોર્નરને સ્ટ્રાઇક આપી હતી જેને કારણે વોર્નરે આક્રમક બેટિંગ કરતાં પોતાની અર્ધી સદી પૂરી કરવાની સાથે ટીમનો સ્કોર ૯૭ રને પહોંચાડયો હતો.
મેચનો ટર્નિંગ પોઇન્ટ
ક્રિસ ગેઇલ અને કોહલીએ શતકીય ભાગીદારી નોંધાવી બેંગલોરની સંગીન શરૂઆત કરાવી હતી. ગેઇલ આઉટ થયા બાદ પણ બેંગલોર જીત માટે ફેવરિટ ગણાઈ રહી હતી. જોકે ૧૪૦ રનના કુલ સ્કોરે કોહલી આઉટ થયા બાદ બેંગલોરે ૧૬૪ રને પહોંચતાં ડી વિલિયર્સ, લોકેશ રાહુલ અને વોટસનની વિકેટ ગુમાવી હતી. આ પછી મુસ્તફિઝુર અને ભુવનેશ્વરની વેધક બોલિંગ સામે ૨૦૯ રન બનાવી શક્યા નહોતા.
કોહલી બે રનથી રેકોર્ડ ચૂક્યો
આઈપીએલ-૯માં છવાઇ ગયેલા વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલીએ ચાર સદી અને સાત અર્ધી સદીની મદદથી ૯૭૩ રન બનાવ્યા હતા. કોહલીએ ફાઇનલ પહેલાં ૯૧૯ રન કર્યા હતા અને ડોન બ્રેડમેનના ૯૭૪ રનના રેકોર્ડને તોડવા માટે ૫૬ રનની જરૂર હતી. કોહલીએ આ મેચમાં પણ ધમાકેદાર બેટિંગ કરતાં અર્ધી સદી પૂરી કરી હતી અને તે ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડવા આગળ તરફ વધી રહ્યો હતો. જોકે કોહલી ૫૪ રને હતો ત્યારે બરિંદર સરણે આઉટ કરતાં બ્રેડમેનના રેકોર્ડને તોડવાનું ચૂક્યો હતો. ડોન બ્રેડમેને ૧૯૩૦માં એશિઝ સિરીઝની પાંચ ટેસ્ટ મેચમાં ૯૭૪ બનાવ્યા હતા, જે એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.
ક્રિસ ગેઇલના ૯ હજાર રન
બેંગલોરના ઓપનર ક્રિસ ગેઇલે હૈદરાબાદ સામેની મેચમાં ૧૧ રન બનાવવાની સાથે ટી૨૦ ક્રિકેટમાં ૯ હજાર રન પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર ક્રિસ ગેઇલ વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. બીજા નંબરે બ્રેડ હોગ છે જેણે ૬,૯૯૮ રન બનાવ્યા છે, જ્યારે ૬,૭૯૯ રન સાથે ડેવિડ વોર્નર ત્રીજા નંબરે છે.
આઈપીએલ એવોર્ડ
• ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર: મુસ્તફિઝુર રહેમાન • ૧૭ બોલમાં ૫૦ રન કરનાર ક્રિસ મોરિસને સૌથી ઝડપી હાફ સેન્ચ્યુઅરી માટે એવોર્ડ અપાયો • સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ વિરાટ કોહલીને અપાયો. કોહલીએ ૩૮ સિક્સર ફટકારી છે • શ્રેષ્ઠ ફિલ્ડરનો એવોર્ડ માટેનો રેકોર્ડ એબી ડી વિલિયર્સને અપાયો • ગ્લેમ શોટ ઓફ ધ સિઝનનો રેકોર્ડ ડેનિડ વોર્નરને મળ્યો • કેચ ઓફ ધ સિઝનનો એવોર્ડ સુરેશ રૈનાને અપાયો હતો • સૌથી વધુ ૯૩૭ રન કરનાર વિરાટ કોહલીને ઓરેન્જ કેપ એવોર્ડ અપાયો • સૌથી વધુ ૨૪ વિકેટ ઝડપનાર ભુવનેશ્વર કુમારને પર્પલ કેપનો એવોર્ડ મળ્યો • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ વિરાટ કોહલીને અપાયો.

