ચંદનચોરની ચર્ચાસ્પદ ફિલ્મઃ વીરપ્પન

ખુશાલી દવે Wednesday 01st June 2016 06:33 EDT
 
 

ફિલ્મ ‘વીરપ્પન’ની મેકિંગ અને રિલીઝ પરથીય રામુ ફિલ્મ બનાવે તો નવાઈ નહીં! બોલિવૂડમાં ફિલ્મોની ફેક્ટરીના માલિક ગણાતા ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ ઘણા વખતે કોઈ (સારી) ફિલ્મ બનાવી છે. જોકે તેમની પાછલી ઘણી ફિલ્મોની જેમ જ આ ફિલ્મ ‘વીરપ્પન’ પણ ચર્ચાના ચકડોળમાં ચકરાવા ખાઈને પછી અંતે સિનેમાગૃહોમાં પડી છે. આ ફિલ્મના કેટલાક દૃશ્યોને લઈને ચંદનચોર વીરપ્પનના પરિવારને વાંધો હતો તેથી કાનૂની પરવાનગી પછી ફિલ્મ મોડી રિલીઝ કરાઈ છે.

ચોરના ઘરમાં સિનાજોરી

‘વીરપ્પન’ને રિલીઝ કરવા ઉપર ૨૮મી નવેમ્બરે કોર્ટે પ્રતિબંધ લાદી દીધો હતો. કુખ્યાત ચંદનચોર વીરપ્પનની પત્ની મુત્તુલક્ષ્મીએ ફિલ્મ રિલીઝના ચંદ દિવસો પહેલાં નવેમ્બર, ૨૦૧૫માં ફિલ્મ સામે કાનૂની નોટિસ ફટકારી હતી કે, ફિલ્મમેકર વીરપ્પનના એન્કાઉન્ટર પછી વર્ષ ૨૦૦૪માં ફિલ્મ બનાવશે એવો કરાર થયો હતો અને ફિલ્મ છેક હવે બની છે. વળી, કરાર અનુસાર આ ફિલ્મ માત્ર હિન્દીમાં બનવાની હતી, પરંતુ ફિલ્મસર્જકે સિનાજોરીથી હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં પણ ફિલ્મ બનાવી નાંખી છે. વીરપ્પનની પત્નીની દલીલોના કારણે ફિલ્મમેકર કાનૂની આફતમાં આવી પડ્યા હતા અને જેમ જેમ કોર્ટની કાર્યવાહીઓ પૂરી થઈને અનેક મુદ્દે સમાધાન થતા ગયા તેમ તેમ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર થતા ગયા.

ખટકાં ખાઈને રિલીઝ થઈ ‘વીરપ્પન’

વીરપ્પનની પત્નીની ત્યારે એવી પણ દલીલ હતી કે, સ્થાનિક ભાષા કન્નડ અને તમિલમાં ફિલ્મ બનવાથી તેના બાળકો ઉપર તેની વિપરીત અસર પડી શકે છે. તેથી પહેલાં તે ફિલ્મ જોઈને નક્કી કરવા ઇચ્છે છે કે સ્થાનિક સિનેમાગૃહોમાં રિલીઝ કરવી કે નહીં. મુત્તુલક્ષ્મીની વાતને માન્ય રાખતાં કોર્ટે ફિલ્મની રિલીઝ અટકાવી દીધી હતી અને મુત્તુલક્ષ્મીને ફિલ્મ વહેલી તકે જોવા માટે તાકીદ કરી હતી. રામગોપાલ વર્મા પહેલાં તો ફિલ્મ ૪થી ડિસેમ્બરે રિલીઝ કરવા માગતા હતા, પણ ફિલ્મ ભલે છેક હવે રિલીઝ થઈ પણ તેને જોયા પછી થાય છે કે કૂછ ચીઝોં કો ઝંગ નહીં લગતી.

ચંદનચોર હીરો બન ગયા

કુખ્યાત ચંદનચોર વીરપ્પનને ફિલ્મમાં રામ ગોપાલ વર્માએ બખૂબી હીરો તરીકે દર્શકો સામે રજૂ કર્યો છે. ફિલ્મની શરૂઆતમાં જ રામુએ ખતરનાક દાણચોરને ‘મોસ્ટ ડેન્જરસ મેન હુ નેવર કિલ્ડ’નો ખિતાબ આપી દીધો છે અને તે પછી દરેક દૃશ્યમાં ખતરનાક ચોરની સાહસિકતાથી દર્શકોને આંજી દેતા હોય એમ બેકગ્રાઉન્ડમાં લાઉડ મ્યુઝિક સાથે ‘વીર વીર વીરપ્પન’ ગીત મૂકે છે જે રિયલમાં વિલન અને ફિલ્મમાં હીરો તરીકે દર્શાવેલા વીરપ્પનની ઇમેજને પડદા પર વધારે મજબૂત બનાવી નાંખે છે.

મોહી લેતું જંગલ અને જંગલીપણું

રામુની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મ મુદ્દાસર રીતે જ આગળ વધે છે. તામિલનાડુ અને કર્ણાટકના ગાઢ જંગલોમાં ચંદનચોરી કરીને વીસ વર્ષથી કહેર વર્તાવનારો વીરપ્પન વર્ષ ૨૦૦૪માં માર્યો ગયો. તે દરેક ઘટનાને ફિલ્મમાં પૂરતો ન્યાય અપાયો છે.

ક્રાઇમવર્લ્ડ અને હરિયાળા પ્રદેશોના મિક્સચરવાળી ફિલ્મોની પ્રોડક્શન વેલ્યુમાં ક્યારેય રામુ ઊણા ઉતર્યા નથી. ભૂતકાળમાં ‘દિલ સે’થી માંડીને ‘દૌડ’, ‘જંગલ’, ‘નિઃશબ્દ’, ‘દાર્જલિંગ’ અને ‘રક્તચરિત્ર’ આ દરેક ફિલ્મોએ ટિકિટબારી પર ગમે તેવો દેખાવ કર્યો હોય, પણ ફિલ્મોની પ્રોડક્શન વેલ્યુ વખણાઈ છે. વનરાજી અને વનરાજીમાં ઉદભવતી ગુનાખોરીના દૃશ્યો સર્જવામાં રામુ પહેલેથી માહેર છે તે કાબેલિયત ‘વીરપ્પન’માં પણ દેખાઈ આવી છે.

‘વીરપ્પન’માં દર્શાવેલા ગાઢ જંગલ જોઈને દર્શકોને એક વખત તો થાય જ કે ભલે માણસ જંગલી બનીને જંગલમાં ગુનાખોરીનું રાજ ચલાવતો હોય તોય ભયની વચ્ચેય આવી જગ્યાએ એક વખત પ્રવાસ કરી આવવા જેવો ખરો.

સંદીપ ભારદ્વાજનો ભાર પડ્યો

સંદીપ ભારદ્વાજના રૂપમાં વર્માને એક સારો અભિનેતા મળ્યો છે જે ઘણી હદ સુધી વીરપ્પનને મળતો આવે છે. ફિલ્મમાં વીરપ્પનને પકડવાની જવાબદારી જેને સોંપાઈ છે તે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના લીડર તરીકે સચિન જોશીની એક્ટિંગ પણ વખાણવા જેવી છે. પોલીસ વીરપ્પન ગેંગને પકડવા પહાડી ધોધમાં પીછો કરે છે તે સહિતના કેટલાક દૃશ્યોનું ફિલ્માંકન શ્રેષ્ઠ કક્ષાનું છે. વર્માએ જ બનાવેલી કન્નડ ફિલ્મ ‘કિલિંગ વીરપ્પન’ની હિન્દી રિમેકમાં રામ ગોપાલે ઝાઝા ફેરફાર કર્યાં નથી.


comments powered by Disqus