કેલિફોર્નિયા: મહિલાઓ અને ડિપ્રેશન અંગે અત્યાર સુધી એવો મત હતો કે મહિલાઓને તેમની માતા તરફથી ડિપ્રેશન મળે છે. તાજેતરમાં સંશોધકોએ જણાવ્યું કે, માત્ર ડિપ્રેશન કે અન્ય કોઈ માનસિક રોગ જ નહીં પણ લાગણીશીલતા તેમને તેમની માતા તરફથી જ મળે છે. સંશોધકો માને છે કે, મગજમાં રહેલું ચેતાતંતુઓનું વાયરિંગ, જોડાણ કે જેને કોર્ટિકોલિમ્બિક સિસ્ટમ કહેવાય છે તે લાગણીશીલતાને વારસાગત રીતે પહોંચાડતા હોય છે. આ સિસ્ટમ મહિલાઓમાં ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓને માતામાંથી સંતાનમાં પહોંચાડે છે. સાનફ્રાન્સિસ્કોની કેલિફોર્નિયા યુનિવર્સિટીએ ૩૫ પરિવારો પર આ અંગે અભ્યાસ કર્યો હતો. તેમાં માતા તરફથી સંતાનને મળતા જનીન તથા પિતા તરફથી સંતાનને મળતાં જનીનોનો પણ અભ્યાસ કરાયો હતો. મુખ્ય સંશોધક ફ્યુમિકો હેઈફ્ટ જણાવે છે કે, જોકે એવું સંપૂર્ણપણે માનવાનું કારણ નથી કે પુત્રીના ડિપ્રેશન કે લાગણીશીલતા પાછળ સંપૂર્ણપણે માતાની ગ્રંથિઓ જ જવાબદાર હોય. સંતાનને પિતા તરફથી પણ અમુક જનીન પહોંચતા હોય છે. જોકે મહદઅંશે લાગણીશીલતા માતામાંથી જ સંતાનને પહોંચે છે.

