‘ઇસરો’નો અંતરીક્ષમાં હનુમાનકૂદકો

Tuesday 31st May 2016 14:58 EDT
 

ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ સ્પેસ શટલનું સફળ પરીક્ષણ કરી અંતરીક્ષમાં હરણફાળ ભરી છે. ભારતીય વિજ્ઞાનીઓની પાંચ વર્ષની મહેનતનું આ પરિણામ છે. પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલા ૬.૫ મીટર લાંબા અને ૧૭૫૦ કિલો વજનના રિયુઝેબલ લોન્ચ વ્હીકલ-ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટર (આરએલવી-ટીડી)એ શ્રીહરિકોટાથી ટેઇકઓફ કર્યું હતું અને આકાશમાં ૬૫ કિલોમીટરની ઊંચાઇએ જઇ ૪૫૦ કિલોમીટરના અંતરે બંગાળની ખાડીમાં સફળ લેન્ડીંગ કર્યું હતું. આ મોડેલ આરએલવીના અસલ કદ કરતાં છઠ્ઠા ભાગનું હતું. ખરેખર ઉપયોગમાં લેવાનારું આરએલવી ૪૦ મીટર લાંબુ હશે અને તેને લેન્ડીંગ માટે પાંચ કિમીના રનવેની આવશ્યક્તા રહેશે. અત્યારે જે ઝડપે કામ ચાલી રહ્યું છે તે જોતાં આગામી ૨૦૩૦ સુધીમાં સ્પેશ શટલ તૈયાર થઈ જવાની આશા છે.
એકથી વધુ વખત ઉપયોગમાં લઇ શકાય તેવા આ લોન્ચ વ્હીકલનો મોટો લાભ એ છે કે તેનાથી અવકાશમાં ઉપકરણો પહોંચાડવાનાં ખર્ચમાં જબરદસ્ત ઘટાડો થશે. અત્યારે એક કિલોગ્રામ સામાન અવકાશમાં પહોંચાડવા માટે ૨૦ હજાર ડોલરનો તોતિંગ ખર્ચ થાય છે, જે આરએલવીના ઉપયોગથી ઘટીને પ્રતિ કિલો બે હજાર ડોલર  થઈ જશે.
અમેરિકા, રશિયા, જાપાન અને ફ્રાન્સ જેવા વિકસિત દેશોને સ્પેસ શટલ પ્રોજેક્ટ સાકાર કરવા ગંજાવર ખર્ચ કરવો પડ્યો છે. તેની સામે ભારતીય વિજ્ઞાનીઓ છેલ્લા ત્રણ દસકામાં વિકસેલી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બહુ ઓછા ખર્ચે પ્રોજેક્ટ સાકાર કરવા આશાવાદી છે. નોંધનીય છે કે અમેરિકાની સ્પેસ એજન્સી ‘નાસા’એ ૧૯૮૨થી ૨૦૧૧ના અરસામાં સ્પેસ શટલની ૧૩૫ ફ્લાઇટ ઓપરેટ કરી હતી, જેમાં દર વખતે ૪૫૦ મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. આ ઉપરાંત બે વખત તો ‘નાસા’ના શટલ દુર્ઘટનાગ્રસ્ત થયા હતા અને બન્ને વખતે તેમાં પ્રવાસ કરતા અવકાશયાત્રીઓ માર્યા ગયા હતા. જ્યારે ભારતીય બનાવટના આરએલવીની વિશેષતા એ છે કે તે માનવરહિત ઉડાન ભરશે. આથી અકસ્માતનાં સંજોગોમાં પણ જાનહાનિનું કોઈ જોખમ રહેશે નહીં. આ જ સ્પેસ શટલ જરૂર પડ્યે માનવસહિત ઉડાન ભરશે.
આ સફળ પરીક્ષણ સાથે જ ભારત સ્પેસ શટલ ક્લબમાં સ્થાન મેળવનાર પાંચમો દેશ બન્યો છે. આ પ્રકારના રિયુઝેબલ સ્પેસ શટલ બનાવવાની સજ્જતા માત્ર અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને જાપાન ધરાવે છે. એક અહેવાલને સાચો માનવામાં આવે તો ‘ઇસરો’ પર ખર્ચ ઘટાડવા માટે દબાણ થઇ રહ્યું છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે સત્તાધીશોએ પ્રોજેક્ટ ખર્ચને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરવાના બદલે આવા પ્રોજેક્ટોને ઝડપથી સાકાર કરવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ. નાણાં કરતાં સમય વધુ કિમતી હોય છે - એ ન ભૂલવું જોઇએ.


comments powered by Disqus