આંદોલનના નામે માલ-મિલકતને નુકસાન કેટલું ઉચિત?

Tuesday 01st March 2016 13:14 EST
 

લોકતંત્રમાં સરકારની નીતિરીતિ સામે અસંમતિ કે વિરોધનો સૂર વ્યક્ત કરવાનો સહુને અધિકાર છે, પણ આ વિરોધના નામે દેશની જાહેર-ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવાનો કોઇને અધિકાર નથી. બહુમતી ભારતીયોની આ માન્યતા સાથે ભારતની સર્વોચ્ચ અદાલતે પણ સંમતિ દર્શાવી છે. આંદોલનના નામે દેશની જાહેર અને ખાનગી મિલકતોને પહોંચાડવામાં આવતા નુકસાનની સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે આંદોલનના નામે ભાંગફોડ કરનારાઓની સામે કડક કાર્યવાહી થવી જોઇએ એટલું જ નહીં, તેમની પાસેથી મિલકતોને થયેલા નુકસાનની રકમ વસૂલ કરવી જોઇએ. જાહેર સંપત્તિને નુકસાન કરનારાઓ સામે કાર્યવાહી કરવા તે ટૂંકમાં જ દિશા-નિર્દેશ બહાર પાડશે એવી કોર્ટની ટીપ્પણી દર્શાવે છે કે તે આ મુદ્દે કેટલી ગંભીર છે. જે કામ અત્યાર સુધીની કોઇ સરકાર કરી શકી નથી તે કામ હવે સુપ્રીમ કોર્ટના આદેશથી શક્ય બનશે તેવું લાગે છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ લાગણી વ્યક્ત કરી હતી. ગયા વર્ષે પાટીદાર અનામત આંદોલનને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. તાજેતરમાં હરિયાણામાં થયેલા જાટ આંદોલન દરમિયાન ૩૪ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. અનામતની માગણી કરી રહેલા જાટોએ હરિયાણામાં માત્ર સરકારી જ નહીં, પણ ખાનગી સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચાડયું છે. દેશમાં છેલ્લા થોડા સમયમાં અવારનવાર એવું બનતું રહ્યું છે કે લોકો પોતાની માગણી સાથે રસ્તા પર ઉતરી પડે છે અને જાહેર સંપત્તિને નિશાન બનાવે છે. આવું કર્યા પછી સરકાર તેઓની સાથે મંત્રણા કરે છે અને મોટા ભાગના કિસ્સાઓમાં આંદોલનકર્તાઓની માગણીઓ સ્વીકારી લેવાતી હોય છે. આમ ભાંગફોડને એક પ્રકારની સ્વીકૃતિ મળી ગઇ છે અને લોકો પણ એવું માનવા લાગ્યા છે કે આવું બધું કર્યા વિના સરકાર તેઓની વાત સાંભળવાની જ નથી. આમ સમયાંતરે થતા રહેતા આંદોલનને કારણે વિકાસ પ્રક્રિયાને મોટો ફટકો લાગ્યો છે અને વિદેશમાં ભારતની છાપ એક અશાંત અને ઉપદ્રવગ્રસ્ત દેશ તરીકે ઉપસી રહી છે. સરવાળે કેટલાય રોકાણકારો ભારતમાં આવવાનું ટાળી રહ્યા છે.
સરકારની કોઇ નીતિરીતિ સામે વાંધોવિરોધ હોય તો સંબંધિત સ્તરે રજૂઆત, ધરણાં, વિરોધ પ્રદર્શન, આંદોલન કંઇ પણ અયોગ્ય નથી, પણ પોતાનું ધાર્યું કરાવવા માટે જાહેર મિલકતોની તોડફોડ કરવી, આગ ચાંપવી કે અન્ય કોઇ પ્રકારે નુકસાન કરવું એ તો સર્વથા અનુચિત જ છે. સરવાળે તો આ નુકસાનીનું સમારકામ પ્રજાએ ચૂકવેલા વેરા પેટે ચૂકવેલા નાણામાંથી જ થવાનું હોય છે.


comments powered by Disqus