કાર્ડિફઃ વેલ્શની રાજધાની કાર્ડિફમાં પ્રથમ શીખ ટેમ્પલના સૌથી લોકપ્રિય સ્થાપક કુલદીપ સિંહ પાલનું ૭૩ વર્ષની વયે ૧૪ ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેઓ પાતાની પાછળ પત્ની સીતા કૌર, સાત સંતાનો, ૨૭ ગ્રાન્ડચિલ્ડ્રન સહિત બહોળો પરિવાર છોડી ગયા છે. કાર્ડિફના ૪૦૦થી વધુ શીખો સહિતના સમુદાયે શનિવાર, ૨૦ ફેબ્રુઆરીએ કાર્નિવલ જેવા વાતાવરણમાં વાજતેગાજતે તેમને ચિરવિદાય આપી હતી. તેમણે યુકેમાં સૌપ્રથમ ભારતીય લોકનૃત્ય ગ્રૂપની પણ સ્થાપના કરી હતી.
કુલદીપ સિંહ પાલ અને સીતા કૌર ૫૦થી વધુ વર્ષ અગાઉ કાર્ડિફમાં આવી વસ્યા હતા. તેમણે કાર્ડફ બસમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી હતી. તેમના એક પુત્ર રાજિન્દરસિંહે કહ્યું હતું કે,‘તેઓ ડાન્સર, ગાયક અને ઓલરાઉન્ડ એન્ટરટેઈનર હતા.’ કાર્ડિફમાં શીખ ગ્રૂપના અન્ય શીખો સાથે મળી નીનીઅન પાર્ક રોડ ખાતે શહેરના પ્રથમ શીખ ટેમ્પલના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ માટે નાણા એકત્ર કરવા તેમણે વિવિધ કાર્યક્રમો અને ચેરિટી ઈવેન્ટ્સ યોજ્યા હતા. આના ૨૫ વર્ષ પછી તેમણે આ જ સ્ટ્રીટમાં નવું વિશાળ ટેમ્પલ ખરીદ્યું હતું.
ગુરુવારે આ સ્થળે શોકસભાના બદલે તેમના જીવનની ઉજવણીનો ત્રણ દિવસ-રાતનો સમારંભ યોજાયો હતો, જેમાં સતત પ્રાર્થના અને ભોજનનું આયોજન કરાયું હતું. શનિવારે પરંપરાગત સંગીત, નૃત્યના માહોલમાં ચાર ઘોડાની બગી, ૧૦ વાહન અને ચાર કોચ સાથેનો કાફલો ઘરથી મંદિર લઈ જવાયો હતો. ઘરની બહાર કબૂતરો અને બલૂન્સ ઉડાડવામાં આવ્યાં હતાં.