બજેટ ૨૦૧૬ઃ લોકરંજક નહીં, પણ લક્ષ્યાંક લાંબા ગાળાના

Tuesday 01st March 2016 13:13 EST
 

૧.૨૫ બિલિયનની વસ્તી ધરાવતા દેશમાં લોકોની આશાઓ-અપેક્ષાઓના દબાણનો અનુભવ કરવો હોય તો તમારી જાતને દુનિયાના સૌથી મોટા લોકતંત્રના નાણા પ્રધાનના સ્થાને મૂકી જૂઓ. વાસ્તવિક્તાનું ભાન થઇ જશે. દરેક વર્ગને રાજી રાખવાનું વિશ્વના કોઇ પણ દેશના નાણા પ્રધાન માટે શક્ય નથી. કદાચ આ જ કારણ છે કે મોદી સરકારના નાણા પ્રધાન અરુણ જેટલીએ આમ આદમીથી માંડીને અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગસમૂહોની આશા-અપેક્ષાઓના તીવ્ર દબાણ છતાં લોકરંજક નિર્ણયોના બદલે લાંબા ગાળે અર્થતંત્રનો પાયો મજબૂત બનાવે તેવા પગલાંઓ સાથેનું બજેટ રજૂ કર્યું છે. ભારત સરકારના વર્ષ ૨૦૧૬ના બજેટને એક જ વાક્યમાં રજૂ કરવું હોય તો કહી શકાય - ગ્રામીણ, કૃષિ અને સોશ્યલ સેક્ટર કેન્દ્રીત બજેટ.
આ બજેટને સમાજના દરેક વર્ગને ખુશ કરે તેવું છે એવું તો કહી શકાય તેમ નથી, પરંતુ આ વખતે નાણા પ્રધાન આ ત્રણ સેક્ટર માટે ઘણી બધી ભેટ લઇને આવ્યા છે. પરંપરાગત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી જોગવાઇથી માંડીને આ બજેટમાં કંઇકેટલીય નવી અને દૂરદર્શી યોજનાઓનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે ૪૬ ટકા પ્રદેશમાં જ સિંચાઇ સુવિધા ઉપલબ્ધ છે. આથી ચોમાસુ નબળું હોય છે ત્યારે કિસાનોના વિશાળ વર્ગને ભારે નુકસાન ઉઠાવવું પડે છે. જગતના તાતની અવદશાને દૂર કરવા માટે બજેટમાં ત્રણ મહત્ત્વના પગલાં લેવાયા છે. એક તો, રૂ. ૨૦,૦૦૦ કરોડનું સિંચાઇ ફંડ રચાયું છે, જેનું સંચાલન ‘નાબાર્ડ’ કરશે. બીજું, ભૂગર્ભ જળસ્રોતના વધુ સારા વ્યવસ્થાપન અને રિચાર્જિંગ માટે વિશેષ આર્થિક ફાળવણી કરાઇ છે. અને ત્રીજું છે કિસાન ઋણ. કિસાનોને આર્થિક સહાય મળી રહે તે માટે આશરે રૂ. ૯ લાખ કરોડનું ભંડોળ ફાળવાયું છે એટલું જ નહીં, નાણા જરૂરતમંદોને સમયસર મળી રહે તે માટે પણ બજેટમાં પગલાં સૂચવાયા છે.
વરની ફોઇ હંમેશા વરને જ વખાણે તેમ સત્તા પક્ષ બજેટના વખાણ કરતાં થાકતો નથી તો વિરોધ પક્ષ વિરોધ કરવાની જવાબદારી ચૂકવા માગતો નથી. બજેટે આમ આદમીને થોડોક ખુશ કર્યો છે, પણ કેટલીય બાબતોમાં નિરાશ કર્યો છે. મધ્યમ વર્ગની આવકવેરાની મુક્તિમર્યાદા વધવાની અપેક્ષા અધૂરી જ રહી ગઇ તો સર્વિસ ટેક્સમાં વધારાનો પરોક્ષ બોજ સરવાળે તો મોંઘવારી જ વધારવાનો છે. ચોપડે ન નોંધાયેલું કાળું નાણું બહાર લાવવા માટે અત્યાર સુધી સરકાર હાકલા-પડકારા કરતી રહી છે, પણ હવે આ બ્લેક મની બહાર લાવવા માટે સરકારે ૪૫ ટકા કર અને દંડ સાથેની નવી યોજના જાહેર કરી છે. આ નવી યોજના કેટલી અસરકારક સાબિત થાય છે એ તો સમય જ કહેશે. મોદીએ બજેટના આગલા દિવસે જ તેમના બહુ જાણીતા ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં કહ્યું હતું કે બજેટ દ્વારા ૧૨૫ કરોડ ભારતીયો મારી પરીક્ષા કરશે. બજેટની આ પરીક્ષામાં મોદી સરકાર પાસ થઇ કે નહીં, આનો ફેંસલો તો જનતા યોગ્ય સમયે કરશે જ, પરંતુ લાંબા અરસા બાદ દેશનું બજેટ કંઇક હટકે જોવા મળી રહ્યું છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. પાક વીમો, સિંચાઇ યોજના, કિસાનોના વિકાસ માટે કૃષિ ઋણ, ગ્રામીણ ક્ષેત્રોમાં રસ્તાનું નેટવર્ક વિસ્તારવું તેમ જ મનરેગા જેવી યોજના પર વિશેષ ભાર મૂકાયો છે. દાળનું વાર્ષિક ઉત્પાદન વધારવાથી માંડીને ૨૦૧૮ સુધીમાં તમામ ગામોમાં વીજળી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય સરકારની ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની યોજનાનો સંકેત આપે છે. આની સાથે જ કાર, તમાકુ, સિગારેટ અને સોના-ચાંદીની જ્વેલરી તેમ જ બ્રાન્ડેડ રેડીમેડ કપડા મોંઘા કરીને સરકારે મહેસૂલી આવક વધારવાનો રસ્તો કાઢ્યો છે. બજેટમાં ૧૦ લાખ રૂપિયાથી વધુનું વાર્ષિક ડિવિડન્ડ મેળવતા ઉદ્યોગપતિઓ પાસેથી ૧૦ ટકા ટેક્સ વસૂલવાની પણ જોગવાઇ છે. તો ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાનું લક્ષ્ય સાકાર કરવા સરકારે સિંચાઇ માટે નાણા ફાળવવાની સાથોસાથ ખેડૂતોને તેની મહેનતનું પૂરું વળતર મળી રહે તે માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇંડિયા તેમની પાસેથી સીધી જ ઓનલાઇન ખરીદી કરે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ આયોજન કર્યું છે. આ બધું જોતાં લાગે છે કે નાણા પ્રધાન અરુણ જેટલીએ આ બજેટમાં રોબિનહુડ બનવાનો પ્રયાસ કર્યો છે. તેમણે અમીરોની તિજોરીમાંથી થોડાક નાણાં કાઢીને નબળા વર્ગને રાહત આપવા પ્રયાસ કર્યો છે. જોકે તેમણે અમીરોની તિજોરીમાંથી એટલા નાણા પણ નથી કાઢ્યા કે જેથી તેઓ નારાજ થઇ જાય અને ગરીબોને એટલા નાણા પણ નથી આપ્યા કે તેઓ સરકાર પર ફિદા થઇ જાય.


comments powered by Disqus