ભોમિયા વિના ભમ્યાં કોતર ને કંદરા...!

કોઇ લૌટા દો મેરે બચપન કે દિન

- કોકિલા પટેલ Friday 04th March 2016 06:39 EST
 
 

શનિવારે સવારે રેડિયો પર જગજીતસિંઘની ગઝલ "યે દૌલત ભી લે લો, યે શૌહરત ભી લે લો, ભલે છીન લો મિજસે મેરી જવાની, મગર મુજકો લૌટા દો, બચપન કા સાવન, વો કાગજ કી કશ્તી વો બારિશ કા પાની".. આ પંક્તિઓ સાંભળી ૪૦ વર્ષ પાછળનો વિતેલો ભુતકાળ તાજો થયો. વતનનો વરસાદ કેવો મદમસ્ત ને આહલાદક!!! ધોધમાર વરસાદની હેલી વચ્ચે કુદતું, નાચતું નિર્દોષ, નિશ્ચિંત બાળપણ...!! વર્ષારાણીને વધાવતી ચારેકોર લીલીછમ વનરાજી ને ઘટાદાર વૃક્ષો ને સફેદ-પીળા ફૂલોથી શોભતી વેલીઓ... વાહ.. ભાઇ..!! આજે એ મલ્હારી-મદમસ્ત ઋતુ માણ્યાને અડધી સદી વિત્યા પછી એની સુંદરતા ને સૌંદર્યતાની અનુભૂતિ આજે યાદો દ્વારા કરી શકાય છે. કદીક ઝરમર ઝરમર તો કદીક મૂશળધાર વરસાદની હેલી વચ્ચે અમે રમતિયાળ ગ્રામ્યજીવન માણ્યું છે, વરસતા વરસાદમાં ભીંજાતાં ભીંજાતાં સાયકલના પૈંડાના તૂટેલા સળીયા વડે કાદવમાં કોચણીયાની મોજમસ્તીભરી રમત પણ માણી છે. બા જુએ નહિ એમ નોટબુકના ને છાપાના પાના ફાડી હોડીઓ બનાવી વરસાદના વહેણમાં તરતી મૂકી છે. આકાશે કાળા ડિબાંગ વાદળોની મેઘગર્જનાને અમે બાળસહજ રીતે "ડોશીમા ગબડયા" કહેતા.

વર્ષાઋતુમાં વ્રત-તપ સાથે મોજમસ્તી

અષાઢ આવે ને વાર-તહેવાર લાવે એમ અષાઢમાં ગૌરીવ્રત ને જયા પાર્વતી વ્રતનો આરંભ થાય. કુંભાર માટીના કોરાં કોડિયા ઘરે મૂકી જાય એમાં ગાયના છાણનું ખાતર ભરી અમારી બા જવ, તલ ને વાલનું વાવેતર કરી જવારા ઉગાડે. આ ગૌરીવ્રતનો મહિમા પણ કેવો હોય! મારી બહેન ઇન્દુ (જે ૪૦ વર્ષથી કેનેડા વસે છે), પાડોશમા રહે એ ચંદ્રિકા, લીલા, સુધા, સરોજ, પ્રફુલા, જ્યોતિ, ધર્મષ્ઠા, પુષ્પા ને મંજુલા સહિત ૨૦-૨૫ સખીઓનું ટોળું મહેંદી વીણવા જતા. કોતરો ખૂદંતાં અમે ઠેઠ મહીનદીને પેલે પાર ફાજલપુર જતા રહેતાં. પથ્થર પર મેંદી ઝીણી વાટી, ફટકડી નાખી ચૂલા પર ખદખદાવતાં... એ મેંદીનો અસલ રંગ પણ કેવો લાજવાબ હોય!. ૮-૧૦ વર્ષની કુમળી વયે જયાપાર્વતી અને ગૌરીવ્રત કરવા પાછળનો આશય અમને કયાંથી સમજાય? વહેલી સવારે સૂકાયેલા જુવારના સળિયાથી ખેતર ખેડી, ધરતીની કુમકુમ-ચોખાથી પૂજા થતી એની પાછળનું વિજ્ઞાન હજુ સમજાતું નથી! એ પછી બાએ અબીલ,ગુલાલ, સોપારી-પાન, અક્ષત, ફળ-ફૂલ ને દીપ-સુગંધથી પૂજાની થાળીઓ સજાવી હોય એ લઇ શિવાલયમાં જતાં. આ વ્રત પાછળનો મહિમા સમજાવતાં પૂજારી ને મોટેરા સૌ કહેતા કે "વર" સારો મળે!! જે હોય તે પણ એ મોળાકત વ્રતોમાં ઉપવાસ કરી સૂકામેવા-મિઠાઇ ને સેવ-શીરો-પુરી ખાવાની અને શિવજીની પૂજા કરવાનો એક અનેરો આનંદ આવતો.

અષાઢ પૂરો થવા આવે ને મંદિરોમાં ઠાકોરજીના જાતજાતના મનોહારી હિંડોળા સજાવાય. એ પછી ઝરમરઝરમર વરસતો પવિત્ર શ્રાવણ આવે. શ્રાવણનો મહિમા જ કંઇક ઓર. મંદિરોમાં ઢગલાબંધ બિલીપત્રો ઠલવાય, સતત અભિષેકથી દૂધ-પાણીની રેલમછેલ થાય. આ મહિનામાં કુંવારિકાઓ સોળ સોમવાર, ભાખરીઆ સોમવાર, સાકરીઆ સોમવારના ઉપવાસ કરી મહાદેવને મનાવવા મથી જતી. એ સાથે ડાંગરમાંથી ખંડિત ન થાય એ રીતે કાળજીપૂર્વક ચોખાના દાણા કાઢી ચોખાકાજરી, ફૂલકાજરી ને કેવડાત્રીજ પણ કરતા, લીલાં કપડાં પહેરી ગાયવ્રત પણ કરતાં. આ બધી પરંપરા આજે કયાં છે??

વનવગડાની વનસ્પતિ ને આરોગ્યવર્ધક ફળફૂલથી ભરપૂર મહીપ્રદેશ:

કેન્યામાં જન્મેલાં અને અડધું આયખું નૈરોબીમાં જ વિતાવનાર અમારાં "ગુજરાત સમાચાર-એશિયન વોઇસ'નાં સ્નેહીજન પ્રવિણાબહેન નરેન્દ્રભાઇ ૮૦-૯૦ના દાયકામાં દર ગુરૂવારે કાર્યાલયમાં આવતાં. બપોરે અમારાં પુષ્પાબહેન, સરોજબહેન અને જ્યોત્સનાબહેન તેમજ કેટલાક સાથીઓ અને પ્રવિણાબહેન સામસામે બેસી અલકમલકની વાતો કરતાં કરતાં લવાજમી ગ્રાહકોને પેપર પોસ્ટ કરતાં. એક વખત પ્રવિણાબહેને કેન્યાનું બાળપણ યાદ કરતાં અમને કહ્યું કે, "અમે નૈરોબી સ્કૂલે જતાં ત્યારે મપેટાં, વિટોરીયા, લૂકાટ, મપેરાં, મટૂંન્ડા બહુ ખાતાં. પ્રવિણાબહેન બોલતાં ત્યારે એમના મુખ મંડળમાં ઝરતો રસ જોઇને અમને મનમાં વસવસો થયો કે આપણે આફ્રિકા જોયું હોત તો આ ફળોનો રસાસ્વાદ માણવાનો મળત!!! અમેય રસ લઇ પૂછ્યું, " હેં.... પ્રવિણાબહેન, વિટોરીયા ને લૂકાટ બહુ સરસ લાગતાં..! અહી ના મળે!!" બીજા જ વીકે પ્રવિણાબહેન વિટોરીયા લઇને આવ્યાં..." આ..હા..હા.. થેંક્યું કહી વિટોરીયાનો સ્વાદ અમે ચાખ્યો ત્યાં જ દાંત અમરાવા લાગ્યા, માથાના વાળ ઉંચા થઇ જાય એવું અતિશય ખાટું એ વિટોરીયા ચાખ્યા પછી અમે પ્રવિણાબહેનને પૂ્છ્યું, તમે અમારું કાંઠું ચાખ્યું છે? તમે ચણી બોર, કંઠારા કે કણજીના બી ખાધાં છે? તમે ભોટીંમડાં ચાખ્યાં છે? તમે શેરીયાં ને શંખાવલીનાં ફૂલ ખાધાં છે? આ નામ સાંભળી પ્રવિણાબહેન એકલાં જ નહીં ભલભલા ગૂંચવાયા હશે. જેણે ગ્રામ્યજીવન માણ્યું હોય અને એ પણ નદીના કોતરો વચ્ચે ઉગતી વનરાજી ને વનસ્પતિ વચ્ચે ઉછર્યા હોય એને જ એનો પરિચય હોય.

ચોમાસાના ચાર મહિનાઓમાં મહીસાગરના કોતરોમાં લીલીછમ વાડો પર પીળાં ફૂલોચ્છાદિત વેલો આગળ ફૂટતી ડૂંકો (કૂપળ) જેને અમે પાડાવેલાની ડૂકો કહેતા, કંકોળાના શાક સાથે આ પાડાવેલાની ડૂકોની ભાજી બહુ સ્વાદિષ્ટ લાગે. મહીસાગરના કોતરોમાં કંકોળા, વરસાદ ડોળીના ફૂલ, ટીંડોળાં ને કારેલાં ખૂબ થાય. શ્રાવણ મહિને અમે રોજ મહીનદીએ ન્હાવા જતા. અમારી બા અને એની બીજી સખીઓ સાથે અમેય થેલી ભરેલાં કપડાંનું પોટલું માથે મૂકી ઉઘાડા પગે કોતરો વટાવી નદીએ જતા. એ વખતે લીલીછમ વાડો પરથી આ શાકભાજી વીણવાની મજા જ કંઇક જુદી આવતી. વર્ષાઋતુમાં રસ્તા પર કુંવાડીયા ખૂબ ફૂટી નીકળતા. એના મૂઠિયાં, અને ફાંદ એટલે પત્તરવેલીયાની નાની બહેન..! એનાં પાતરાં બહુ સ્વાદિષ્ટ થતાં. ઉપવાસમાં દરિયાઇ ભાજી લૂણીનો ખૂબ ઉપયોગ થતો. કુદરતી મીઠાથી ભરપૂર પાનવાળી લૂણીના મૂઠિયા કેવાં સ્વાદિષ્ટ !!. તુવેરની દાળ સાથે ડોળીની ભાજી પણ કેવી સરસ બનતી! મહીનાં ભાઠાંમાં તમાકુની પેદાશ ખુબ થતી. એની ધરતી પર ઉગતી કૂબીની ભાજી ને ચીલની ભાજી સાથેની કઢી પણ સ્વાસ્થ્ય માટે ખુબ (રેચક) ઉત્તમ ગણાતી. અમારા ઘરની લગોલગ જ કોતર એમાં આરિયા કરહણ (એના કલૌનજી જેવા કાળા બીથી કઢી બહુ સ્વાદિષ્ટ બને), કૈડા, કાંઠી, કણજીનાં ફરફરયાં, ચણોઠી, પીલુડી, ઘીયાં, ગળગૂંદાં, ચણીબોર, સેતૂર, ફાલસા, બોરસલ્લી, રાયણ, ગોરસઆમલી, આમલી, આમળી, આંબો, ઉમરડો, સમડો, મહુડો, સરગવો, જાંબુડો, પીપળો ને લીમડાના ઝાડની વનરાજી છવાયેલી રહેતી. કોતરોમાં લીમડા પર દોરીઓ જેવી લટકતી ગળો જેનું આર્યુર્વેદમાં કિડનીના દર્દ માટે ખૂબ ઉપયોગી છે એ અમે બાળસહજ એ ગળો તોડી લાવી ભેંસને ખવડાવતા જેથી દૂધ વધારે આપે!!! માથાના વાળના તેલ માટે ઉપયોગી બ્રામીણી ઢગલા બંધ ઉગતી પણ સમજણ આવ્યા પછી એની મહત્તા વિષે મોડું જ્ઞાન લાધ્યું. ઠેર ઠેર દેખાતા સરગવાનાં ફૂલનાં ભજીયાં મસ્ત લાગે. વાકળ ને ચરોતરને જોડતા મહીકાંઠે મારી જન્મભૂમિ. મહી નદીના કોતરોને કંદરાઓ વચ્ચે વેપાર-ધંધાથી ધમધમતું સમૃધ્ધ ગામ વાસદ.. જે તુવેરની દાળ ને તમાકુના વેપાર માટે જગવિખ્યાત છે. એ મહીસાગરના કોતરોમાં અમે ભોમિયા વિના બિનધાસ્ત ભમ્યા છીએ, રમ્યા છીએ.


comments powered by Disqus