આજે ઓફિસમાં ખૂબ કામ રહ્યું. ઘરે આવી ત્યારે માનસી થાકીને ઠૂસ થઈ ગયેલી. ભૂખ પણ સખત લાગી હતી. સૌથી પહેલાં એ બાથરૂમમાં ઘૂસી. નાહી લીધા પછી સારું લાગતું હતું. ફ્રીજમાં ભાખરીનો લોટ બાંધીને મૂકેલો હતો. સવારનો ભાત પણ પડ્યો હતો. એક ગેસ પર એણે ફટાફટ બે ભાખરી બનાવી. બાજુના ગેસ પર કૂકર મૂકીને દૂધીનું શાક બનાવી કાઢ્યું.
ભાખરી, દૂધીનું શાક, દહીં અને ભાત. પોતાનું શાહી ભોજન થાળીમાં લઈને નિરાંતે ટિપાઈ પર પગ લંબાવીને ટીવી જોવા બેઠી. હજી તો એક ભાખરી પણ પૂરી ખવાઈ નહોતી ત્યાં ઉપરાઉપરી ડોરબેલ વાગી. ‘ઓહોહો... આટલી બધી ઉતાવળ કોને છે?’ મનમાં વિચારતાં થાળી ટિપાઈ પર મૂકીને એણે દરવાજો ખોલ્યો. ખોલતાંની સાથે જ સામેવાળાં રમાઆન્ટી ઘરમાં ઘૂસી આવ્યા, ‘આવી ગઈ ઓફિસથી?’
માનસીને હસવું આવ્યું. આવી ગઈ છું એટલે જ તો તમારી સામે ઊભી છું. પણ હજી તો એ કંઈ જવાબ આપે એ પહેલાં રમાબહેનની નજર એની થાળી પર ગઈ.
‘બાપ રે માનસી! એકલી માટે તેં આટલું બધું બનાવ્યું?’
‘આટલું બધું ક્યાં છે, આન્ટી? ભાખરી-શાક હમણાં બનાવ્યાં ને સવારના ભાત હતા તે દહીં સાથે ખાઈશ.’
‘તો પણ તને કંટાળો ન આવે? હું જો તારી જેમ એકલી રહેતી હોત તો એક વસ્તુથી ચલાવી લેત. એકલા પંડ માટે આટલી મહેનત કોણ કરે?’
માનસીને કંટાળો આવતો હતો. એક તો જમવાનું ઠંડુ થતું હતું ને રમાઆન્ટીની વાતમાં વાક્યે વાક્યે ‘એકલી’ શબ્દ આવતો હતો. જરા ચીડ સાથે તોય હસતાં હસતાં એણે કહ્યું, ‘કેમ એકલા માણસને પેટ ન હોય, આન્ટી?’
રમાબહેનને આવો જવાબ અને માનસીની જવાબ આપવાની રીત ન ગમી. કંઈ રીસના ભાવ સાથે એમણે કહ્યું, ‘આ તો તારે માટે જીવ બળે એટલે બોલાઈ ગયું. બાકી મારે તો હજી ઘરમાં બધાને જમાડવાના, રસોડું આટોપવાનું, કેટલાંય કામ બાકી છે. વસ્તારી હોઈએ એટલે કામ તો હોય જ ને! આટલા કામ વચ્ચેય યાદ આવ્યું કે બપોરે કુરિયરવાળો તારા નામનું કવર આપી ગયો છે એટલે આપવા દોડી આવી ચાલ ત્યારે, જાઉં?’
આન્ટીને નારાજ કરવા પડ્યાં એ માનસીને ન ગમ્યું પણ જ્યારથી દિવ્યેશથી અલગ થવાનો નિર્ણય લીધો છે ત્યારથી ઘરમાં કે ઓફિસમાં બધે, બધાને મોંઢે એકલી, એકલી શબ્દ જ સંભળાયા કરતો હતો. ત્રણ-ચાર દિવસ પહેલાંની જ વાત લો ને... લંચ અવર્સમાં એણે પ્રજ્ઞાને કહ્યું હતું, ‘ચાલ, આ શનિ-રવિમાં રખડવાનો પ્રોગ્રામ બનાવીએ. શનિવારે મોલમાં શોપિંગ કરવા જઈએ અને રવિવારે ‘મેટ્રો’માં ફિલ્મ જોવા જઈએ.’
એ હજી પોતાની વાત પૂરી કરે ન કરે ત્યાં તો પ્રજ્ઞાએ શરૂ કર્યુંઃ ‘ના રે બાબા, શનિ-રવિમાં બહાર નીકળવાનું મને પોષાય જ નહીં. તારે ઠીક છે. એકલીને બીજી કંઈ ચિંતા નહીં, કોઈ જવાબદારી નહીં. આ મન થયું કે નીકળી પડવાનું. મારે તો સાસુને ડોક્ટર પાસે લઈ જવાના છે. રવિવાર એટલે પતિને ભાવતી પૂરણપોળી બનાવવાની. ધોબીઘાટ કાઢવાનો, એટલાં બધાં કામ છે....’
માનસી ચૂપચાપ સાંભળી રહી. એને સમજાયું નહીં કે, પ્રજ્ઞાને આટલાં બધા કામ છે એનો વાંધો છે કે માનસી એકલી રહે છે એનો વાંધો છે? લંચ ટાઈમમાં બધાં સાથે જમી રહ્યા હતા ત્યારે નયના અને માધવીએ સાંજને માટે શું રસોઈ બનાવવી એ ટોપિક કાઢ્યો.
‘મારે ત્યાં તો બધાને રોજ સાંજે નવી નવી વાનગી જોઈએ. એકની એક વસ્તુ રિપીટ ન થવી જોઈએ. માનસી, તારે એકલીને જલસા છે. કંઈ રસોઈ ન બનાવે કે વડાપાઉં કે ઈડલી-સાંભારનું પાર્સલ બંધાવતી જાય તોયે કોણ પૂછવાનું?’ તરત જ નયનાએ માધવીને ટેકો આપ્યો, ‘હા યાર, મને તો માનસીની અદેખાઈ આવે છે. એને જોઉં ને મને પેલું ગીત યાદ આવે છે - ‘પંછી બનું, ઊડતી ફીરું, મસ્ત ગગન મેં, આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં...’ માનસીને કહેવાનું મન થઈ જતું કે, તો પછી રહોને તમે પણ એકલાં! કોણ રોકે છે? જ્યારે હોય ત્યારે તમારી વાતમાં મને શા માટે ઘસડો છો?
એક દિવસ ઓચિંતી મા આવી પહોંચી. આવી ત્યારથી સમજાવટથી, ગુસ્સે થઈને કે રડીને માનસીના મનમાં એક જ વાત ઠસાવવાની કોશિશ કરતી હતી, ‘એકલા જિંદગી કેવી રીતે નીકળે?
છોકરીની જાત, ભરજુવાની ને આટલી દેખાવડી. હજી છૂટાછેડા ક્યાં થયા છે? કોર્ટે છ મહિના જુદા રહેવાનું કહ્યું છે ને! જીદ મૂકી દે ને સમાધાન કરી લે. દિવ્યેશ તો બિચારો તને અપનાવવા તૈયાર જ છે.’
‘બિચારો? દિવ્યેશ બિચારો?! અને માનસી? એ તો જબરી કહેવાય નહીં? એન્જિનિયર થયેલી છે, મહિનાને છેડે મોટો પગાર કમાય છે. સ્વતંત્ર રહી શકે છે - કોઈની પણ ઓથ વિના. ખરું ને? પણ આ માનસીએ દિવ્યેશની કેટલી જોહુકમી સહન કરી છે, કેટલી મનમાની ચલાવી છે... પત્નીની કમાણીમાંથી મોંઘી મોંઘી ખરીદી કરતા પતિને સહન કરી લીધો છે. પોતાની આળસ અને તરંગીપણાને કારણે દર છ મહિને નોકરી છોડીને નવરાધૂપ બેસી રહેતા પતિની વાત સગા મા-બાપને પણ નથી કરી એ કેમ કોઈને દેખાતું નથી?’
મા સ્તબ્ધ થઈને સાંભળી રહી. નજીક આવીને આંખમાં આંસુ સાથે માનસીનો હાથ હાથમાં લઈને પંપાળતી રહી.
‘બેટા, મને માફ કર. આજ પછી આ બાબતમાં તું જે નિર્ણય કરે એ જ સાચો.’
માને વળગી પડતાં માનસીએ કહ્યું, ‘મને સમજાતું નથી મા કે કોઈને નડ્યા વિના એકલી રહેતી સ્ત્રી બધાને કેમ નડે છે? મા હું જુઈ - જાઈ કે મધુમાલતી વેલ નથી કે જેને બીજાના સહારાની જરૂર પડે. હું કાંટાળો બાવળ છું, જે પોતે જ પોતાનું રક્ષણ કરી શકે છે. મા, તું શક્તિસ્વરૂપ મા દુર્ગાની પૂજા કરે છે ને? બસ, તો હું મા દુર્ગાનું જ સંતાન છું. મારે માટે યોગ્ય રસ્તો કરતાં મને આવડે છે. મારી ફિકર ન કરશો મા!’
મા ગૌરવભરી નજરે પોતાની દીકરીને જોઈ રહી.

