કાશ્મીર ખીણ પ્રદેશ છેલ્લા ચાર માસથી અશાંતિની આગમાં ભડકે બળી રહ્યો છે. આમ કાશ્મીરી પ્રજા તો શાંતિ ઝંખે છે, પણ પાકિસ્તાન તરફી પરિબળો પ્રજાને એમ કરતા અટકાવી રહ્યા છે. તો શું કાશ્મીર સમસ્યા વણઉકેલ છે? ના, સાવ એવું પણ નથી. કાશ્મીરી પ્રજાને દેશના મુખ્ય પ્રવાહમાં ભેળવવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન શક્ય જણાય છે. અને આનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે એક યા બીજા સ્તરે મંત્રણા.
કાશ્મીરમાં ભારે તનાવપૂર્ણ માહોલ પ્રવર્તતો હોવા છતાં, તાજેતરમાં ભાજપના પીઢ નેતા યશવંત સિંહાના નેતૃત્વમાં પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે ત્યાં જઇને અલગતાવાદીઓ સાથે યોજેલી બેઠકને આવો જ એક પ્રયાસ ગણાવી શકાય. આ પૂર્વે ગૃહ પ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં એક સરકારી પ્રતિનિધિમંડળ ખીણ પ્રદેશની મુલાકાતે ગયું હતું. આ બન્ને પ્રતિનિધિમંડળ વચ્ચે આસમાન-જમીનનો ફરક હતો. પહેલાને સરકાર અને સંસદની માન્યતા હતી. આ પ્રતિનિધિમંડળના સભ્ય એવા રાજકીય પક્ષોના નેતાઓ હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળવા તેમના ઘરે ગયા હતા, પરંતુ તેમને દરવાજેથી જ પાછા મોકલાયા હતા.
ગિલાની એન્ડ કંપની તે વખતે કોઈને મળી નહોતી, પણ આ વખતે તેમણે પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહાની અધ્યક્ષતામાં ગયેલા પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી છે. જોકે આનો મતલબ એવો પણ નથી કે હવે મંત્રણા માટે ગયેલા લોકોને વિશેષ મહત્ત્વ મળ્યું છે. આ પ્રતિનિધિ મંડળની વિશેષતા એ હતી કે તેમાં ભૂતપૂર્વ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનર વજાહત હબીબુલ્લાહ અને પૂર્વ એર વાઇસ માર્શલ કપિલ કાક જેવા કાશ્મીર સમસ્યાના અભ્યાસુ હતા. ઉત્તર પ્રદેશના વજાહત હબીબુલ્લાહ આઇએએસ અધિકારી તરીકે જમ્મુ-કાશ્મીરમાં લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. કાશ્મીરી કાક નિવૃત્તિ બાદ કાશ્મીર મુદ્દે સક્રિય છે.
અહીં સવાલ એ છે કે યશવંત સિંહા પ્રતિનિધિમંડળની મંત્રણાનું પરિણામ આવશે ખરું? કોઇ પરિણામ આવે કે નહીં, એટલું નક્કી કે અલગતાવાદીઓને ઉભરો ઠાલવવાનો મોકો મળ્યો છે. થોડાક વર્ષ પહેલાં કાનૂનવિદ્ રામ જેઠમલાણીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ અલગતાવાદીઓ સાથે વાતચીત કરવા કાશ્મીર ગયું હતું, જેમાં હાલના વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબર પણ હતા.
અહીં કોઇને પણ સવાલ થવો સ્વાભાવિક છે કે અલગતાવાદીઓ સિંહાના નેતૃત્વ હેઠળના કે તેના જેવા અન્ય પ્રતિનિધિમંડળો સાથે બેઠકો યોજવા રાજી થઇ ગયા હતા તો પછી ગૃહ પ્રધાન ખુદ જેનું નેતૃત્વ કરતા હતા તેવા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે કેમ ઉપેક્ષાભર્યો વર્તાવ કર્યો? એક અહેવાલ અનુસાર, આ સરકારી પ્રતિનિધિમંડળના કાશ્મીર પહોંચતા પૂર્વે અલગતાવાદી નેતાઓને વિશ્વાસમાં લેવાનો કે મંત્રણાનો માહોલ સર્જવાનો સરકારી સ્તરે કોઇ પ્રયાસ જ થયો નહોતો. સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોએ અલગતાવાદી નેતાઓના આંગણે પહોંચીને પોતાની મોટાઇ દેખાડી, પરંતુ અલગતાવાદીઓનો અભિગમ અયોગ્ય હતો. કડવી સચ્ચાઇ તો એ પણ છે કે હુર્રિયત નેતા ગિલાની પાકિસ્તાન સમર્થક છે, અને પહેલેથી જ તેમનો અભિગમ એવો રહ્યો છે કે કાશ્મીરને વિવાદાસ્પદ મુદ્દો માનતા પ્રતિનિધિમંડળને જ મળશે.
અલગતાવાદીઓની સૌથી મોટી કમજોરી એ છે કે સમગ્ર રાજ્યમાં તેમનું વર્ચસ નથી. આથી નબળો ધણી બૈરી પર શૂરો એ ન્યાયે તેઓ ખીણ પ્રદેશમાં અડીંગો જમાવીને બેઠા છે. અહીં પણ તેમની નીતિ બેધારી છે. ખીણ પ્રદેશમાં પ્રવર્તમાન અશાંતિના કારણે ચાર માસથી તમામ શાળા-કોલેજો બંધ છે. કેટલીક સ્કૂલોને અલગતાવાદી પરિબળો ભડકે બાળી રહ્યા છે. શિક્ષણ કાર્ય ઠપ્પ છે, પરંતુ આ અશાંતિ વચ્ચે પણ ખીણ પ્રદેશની એક સ્કૂલ ચાલુ છે. તેમાં નિયત સમયે પરીક્ષા પણ યોજાઇ. કારણ શું? કેમ કે તેમાં ગિલાનીની પૌત્રી ભણે છે. પ્રજાનું જે થવાનું હોય તે થાય, અંગત સ્વાર્થ સાધી લેવાનો અલગતાવાદીઓનો અભિગમ જ તેમને આમ કાશ્મીરીથી વિખૂટો પાડી રહ્યો છે. અગાઉ એવા અહેવાલો હતા કે અલગતાવાદીઓના સંતાનો રાજ્ય બહાર કે વિદેશમાં ટોચના શિક્ષણ સંસ્થાનોમાં અભ્યાસ કરે છે. કાશ્મીરની બહુમતી પ્રજાને સમજાઇ ગયું છે કે અલગતાવાદીઓના ચાવવાના-દેખાડવાના દાંત જુદા છે. જોકે પ્રજામાં એટલી હિંમત નથી કે તેઓ જાહેરમાં આવીને અલગતાવાદીઓને પડકારી શકે, અને આથી જ ભારતવિરોધી પરિબળોને મનફાવતું વર્તન કરવાનો મોકો મળી રહ્યો છે.
જોકે, અલગતાવાદીઓના નકારાત્મક અભિગમ છતાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા આમ નાગરિકોના બનેલા પ્રતિનિધિમંડળો દ્વારા તેમને મળવાના, મંત્રણા કરવાના પ્રયાસ ચાલુ રહેવા જોઇએ. શક્ય હોય તેટલા બિનરાજકીય લોકોએ આમાં જોડાવું જોઇએ. બસ, વાતચીતનો પ્રયાસ કરનારને કાશ્મીર સમસ્યાની ગૂંચનો ખ્યાલ હોવો જોઇએ. વાતચીત ચાલતી રહેશે તો આજે નહીં તો કાલે સમસ્યા અવશ્ય ઉકેલાશે. બીજી વાત એ પણ છે કે જે કોઇ પણ પ્રતિનિધિમંડળ કાશ્મીર જાય તેણે ખીણ પ્રદેશમાં સક્રિય તમામ વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોના નેતાઓને મળવું જોઇએ. પછી તે નેશનલ કોન્ફરન્સ હોય, પીડીપી હોય, કોંગ્રેસ હોય, કમ્યુનિસ્ટ પાર્ટી હોય કે ભાજપ હોય. સહુ કોઇએ યાદ રાખવું જોઇએ કે મંત્રણાકારોનો પ્રયાસ ત્યારે જ સફળ થવાનો છે જ્યારે તેઓ જ્મ્મુ અને લદ્દાખના લોકોને પણ મળે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકો દેશની સાથે છે તેમને એવું ન લાગવું જોઇએ કે તેમને અલગ સમજવામાં આવે છે. કાશ્મીર સમસ્યાના ઉકેલ માટે માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી, બહુઆયામી પ્રયાસો થકી જ આ સમસ્યાનો ઉકેલ શક્ય છે.
