ભારતે ચીન સાથેના સંબંધોને મજબૂત બનાવવા માટે ભલે પ્રયાસો કર્યા હોય, પણ ચીન ભારત પ્રત્યેની નફરત દેખાડવાનો એક મોકો ચૂકતું નથી. આનું તાજું ઉદાહરણ છે ભારતસ્થિત અમેરિકી રાજદૂત રોબર્ટ રિચર્ડ વર્માનો અરુણાચલ પ્રદેશના તવાંગનો પ્રવાસ. રોબર્ટ વર્મા ત્યાં ગયા હતા તવાંગ મહોત્સવમાં ભાગ લેવા, પરંતુ ચીને તેને ભારત-ચીન સીમા વિવાદને વધારનારો પ્રવાસ ગણાવ્યો છે. ચીન ખરેખર શું ઇચ્છે છે? શું તે ભારતને ય પાકિસ્તાનની જેમ આંગળીના ઇશારે નચાવવા માગે છે? જો તેનો આવો કોઇ ઇરાદો હોય તેણે સમજી લેવું રહ્યું કે હવે ૧૯૬૨ના દિવસો ભૂતકાળ થઇ ગયા છે. અરુણાચલ ભારતનું હતું, છે અને રહેશે. ભારત ત્યાં ગમે તે વ્યક્તિને તેડાવે, ચીનને પેટમાં ચૂંક ઉપડવાનું કોઇ વાજબી કારણ જ નથી.
ભારતને સલાહસૂચન આપતાં પૂર્વે ચીને જાતમાં ડોકિયું કરવાની જરૂર છે. તે કેમ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ઇકોનોમિક કોરિડોર બનાવી રહ્યું છે? દલાઇ લામા કેમ નિર્વાસિત જીવન વીતાવે છે? આ બધું તો ઠીક, સાઉથ ચાઇના સી પર પણ તે પોતાનો પંજો ફેલાવી રહ્યું છે. ભારત વિયેતનામ સાથે મળીને ત્યાં તેલભંડારની શોધખોળ કરી રહ્યું છે તો તેની સામે પણ તે બખાળા કાઢી રહ્યું છે. બીજી તરફ, અઝહર મસૂદને આતંકવાદી ઘોષિત કરવા માટે યુએનમાં વીટો વાપરે છે ત્યારે ભારતના વિરોધની જરાય દરકાર કરતું નથી. આ સંજોગોમાં હવે ભારતે પણ ચીનના વિરોધની પરવા કરવાની જરૂર નથી.
જોકે મોદી સરકારના આગમન સાથે ભારતની વિદેશ નીતિમાં આમૂલ પરિવર્તન જોવા મળે છે, અને તેમાં ચીન સાથેના સંબંધો પણ ખરા. ભારતે દોસ્તીનો હાથ લંબાવ્યો, પણ ચીને અવળચંડાઇ ન છોડતાં હવે ભારતે પણ આંગળી વાંકી કરી છે. મોદીએ ચીનના જાનીદુશ્મન વિયેતનામ સાથેના સંબંધો ગાઢ કર્યા છે અને હવે આવતા સપ્તાહે તેઓ જાપાન જઇ રહ્યા છે. મોદીના જાપાન પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે ૩૧ બિલિયન ડોલરના કરાર થવાની શક્યતા છે. આ ઉપરાંત મોદી સરકારે ચીને જેના પર ડોળો માંડ્યો છે તેવા (ભારતના) પડોશી દેશો ભૂતાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશથી માંડીને તાઇવાન, અમેરિકા, રશિયા, સાઉથ આફ્રિકા સાથેના સંબંધો મજબૂત બનાવ્યા છે. મોદીની વિદેશનીતિમાં દૂરંદેશીભર્યો અભિગમ છે, કેમ કે ચીન ગમે તે ઘડીએ આડું ફાટે તો જરૂરતના સમયે ભારતને આ તમામ દેશોનો સાથ મળી રહેશે. જોકે આ પ્રયાસો છતાં ભારતે ખંધા ચીન સામે સાવચેત તો રહેવું જ પડશે. ચેતતો દેશ સદા સુખી.
