નેશવીલ: ફ્લોરિડામાં વસતા ત્રણ ગુજરાતીઓ દ્વારા ટેનેસીનાં લોકો પાસેથી ધાકધમકી આપીને પૈસા પડાવવાનો કેસ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ સામે નાણાંની ઉચાપતનો આરોપ મૂકાયો છે.
તપાસનીશ સંસ્થા ટેનેસી બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (ટીબીઆઇ)એ જણાવ્યું હતું કે ગોપાલભાઈ શિવરામદાસ પટેલ (૫૯), રિપ્તેશ હસમુખલાલ પટેલ (૩૫) અને અશોકકુમાર પ્રભાકર રાવલ (૬૩) દ્વારા ટેનેસીનાં રહીશો સાથે છેતરપિંડી આચરીને પૈસા પડાવવામાં આવ્યા હતા.
ટીબીઆઈનાં સ્પેશિયલ એજન્ટો દ્વારા ૧૯ ઓક્ટોબરે વિલિયમસન કાઉન્ટીમાંથી આ ત્રણેયની અટકાયત માટેનાં એરેસ્ટ વોરંટ મેળવવામાં આવ્યા હતા. બાદમાં ટેમ્પા ફ્લોરિડા ખાતેથી ત્રણેયને ઝડપી લેવાયા હતા. ગોપાલભાઇ, રિપ્તેશ અને અશોકકુમારે ટેનેસીમાં રહેતા કેટલાક લોકો સાથે આર્થિક ગેરરીતિ આચરીને તેમજ ધાકધમકી આપીને પૈસા પડાવ્યા હતા અને વિદેશમાં મની લોન્ડરિંગ કર્યું હતું.
આરોપીઓ દ્વારા કૌભાંડનો ભોગ બનેલા લોકોનો ફોન પર સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમણે જણાવેલા બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા નહીં કરાવે તો તેમની ધરપકડ કરાશે તેવી ધમકીઓ આપવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૪-૧૫માં માત્ર ત્રણ મહિનાનાં ગાળામાં આ ત્રણેય લોકોએ અન્યો પાસેથી આશરે નવ લાખ ડોલર જેવી રકમ એકઠી કરી હતી. આ પૈસા પછીથી મની લોન્ડરિંગ દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતથી માંડીને છેક અમેરિકા સુધી ફેલાયેલા કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં આરોપીઓએ આ જ પ્રકારે નિર્દોષ નાગરિકોને, સવિશેષ સિનિયર સિટીઝનોને નિશાન બનાવીને કરોડો ડોલરનું કૌભાંડ આચર્યું છે.

