મહેસાણાઃ દોડવીર હેડ કોન્સ્ટેબલ ભાનુ ગોવિંદભાઈ ભરવાડ મિત્રો પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લઈને ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ માસ્ટર એથલેટિક ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ૨૫મી ઓક્ટોબરે રવાના થયા છે. ચાર માસ પહેલાં તેઓ સિંગાપોર ગયા હતા અને તે વખતની પણ તેમની આર્થિક મદદ હજુ મંજૂર થઈ નથી. એસપી ચૈતન્ય મંડલિકે કહ્યું કે, બાબત પ્રોસેસમાં છે અને આઈજીને ભલામણ કરી છે. આમ છતાં, તે મંજૂર નહીં થાય તો મહેસાણા પોલીસ તેને મદદ કરશે.
૧૯૯૮થી ૨૦૧૨ સુધી પોલીસ ખાતામાં દોડમાં ચેમ્પિયન બનેલા ભાનુભાઈ છેલ્લા પાંચ વર્ષથી માસ્ટર એથલેટિક્સમાં પણ રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બને છે અને નેશનલ કક્ષાએ બે સિલ્વર મેડલ મેળવી ચૂક્યા છે. અત્યાર સુધી વિવિધ કક્ષાએ દોડની સ્પર્ધાઓમાં ૨૮થી વધુ મેડલ મેળવનાર દોડવીર ૨૦૧૫માં ફ્રાન્સમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર એથલેટિક્સમાં ૪૨ ક્રમે રહ્યા હતા. ચાર મહિના અગાઉ સિંગાપોરમાં યોજાયેલી એશિયન માસ્ટર એથલેટિક્સમાં ૪૦૦ મીટરમાં સેમિફાઈનલમાં અને ૮૦૦ મીટરમાં ફાઈનલમાં હતા.
૪૦૦ અને ૮૦૦ મીટર દોડ
૨૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયાના પર્થ સિટીમાં યોજાનારી વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં ભારતની એથલેેટિક ટીમમાં તેમની પસંદગી થઈ છે. તેઓ ૪૦૦ અને ૮૦૦ મીટર દોડની સ્પર્ધામાં ભાગ લેશે. ફ્રાન્સની ટુરનો રૂ. ૨ લાખ જેટલો ખર્ચ તો તેમને વેલફેરમાંથી મળી ગયો હતો, પરંતુ સિંગાપોરની ટુરનો રૂ. ૮૦ હજાર ખર્ચ હજુ નથી મળ્યો તેનો વસવસો છે. ઓસ્ટ્રેલિયા જવા તેમણે ઓન ડ્યુટી રજાઓની મંજૂરી અને આર્થિક સહાયની માગણી કરી છે. જોકે તે બાબતનું નક્કી ન હોઈ હાલમાં મિત્રો પાસેથી ઉછીની રકમ મેળવીને સોમવારે તે રવાના થયા છે. જિલ્લા પોલીસ વડા ચૈતન્ય મંડલિકે જણાવ્યું હતું કે, તેમની ફાઈલ મંજૂર નહીં થાય તો મહેસાણા પોલીસ મદદ કરશે.

