અત્યારે મોટાભાગની સ્ત્રીઓ સ્વસ્થ વાળ ન હોવાની સાથે સાથે વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહી હોય છે. પ્રદૂષણ, તણાવ અને અનિયમિત આહારને કારણે વાળ સ્વસ્થ ન રહેવાની અને સતત ખરતા રહેવાની સમસ્યા વધતી જઈ રહી છે. વાળ ઋક્ષ થઈ જવા, પાતળા પડવા, સફેદી આવવી, ફાટી જવા, ખરવા વગેરે તકલીફો માટેના કેટલાક કારણોનો ઉલ્લેખ કર્યો છે આ ઉપરાંત અહીં વાળને સ્વસ્થ રાખવાના કેટલાક ઘરેલુ નુસખા આપવામાં આવ્યા છે. તે ફોલો કરીને વાળને લગતી સમસ્યાઓમાંથી તમે રાહત મેળવી શકશો.
વાળ અસ્વસ્થ રહેવાના કારણોઃ
- વાળ ખરવા માટેનું મુખ્ય કારણ તણાવયુક્ત જીવન છે. વાળ ખરતા રોકવા માટે તણાવથી દૂર રહેવું જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ કે સ્ટ્રેસ ન આવે.
- ઘણીવાર હવામાન બદલાતા વાળ ખરતા હોય છે. તે વખતે વાળને જરૂરી તત્ત્વો પૂરા પડી રહે તેનું ધ્યાન રાખો.
- કોઈ મોટા ઓપરેશન, ઈન્ફેકશન અને લાંબા સમયની બીમારી હોય તો વાળ ખરી શકે. એન્ટિબાયોટિકની આડઅસર વાળ પર પડતી હોય તો તુરંત ડોક્ટરની સલાહ લો.
- જો અચાનક હોર્મોનલ લેવલનું અસંતુલન થઈ જાય અને તમે કોઈ બીમારીથી પીડાઓ તો તેની સીધી અસર પણ તમારા વાળ પર પડે છે અને વાળના મૂળ નબળા થઈને ખરવા લાગે છે.
- સુવાવડ પછી કેટલીક મહિલાઓમાં નબળાઈ આવી જતી હોય છે. આ નબળાઈને પગલે વાળ ખરતા રહે છે. આવી સ્થિતિમાં વાળને પોષણ આપવા આયુર્વેદિક ટ્રીટમેન્ટ લો.
વાળની સ્વસ્થતા જાળવવા ઘરેલુ ટિપ્સ
- લીલા ધાણાના રસ અથવા ગાજરના રસને વાળના મૂળમાં લગાડવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે.
- સામાન્ય રીતે ડુંગળીને તેની ગંધને લીધે લોકો નાપસંદ કરે છે, પણ માથું ધોતાં પહેલાં ડુંગળીના રસને વાળના સ્કેલ્પમાં લગાડવાથી વાળ ફરીથી આવશે.
- ગાજરને ક્રશ કરીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો બે કલાક પછી માથું ધોઈ નાંખવું. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે.
- ટાલિયાપણું દૂર કરવા માટે રાતે સૂતી વખતે નારિયેળના તેલમાં લીંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ.
- રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે ઊઠીને તરત આ પાણી પી લેવું. આની સાથે અડધો ચમચી આમળાનાં ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યામાં રાહત થાય છે.
- આશરે ૮૦ ગ્રામ બિટના રસમાં ૧૫૦ ગ્રામ સરસિયાનું તેલ મેળવીને ઊનું કરી લો. જ્યારે આ મિશ્રણમાંથી રસ સુકાઈ જાય ત્યારે મિશ્રણને ઠંડું કરવા માટે મૂકો. આ તેલને સાચવી પણ શકાય છે. દરરોજ માથા પર આ તેલની માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય સફેદ પણ નહીં થાય.
- લીમડાના પાંદડા તથા બોરના પાન સરખા ભાગે લઈ પાણીમાં વાટી વાળમાં લેપ કરવો. લેપ વાળમાં સુકાયા બાદ માથું ધોઈ લેવાથી વાળ વધે છે અને ખોડો મટે છે.
- તુલસીના પાંદડા અને આમળાને પાણીમાં વાટીને તેનો લેપ માથામાં લગાવી લો. લેપ માથામાં સુકાઈ જાય પછી માથું નવશેકા પાણીથી ધોઈ નાંખવું. આ પ્રયોગ નિયમિત કરવાથી વાળ ખોડા રહિત, કાળા તથા સુંવાળા બને છે.
- લીંબુનો રસ દરેક પ્રકારના વાળમાં ફાયદો કરે છે. માથું ધોવાના પાણીમાં લીંબુનો રસ મેળવી અથવા લીંબુ નીચોવી લઈ માથામાં ઘસવાથી પણ વાળ લાંબા થાય છે તથા ખોડો મટે છે.
- વાળ માટે ખાટું દહીં ખૂબ ફાયદાકારક હોય છે. માથું ધોવાનું હોય તેના ત્રણેક કલાક પહેલાં નારિયેળ તેલથી માથામાં એક કલાક માલિશ કરો. તેલવાળા વાળમાં દહીં નાંખો. દહીં સુકાઈ જાય પછી માથું ધોઈ નાંખો.
- એલોવેરા એટલે કે કુવારપાઠાનો અર્ક પણ હેર વોશ પહેલાં માથામાં લગાડવાથી વાળ સુંવાળા રહે છે.
- નારિયેળ તેલમાં મીઠો લીમડો નાંખી નવશેકું તેલ માથામાં નાંખવાથી વાળ સ્વસ્થ રહે છે.

