ન્યૂ યોર્કઃ કાર્યસ્થળે સ્માર્ટ ફોનના ઉપયોગથી વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે છે. આ સાથે જ સ્માર્ટ ફોનના વધુ ઉપયોગથી શારીરિક અને સામાજિક મુશ્કેલીઓ પણ વધે તેવું એક સર્વેમાં જણાયું છે. કાર્યના સ્થળે આધુનિક ડિવાઇસના વપરાશથી મોટા ભાગના કર્મચારીઓની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો દર્શાવતાં સર્વેમાં જણાવાયું છે કે, ૧૦માંથી ૮ લોકોને કામના સમયે સ્માર્ટ ફોનના ઉપયોગથી આંખની સમસ્યા નડે છે. કેરિયર બ્લિડર દ્વારા કરાયેલા સર્વેમાં ૨૧૮૬ હાયરિંગ મેનેજર અને ૩૦૩૧ ફુલટાઇમ કર્મચારીઓના મત લેવાયા હતા.
સર્વે પ્રમાણે, ૫૫ ટકા કર્મચારીઓએ કબૂલ્યું કે, ઓફિસ કે કાર્યસ્થળે સ્માર્ટ ફોનના ઉપયોગને કારણે કાર્યક્ષમતામાં ઘટાડો થયાનો અનુભવ કરે છે. ૮૨ ટકા લોકોએ એવું કહ્યું કે, તેમને આંખની સમસ્યા નડે છે. ૧૦ ટકાએ કહ્યું કે, તેમના સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગથી કામ પર અસર થઈ છે. જ્યારે ૬૬ ટકાએ કબૂલાત કરી હતી કે, તેઓ કાર્યના સ્થળે સ્માર્ટ ફોનનો ઉપયોગ થોડા પ્રમાણમાં જ કરે છે. આ દરમિયાન ૩૮ ટકાએ એવી કબૂલાત કરી હતી કે (સ્માર્ટ ફોનના કારણે) અન્ય કર્મચારીઓ કામની બાબતે નબળા પડતા પોતાના પર કામનું ભારણ વધે છે અને સરવાળે તેમની કાર્યકુશળતામાં ઘટાડો થાય છે. ૨૭ ટકાએ એવું જણાવ્યું કે, સ્માર્ટ ફોનના વધુ ઉપયોગને કારણે તેઓ નિયત સમયમર્યાદામાં કામ પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે.
દરમિયાન ૨૦ ટકાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ ફોનના વધારે પડતાં ઉપયોગને કારણે તેમણે ગ્રાહકો સાથેની ઘનિષ્ઠતા ગુમાવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઘણા ઉદ્યોગો વેબસાઇટ્સ, પર્સનલ ફોન-કોલ અને ઇન્ટરનેટના ઉપયોગવાળી કેટલીક સાઇટો પર પ્રતિબંધ લગાવવાની યોજના ઘડે છે. જોકે સર્વેના આધારે અભ્યાસકારોએ એવું પણ જણાવ્યું હતું કે, આવી પદ્ધતિ કર્મચારીઓનું મનોબળ તોડે છે. અભ્યાસકારોએ કહ્યું કે, પ્રામાણિકતાથી કામ કરવું કે લેવું એ જ આ સમસ્યાનો શ્રેષ્ઠ ઉકેલ છે.

