ક્રિકેટ પર આધારિત ‘ઢિશૂમ’માં એક્શન ઇમોશન અને રોમાન્સનો ફુલ ડ્રામા છે, પણ નબળી પટકથા અને જોઈએ તેવી માવજત ન મળવાને કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર જમાવટ કરી શકી નથી. જોકે આ ફિલ્મમાં કલાકારોના અભિનયને વિવેચકો દ્વારા વખાણવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા એવી રીતે લખાઈ છે કે અગાઉથી જ દર્શક ધારી શકે કે આગળ શું થવાનું છે? ફિલ્મના પાત્રો ઘણા અંશે ૧૯૭૦-૮૦ના દશકની યાદ અપાવે છે.
ફિલ્મમાં જ્હોન અબ્રાહમ કડક અધિકારીનાં પાત્રમાં શોભે છે. વરુણ ધવનના ભાગે દર્શકોને હસાવવાનું આવ્યું છે જોકે તેણે આ રોલ ગંભીરતાથી નિભાવ્યો છે અને વરુણનો અભિનય સારો છે. આ ફિલ્મથી અક્ષય ખન્ના ઘણા વખતે ફિલ્મી પરદે દેખાયો છે અને જૂના ખેલાડીએ સારો રંગ જમાવ્યો છે. ચરિત્ર અભિનયમાં દરેક પાત્રોની એક્ટિંગ ધ્યાન ખેંચે તેવી છે. ફિલ્મમાં કેટલાક ક્રિકેટરો પણ નજરે પડે છે. જેક્વેલિન ફર્નાન્ડિસનો અભિનય સારો છે, પણ તેનું પાત્ર સુંદર રીતે આલેખાયેલું નથી.
વાર્તા રે વાર્તા
ભારત પાકિસ્તાનની હાઈપ્રોફાઈલ મેચના થોડાં જ કલાકો પહેલાં ભારતીય ક્રિકેટર વિરાજ શર્માનું રહસ્યમય રીતે અપહરણ થાય છે. વિરાજને શોધવા માટે સિક્રેટ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આ ગુપ્ત અભિયાનમાં જોડાયેલા બાહોશ અધિકારી અને તેના સહાયકની શોધની આસપાસ વાર્તા વળાંક લેતી રહે છે.

