બીજા મહિલા PM થેરેસા મેને અભિનંદન
‘ગુજરાત સમાચાર’ના તા ૧૬ જુલાઈના અંકમાં પ્રથમ પાને યુકેના નવા વડાપ્રધાનની નિયુક્તિના સમાચાર વાંચીને ખૂબ જ ગૌરવ થયું. ડેવિડ કેમરન સપ્ટેમ્બર મહિના સુધી વડાપ્રધાન પદે રહેવાના હતા. પરંતુ ટોરી પક્ષના લીડર માટેની સ્પર્ધામાં ઉભા રહેલા એક માત્ર એન્દ્રેઆ લીડસોમે દેશ અને નાગરિકોના હિતમાં ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી અને ટોરી પક્ષના લીડર થેરેસા મેને ટેકો આપવાની વાત કરી. પછી કેમરને જાહેર કર્યું કે થેરેસા મે યુકેના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. કેમરને વડાપ્રધાનપદનો ત્યાગ કર્યો અને થેરેસા મેને સંપૂર્ણ ટેકો આપ્યો. ટોરી પક્ષ આ રીતે પોતાના પક્ષને સંગઠિત કરવામાં સફળ થયો છે અને હાલમાં જ નવી કેબિનેટ બની ગઈ. વડાપ્રધાન બન્યા પછી થેરેસા મેએ જાહેર કર્યું કે યુકે ઇયુમાંથી બહાર નીકળી ગયું તેનો ફેંસલો લોકોએ બહુમતીથી કર્યો છે માટે યુકે ઇયુ માં નથી તેનું તેઓએ સમર્થન કર્યું છે અને જનમતના આ ફેંસલા દ્વારા દેશ પ્રગતિ કરે તેવો જ પ્રયત્ન કરવામાં આવશે.
બીજી બાજુ દેશના બીજા મુખ્ય પક્ષ લેબર પાર્ટીમાં બળવાનો માહોલ જામ્યો છે. લેબર નેતા જેરેમી કોર્બિનનો ભારે વિરોધ થયો છે. આગામી સપ્ટે - ઓક્ટો. માં ચૂંટણીમાં લેબર પાર્ટીના નવા નેતા ચૂંટાશે. પરંતુ એક ઘટના એ પણ બની જેનાથી લેબરને મોટી ખોટ થઈ છે. ઇરાક યુદ્ધના ચીલકોટ રિપોર્ટમાં ભૂતપૂર્વ લેબરપક્ષના વડાપ્રધાન ટોની બ્લેરની સરકારની આકરી ટીકા થઈ છે જેથી પક્ષને ઘણું નુકસાન થઈ શકે છે. જોકે, સામાન્ય ચૂંટણીને હજુ ચાર વર્ષની વાર છે પણ હાલ એમ લાગે છે કે લેબર પક્ષમાં મોટે પાયે તોડજોડ થશે જે દેશ માટે ખૂબ જ નુકસાનકારક હશે. કોઈ પણ રીતે લેબર પક્ષ એક થશે તો તે પક્ષ અને દેશને લાભકારક હશે.
- ભરત સચાણીયા, લંડન
•••
અનાજની આયાત, ચિંતાની બાબત
આપણા ભારતમાં જમીનો છે, ખેડૂતો છે, બિયારણ છે, પણ પૂરતી દાળ નથી. તેથી મોઝામ્બિકથી દાળ આયાત કરવી પડશે. ભારત ખેતીપ્રધાન દેશ છે, સાત કરોડથી વધારે ખેડૂતો છે, છતાં દાળ બહારથી આયાત કરવી પડે એવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ હશે? જમીન સંપાદનના કાયદા હેઠળ સરકારે ખેડૂતોની ફળદ્રુપ જમીનો કબ્જે કરી હતી એ એક કારણ હોઈ શકે. આવી જમીનો ઓછી થઈ હોય. સરકારે લીધેલી બધી જમીનો તો જાહેર હિતના કામોમાં વપરાઈ નથી. બાકીની જમીનો વર્ષોથી વેરાન પડી છે. ખેડૂતો તેનો ઉપયોગ કરી શકતા નથી. છતાં અનાજનું જરૂર પૂરતું ઉત્પાદન તો થાય છે. તો પછી અનાજની બહારથી આયાત કેમ કરવી પડે છે?
મે-૨૦૧૧ના એક સમાચાર પ્રમાણે વરસાદમાં હજારો ટન અનાજ સડી ગયું. અનાજ ભરવાના સરકારી ગોડાઉનો બહારની કંપનીઓને ભાડે આપી દીધેલા તેથી અનાજ બહાર જ સડી ગયું. વળી કૌભાંડકારોએ પાંત્રીસ હજાર ટન અનાજ બીજા દેશમાં મોકલી દીધેલું. આવા કારણોસર જ અનાજની અછત થાય. દેશની પ્રજાને પૂરતું અનાજ
મળી રહે તેની સરકારને પ્રાયોરિટી નથી? એક સમાચાર પ્રમાણે ત્રણ હજારથી વધુ લોકો દરરોજ ભૂખથી મરે છે. ખેતીપ્રધાન દેશની સરકાર માટે આ શરમની વાત નથી?
ખેતપેદાશના નિષ્ણાત દેવીન્દ્ર શર્માના કહેવા મુજબ દેશના ખેડૂતો નેતાઓનો વિશ્વાસ કરતા નથી અને સરકાર પર ઈમ્પોર્ટ લોબીનું ઘણું વર્ચસ છે. ‘મેઈક ઈન ઈન્ડિયા’ હોવું જોઈએ તેને બદલે ‘મેઈક ઈન મોઝામ્બિક’ છે. પ્રજાની પાયાની જરૂરિયાતો સંતોષાતી નથી. આવી પરિસ્થિતિના પ્રત્યાઘાત આવશે જ. ચૂંટણી વખતે આપેલા વચનો નેતાઓને યાદ આવે તો સારું.
- બલ્લુભાઈ પટેલ, બ્રેડફર્ડ
•••
ત્રાસવાદની સમસ્યાનો ઉકેલ
તાજેતરમાં વિશ્વમાં ક્રૂર હિંસાની ઘટનાઓમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોના ભોગ લેવાયા. બાંગ્લાદેશમાં પ્રથમ બનાવ બાદ ફ્રાંસ, તુર્કી, જર્મની, કાબુલ અને અફઘાનિસ્તાનમાં લોહિયાળ હિંસા થઈ.
ઘટનાના સ્થળ, સંજોગો અને સમસ્યાઓને નજરઅંદાજ કરીએ તો આ તમામ બનાવોમાં ભલે નિર્દોષ લોકોનો ભોગ લેવાય પણ બદલો લેવાની અને વિરોધીઓને ખતમ કરી દેવાની મનોવૃત્તિ છતી થઈ હતી. મ્યુનિચ ઓલિમ્પિયા શોપીંગ સેન્ટરમાં યુવાનો સહિત ૯ નિર્દોષનો હત્યારો ૧૮ વર્ષીય ડેવિડ સોનબોલી આ મનોવૃત્તિનું સ્પષ્ટ ઉદાહરણ છે.
ગમે તેમ પણ આ આતંકવાદી કૃત્ય હતું. આ સમસ્યા ધાર્મિક માન્યતાઓમાંથી ઉદ્ભવેલી વિચારધારાની છે અને તે નબળા મનના લોકોને ઉદ્દામવાદી બનાવવા માટે જવાબદાર છે. ઘણા લોકો માટે અને ખાસ કરીને મુસ્લિમો માટે ધાર્મિક માન્યતાઓ અને ધાર્મિક વિચારધારાનું વધુ મહત્ત્વ હોય છે અને સમગ્ર દુનિયા માટે આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે.
૭/૭ની આઘાતજનક ઘટનાઓ બાદની બ્રિટિશ સરકારોએ આ સમસ્યાઓ પ્રત્યે ખાસ વ્યૂહનીતિ અપનાવી છે. તમામ મુસ્લિમોના ૦.૫ ટકા કરતાં પણ ઓછાં મુસ્લિમો આવા ગુનામાં સંડોવાયેલા હોય છે તે હકીકત છે પરંતુ, વેઠવાનું સમગ્ર મુસ્લિમ સમુદાયને આવે છે. ખાસ તો આ સમસ્યા ઈસ્લામની છે અને માત્ર મુસ્લિમો જ તેમના સમાજને સુધારી શકે. બાહ્ય દબાણની કોઈ અસર થશે નહીં. મુસ્લિમોને સરકારના દુશ્મન ગણવામાં આવે તો આ પ્રકારની સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. મુસ્લિમો સાથે માનવતા અંગેના તેમના વલણ વિશે મૈત્રીપૂર્ણ વાતચીત થવી જોઈએ. તેઓ હકારાત્મક વિચારસરણી અપનાવે અને વિનાશક પ્રવૃત્તિઓથી દૂર થાય તે માટે તેમને સમજાવી શકાય તે દિશામાં આગળ વધવું જોઈએ.
- જતીન સહા, ઈમેલ દ્વારા
•••
સંસ્કૃતિની જાળવણીનું કાર્ય પ્રશંસનીય
સાઉથ હેરોમાં ધામેચા હોલ ખાતેની પૂ. વ્રજકુમાર ગોસ્વામીજીની ‘ચરિતામૃત કથા’ ટીવી પર નિહાળી. યુવાન, ગોરોવાન, તેજસ્વી દિવ્ય મુખારવિંદ અને અતિ પ્રભાવશાળી સ્વામીજીના મુખથી તેમની સુંદર શૈલીમાં સરતી પુષ્ટિમાર્ગ સબંધિત જ્ઞાનગંગાનો આનંદ માણ્યો. અનુયાયીઓથી ભરચક હોલ, પ્રફુલ્લિત ચહેરાઓથી શોભી રહ્યો હતો. બધા એકાગ્રતાથી શાંતિપૂર્વક કથા શ્રવણમાં મસ્ત હતા. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી. બી. પટેલ પણ ટાઈસૂટમાં સજ્જ થઈ આગલી હરોળમાં બેઠેલા અને કથાનું રસપાન કરતા દ્રષ્ટિમાન થયાં.
ભૌતિકવાદી પશ્ચિમી દેશોમાં પણ યજમાનો તેમના અમૂલ્ય સમયનો ભોગ આપીને સારી એવી રકમ ખર્ચીને ધર્મગુરુઓને આપણે આંગણે લઈ આવે છે. ધર્મગુરુઓને ખૂબ માનસન્માન સહિત આવકારીને કથાનું આયોજન કરીને અનેક શ્રદ્ધાળુઓને લાભ આપે છે. તે તેમની મહાનતા છે, ભક્તિભાવ અને પ્રેમ છે. આવા યજમાનોને ધન્યવાદ. આપણી સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા અને સભ્યતા જાળવવા માટે આ બહુ જરૂરી છે. આમ તો, ટીવી પર ભારતમાં કથા કરતા ધર્મગુરુઓને નિહાળી શકાય. પરંતુ જ્યાં હિંદુઓની વસ્તી નજીવી હોય તેવા રોમ અને એથેન્સમાં પણ યજમાનો કથાનું આયોજન કરી ધર્મગુરુઓને નવાજીને તેમનો મહિમા વધારે છે તે ખરેખર પ્રશંસનીય છે. સાંભળ્યું છે કે "you can take Indians out of India but you cannot take India out of Indians.” આ statement સાથે હું પૂરો સહમત છું.
- નિરંજન વસંત, લંડન (ઇમેલ દ્વારા)
