વર્ષ ૨૦૧૨-૧૪માં દેશભરમાં સિલિકોસીસથી થયેલા દર બે મોતમાંથી એક મોત ગોધરામાં થયાનું નોંધાયું છે. આ અંગેના ડેટા અનુસાર ૨૦૧૨-૧૪ દરમિયાન સિલિકોસીસથી કુલ ૪૨ મોત થયા હતા. જેમાં ફક્ત ગોધરામાં જ ૨૪ કામદારોનાં મોત સિલિકોસીસથી થયા હોવાની જાણકારી રાજ્યસભાને તાજેતરમાં આપવામાં આવી હતી. ક્વાર્ટઝ ક્રશિંગ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારો સિલિકોસીસ રોગનો સૌથી વધુ ભોગ બને છે. પર્યાવરણ પ્રધાન અનિલ દવેએ એક લેખિત જવાબમાં આ વિશે માહિતી આપી હતી.
• વડોદરાના મુક્ત જ્વેલર્સે બીઓબી બેંકનું રૂ. ૨૭૦ કરોડનું ઉઠમણુંઃ અલકાપુરીમાં મલ્ટિસ્ટોરી શોરૂમ ધરાવતાં મુક્ત જવેલર્સના માલિકોએ બેન્ક ઓફ બરોડાનું રૂ. ૨૭૦ કરોડનું ઉઠમણું કર્યાનો બેંક ઓફ બરોડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. દેવાદાર જાહેર કરવામાં આવેલી મુક્ત જ્વેલર્સ પ્રા.લિ. કંપનીના સંચાલકો તેમના દરેક શોરૂમ તથા બંગલાને તાળું મારીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ બીઓબી દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી છે.
• અંબિકા નદીમાં ન્હાવા પડેલા રૂસ્તમપુરાના બે મિત્રો ડૂબી ગયાઃ ઉનાઈના પદમડુંગરી ગામમાં ફરવા આવેલા અને દેવધા પાસેથી અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના રૂસ્તમપુરાના બે યુવાનો ધર્મેશ પટેલ અને અનિલ પટેલ પાણીના વહેણમાં તણાઈ જતાં ચક્ચાર મચી ગઈ છે.
• વલસાડમાં અકસ્માત રોકવા ઢોરોના ગળે લાઈટીંગ બેલ્ટઃ વલસાડમાં મૂંગા જાનવરો માર્ગ ઉપર બેસી રહે છે અને તેના કારણે અકસ્માતો થતાં રહે છે. જેમાં ખાસ કરીને રાત્રે ઢોરો માર્ગ ઉપર બેસેલા નજરે પડતા નથી. જેને અટકાવવા માટે સેવા મિત્ર મંડળ દ્વારા રખડતાં ઢોરોના ગળે તાજેતરમાં લાઈટીંગ બેલ્ટ પહેરાવાયા હતા.
• માંડલ ટોલ પ્લાઝા પર ૮૩ ઉંટો ભરેલી ૨૦ ટ્રક અટકાવાતાં વિવાદઃ સોનગઢ માંડળ ટોલ પ્લાઝા પર તેલગણાથી બચાવેલા ૪ બચ્ચા સહિત ૮૩ જેટલા ઊંટો લઈને રાજસ્થાન તરફ જતી ૨૦ ટ્રકને ટોલ ટેક્સ માટે અટકાવાતાં રાજસ્થાન પીપલ ફોર એનિમલ સંસ્થાના જીવદયા પ્રેમીઓ સાથે ટોલ ટેક્સ ઉઘરાવતા લોકોની ભારે રકઝક થઈ હતી. જેમાં ટ્રકની સાથે આવેલા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ કોર્ટના આદેશોની નકલ બતાવતાં મામલો થાળે પડ્યો હતો.
• પૂર્વ સ્વામિ. સાધુ ધર્મેશ વીરડિયાની હીરાની ચોરીમાં સંડોવણીઃ સંસાર ત્યાગ કરીને છ વર્ષ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ તરીકે જીવન જીવી ચૂકેલા ધર્મેશ વીરડિયાએ કતારગામમાં આવેલી રોઝ જેમ્સ નામની કંપનીમાં રૂ. ૫૦.૩૧ લાખના હીરાની ચોરી કરી હોવાનો ભેદ પોલીસે તાજેતરમાં ઉકેલ્યો છે. રફ ડાયમંડની ચોરી કરીને ચોર નાસી ગયાની ફરિયાદ ફેકટરી માલિક પ્રેમજીભાઈ ઇટાલિયાએ પોલીસમાં નોંધાવતાં પોલીસે તપાસ બાદ જણાવ્યું કે, બીજા માળે આવેલી ફેક્ટરીના એસી ડકમાંથી ઘૂસીને ધર્મેશે આ ચોરી કરી હતી.
