ગ્રીસના પાટનગર એથેન્સને પાશ્ચાત્ય સંસ્કૃતિનું પારણું માનવામાં અાવે છે. એથેન્સ લોકશાહીનું જન્મસ્થળ ગણાય છે. દાર્શનિક, વિચારક સોક્રેટીસ, એરીસ્ટોટલ અને પ્લેટો જેવા મહાન વિચારકોનું માદરે વતન એથેન્સ. અાજનું વિશ્વ ઘડવામાં તેમનું મહત્વનું યોગદાન છે. અને અાધુનિક તબીબી વિજ્ઞાનના જનક ડોકટર હીપોક્રેટીસ પણ એથેન્સના વતની. ૪૦૦૦ વર્ષ જૂની અા સંસ્કૃતિના મૂળ ધરાવતા એથેન્સમાં પૂ. મોરારીબાપુની નવ દિવસની રામકથાનું અાયોજન ૨૩ જુલાઇથી ૩૧ જુલાઇ દરમિયાન યોજાઇ હતી. ઇન્ટરકોન્ટીનેન્ટલ એથેનિયમ હોટેલના "એથેનિયમ બોલ રૂમ"ના ભવ્ય હોલમાં દેશવિદેશથી અાવેલા લગભગ ૧૦૦૦ જેટલા હરિભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો.
અથેન્સની અા કથામાં મહાન તત્ત્વચિંતક સોક્રેટીસ કેન્દ્રસ્થાને રહ્યા. "માનસ સુકરાત"ની અા કથામાં સોક્રેટીસ, ગાંધીજી અને પૂ. મોરારીબાપુની રામકથાના વિચારોનો ત્રિવેણી સંગમ થયો હતો. હજારો વર્ષ પહેલાં વિશ્વ વિખ્યાત દાર્શનિકોએ જે જગ્યાએથી, જે મંચ પરથી પોતાના વિચારો રજૂ કર્યા હતા તે જ મંચ પરથી પૂ.મોરારીબાપુએ સત્ય, પ્રેમ અને કરૂણાના ઉપદેશ સાથે અા પ્રાચીન શહેરમાં "માનસ શુકરાત"ની નવ દિવસની કથા સંભળાવી. પૂ. બાપુની કથામાં યુવાન-યુવતીઅોની સંખ્યા ખૂબ નોંધપાત્ર જોવા મળી.
એથેન્સની અા રામકથા-માનસ સુકરાતની કથાના યજમાન 'લેડી પોપટ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા કરવામાં અાવી હતી. પોપટ પરિવારના મોભી લોર્ડ ડોલરભાઇ પોપટ અને પૂ. બાપુએ કથાનું સમગ્ર અાયોજન અને સૂકાન યુવાપેઢીને સોંપ્યું હતું. લોર્ડ ડોલરભાઇ પોપટ અને લેડી સંધ્યાબેનના યુવાન પુત્ર પાવનની લીડરશીપ હેઠળ મુખ્ય ત્રણ વ્યક્તિની કમિટી હેઠળ છેલ્લા દોઢેક વર્ષથી અા કથાની તૈયારીઅો ચાલતી હતી. હેરોના યુવાન કાઉન્સિલર અમીત જોગીઅા, ભક્તિ ચાંડેગરા અને હેલ્થકેર કંપનીના કોમર્શીયલ ડિરેક્ટર વિલિયમ નીલ સહિત સંપૂર્ણ સમર્પિત ૪૫ જેટલા યુવા સ્વયંસેવકોએ ખડેપગે અાયોજનની દેખરેખ સાથે સુંદર સેવા પ્રદાન કરી હતી. કથામાં ભાગ લેનારા હરિભક્તો માટે સવારના બ્રેકફાસ્ટથી માંડી બપોરના લંચ અને સાંજના ડીનરમાં પરંપરાગત ભારતીય શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં અાવી હતી. ભોજનની વ્યવસ્થામાં અનિલભાઇ પૂજારાના નેતૃત્વ હેઠળ હોટેલ સ્ટાફ અને સ્વયંસેવકોએ સરસ સેવા અાપી હતી.
શનિવારે (૨૩ જુલાઇએ) બપોરે ૪.૦૦ વાગ્યે પોથીયાત્રા બાદ 'એથેનિયમ હોલ"માં પૂ. બાપુની રામકથાનો અારંભ થયો હતો. પૂ. બાપુએ શરુઅાતમાં કહ્યું કે, “રામકથા એ મારૂ વૈશ્વિક અનુષ્ઠાન છે. મારી કથા દ્વારા યુવાપેઢીમાં ૩૫%નો ફરક અાવી રહ્યો છે. હું મારૂ કામ કરું છું અને ફરક જરૂર અાવશે. પૂ. બાપુએ પહેલે દિવસે સોક્રેટીસ (સુકરાત) વિષે સૌને જાણકારી અાપી. તેમણે કહ્યું "રૂખડ થયા વગર અાદમી ઋષિ નથી બની શકતો. સોક્રેટીસ વિચાર વિભૂતિ હતા. રામચરિત માનસમાં સુકરાતના વિચારો કયાં કયાં મળે છે એ મારી સ્મૃતિમાં હશે એની રજૂઅાત કરીશ. સુકરાતની અનોખી વિચારશક્તિ ગજબની હતી. અા નવ દિવસની યાત્રા છે ૧) શબ્દયાત્રા ૨) તીર્થયાત્રા ૩) જીવનયાત્રા અને ૪) શ્રેષ્ઠ યાત્રા એ વિચાર યાત્રા. શુકરાત વિચાર યાત્રાનો અાદમી હતો. એના વિષે કંઇ કેટલાયે લખ્યું છે. પ્લેટોએ એના વિચારોને સંગ્રહીત કર્યા છે.
l સુકરાતનો બાપ પત્થર તરાશતા હતા જયારે એમની મા દાયણ હતી. દાયણ તો ગર્ભને ખોલે, અાપણા બધાની અંદર પરમાત્માએ અાપેલો એક પંખો ઘૂમી રહ્યો છે પણ અાપણા અંત:કરણમાં પંખો ચાલે એવી સ્વીચ દબાવતા જ નથી. ભીતરી ડેવલેપમેન્ટ-અાંતરીક વિકાસ એેને ભગવાન કહેવાય. ૫૦૦૦ વર્ષથી ભગવદ્ ગીતા અાપણને છોડતી નથી એમ સુકરાતના વિચારો અહીં હજુ છે, પ્રસન્ન ચિત્તથી એને ગ્રહણ કરો. ઠીકથી પ્રસનન્તાની જેણે સ્વીચ દબાવી છે એને લોકો કહે છે એનું ચસ્કી ગયું છે. કરૂણાનો જેણે માર્ગ લીધો એણે ઝેર પીવું પડ્યું છે. મીરાએ પ્રેમભક્તિમાં ઝેર પીવું પડ્યું, ભગવાન શંકરે કરૂણાને માર્ગે ઝેર પીવું પડ્યું અને સુકરાતે સત્યના માર્ગે ઝેર પીવું પડ્યું.
ઝેરના ઘૂંટ પીધા પછી મૃત્યુ તરફ જઇ રહેલા સુકરાતે એથેન્સવાસીઅોને કહ્યું કે, 'મારી સાથે જે થઇ રહ્યું છે તેમ છતાં મારા મનમાં કોઇ પ્રત્યે કશી કટુતા નથી.' સુકરાત અાપણને અાજે પણ ખૂબ માર્ગદર્શક બની રહ્યા છે. એથેન્સમાં સુકરાત (સોક્રેટીસ)ને જે જગ્યાએ ઝેર પીવડાવ્યું હતું એ ગુફાની બહાર અાપણા ભારતના પૂર્વ પ્રેસિડેન્ટ અબ્દુલ કલામે ઉભા રહી ફોટો પડાવ્યો હતો.
l સુકરાત કહે છે કે સૌથી બુધ્ધિશાળી એમ કહે છે કે હું કશું નથી જાણતો એ જ સાચો જ્ઞાની.
સુકરાતનો મંત્ર વિચાર- સુકરાત મંત્રોની મૂર્તિ છે. બે જણા ભેગા થઇ વિચાર કરે એને મંત્રણા કહેવાય અાત્માની ઉન્નતિ અથવા દેખભાળ વિવેક અને સચ્ચાઇ વિના ના થઇ શકે” સ્વર્ગ શું છે એ ખબર નથી પણ સ્વર્ગ એટલે અાકાશથી ઉપર. પૃથ્વી એટલે મારી સમજણ પ્રમાણે પ્રેમ, અાકાશ એટલે સત્ય અને પાતાળ એ કલ્પના છે.
l ગાયને માતા કહીએ છીએ પણ ઘરમાં નથી રાખતા જયારે કૂતરાને ઘરમાં રાખીએ, ખોળામાં સુવડાવીએ છીએ. કારણ!! ગાય પૂછડું હલાવતી નથી જયારે કૂતરુ પૂછડી હલાવે છે. માણસ હોય કે ધર્મગુરૂ હોય પૂછડી હલાવે એવાને ખોળે બેસાડે.”
l કેટલાક લોકો સપ્તાહ કરે પણ હપ્તા નથી ભરતા, ઘણા તો બીજાના ખભા ઉપર જ કરી નાખે.
l સાધુપુરુષ કેવો હોય? હાથી જેવો સ્વાભિમાની. કૂતરા ભસે પણ પાછુવાળી જોતો નથી.
l ધર્મની ધૂસરી લઇને ફરે એ ધર્મધૂરંધર કહેવાય.
l સ્ત્રીને હનુમાનજીની પૂજાનો અધિકાર નહિ, દિક્ષા લેવાનો અધિકાર નહિ! ગૌતમીને બુધ્ધે દિક્ષા અાપવાની ના પાડી તો ૫૦૦ ભીખ્ખુણીઅોએ માથા મૂડાવી દિક્ષા લીધેલી. માતૃ શરીરનો શું અપરાધ?! સ્ત્રીને યજ્ઞ કરવાનો અધીકાર નથી પણ ચૂલે રોટલો કરી બાળકને અાપે એ જ એનો યજ્ઞ.
l સાતફેરા લઇ લગ્ન બાદ કોઇ અજાણ્યાના હાથમાં હાથ અાપ્યા પછી એ કન્યાનો બીજો જન્મ થાય છે. એના નામ પાછળ બાપનું નામ નીકળી જાય અને પતિનું નામ અાવી જાય એ પાનેતરથી શોભતો વૈરાગ્ય છે.
l પહેલાં એ કોઇના ગર્ભમાંથી નીકળે છે એ પછી એના ગર્ભમાંથી બીજાને પેદા કરે એ માતૃશક્તિ.
l દાળ બગડે એનો દહાડો બગડે, અથાણું બગડે એનું વર્ષ બગડે અને દાંમ્પત્ય બગડે એનું જીવન બગડે.
l જેના ઘરમાં ભક્ત પેદા થાય એના પિતૃઅો નર્તન કરે અને ૧૦૦ કૂળ તરે.
l મારી કથા ધર્મશાળા નથી, પ્રયોગશાળા છે.
કથા દરમિયાન એક યુવાને બાપુને પત્ર પાઠવી જણાવ્યું કે, એના પરિવારમાં વડીલો કહે છે પાપના ભાગિદાર ના બનશો, પૂણ્ય કરો. પૂણ્ય એટલે શું? ત્યારે પૂણ્યની વ્યાખ્યા કરતાં પૂ. બાપુએ કહ્યું કે, પ્રસન્નતાએ જ પૂણ્ય, અપ્રસન્નતા પાપ છે, બીજુ પૂણ્ય રામચરિતમાનસમાં માનસ પૂણ્ય કહ્યું છે. બીજાના વિષે શુભ વિચારો એ પૂણ્ય છે. ૩)ક્ષમતા હોય તો પરોપકાર કરો. લૂચ્ચાઇ કરીને બીજાને છેતરો નહિ એ પૂણ્ય. ૪) કોઇ મળે અને એની સામે અકારણ સ્મિત વેરો એ પૂણ્ય. (૫) અમે, તમે અને હું અાપણું પાપ કબૂલ કરી લઇએ એ પૂણ્ય.
શનિવારે કથા દરમિયાન એથેન્સના મેયર જ્યોર્જસ કામિનીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, “ અમે સૌ એથેન્સવાસીઅો ગૌરવ અનુભવીએ છીએ કે પૂ.બાપુ અહીં અાવ્યા છે. અા એથેન્સીયન સિટીમાં પ્રેમ અને કરૂણાનો અહોભાવ વહેશે. ભારતીય પ્રજા અતિ ઉદ્યમી અને બુધ્ધિકુશળ છે. અાપના અાગમનથી અમે અમારી જાતને ગૌરવશીલ અને અાશીર્વાદરૂપ માનીએ છીએ. અમે ઘણા વર્ષથી અાર્થિક મંદી ભોગવી રહ્યા છીએ. અાપ સૌ અહીં અાવ્યા એથી અમે અાનંદ અનુભવીએ છીએ.
શનિવારે સાંજે સાયંકાળ સભામાં જાણીતા ઉદ્ઘોષક શોભિત દેસાઇએ એમની વાકચાતુર્યતાથી સભાની શરૂઅાત કરતાં કહ્યું કે, “ સોક્રેટીસની પત્ની ક્ઝેનથીપ્પે એમના તરફ નિર્દયી પ્રકારની હતી કારણ તેઅો કુટુંબ પ્રત્યે ધ્યાન નહોતા અાપતા. ૬૬-૬૭ વર્ષની ઉંમરે સોક્રેટીસને પૂછાયું ત્યારે એમણે કહ્યું કે, વ્યક્તિએ લગ્ન જરૂર કરવા જોઇએ. તમારૂ પાત્ર સરસ મળ્યું તો "વન્ડરફૂલ લાઇફ" અથવા પાત્ર સારૂ ના મળે તો તમે "ફિલોસોફર" બની જશો. નિવૃત્ત પ્રોફેસર કે. કે. ખખ્ખરે જણાવ્યું કે,'સોક્રેટીસના અને અાજના જમાનામાં શિક્ષકો ટ્યૂશન ફી લઇને વિદ્યાર્થીઅોને ભણાવે પણ સોક્રેટીસ વિદ્યાર્થીઅોને ભણાવવાના પૈસા લેતા નહિ. સોક્રેટીસની શૈલી અલાયદા હતી. એ પ્રશ્ન પૂછતા પૂછતાં જ વિદ્યાર્થીઅોને શીખવી દેતા. સોક્રેટીસની પ્રશ્ન પૂછવાની કલા ગજબ હતી. સોક્રેટીસ પછી જો અાત્મ પરીક્ષણના ૨૫૦૦ વર્ષના ગાળામાં જો કોઇ હોય તો એ ગાંધીજી છે. પૂ.બાપુ પણ અાત્મનિરક્ષક છે. સોક્રેટીસ વિષે બાપુએ અાપણને વાત કરી વ્યાસપીઠ ઉપર એ બાપુને હું જોતો હતો એ બન્ને વચ્ચે અભિન્નતા દેખાઇ. ૧૯૭૬માં મનુભાઇ પંચોલીનું સોક્રેટીસ વિષે પુસ્તક વાંચ્યું. એક્રોપોલિસ ઉપરથી સોક્રેટીસ ઉતરી રહ્યા છે એમ બાપુ વ્યાસપીઠ ઉપરથી ઉતરે ત્યારે સોક્રેટીસનાં દર્શન થાય છે.' ડો. સુમનભાઇ શાહે કહ્યું કે, “બાપુને ક્રિકેટમાં કેટલો રસ છે એની મને ખબર નથી પણ ક્રિકેટની પરિભાષામાં જેને વ્યંગ કહી શકાય એવી રોચક વાતો એમણે કહી છે.બાપુ કહે છે અાધ્યાત્મ જગતમાં બોલીંગ છોડી બેટીંગ કરવી. અાપણે કેટલા બધા વાઇડ બોલ ફેંકીએ છીએ! અા નવ દિવસની કથાનો અમ્પાયર હનુમાન છે. સોક્રેટીસ કહે છે, મારા ત્રણ ગુરૂ છે, એ ત્રણેય સ્ત્રીઅો છે. એક પાસેથી વાક કલા, બીજી પાસેથી કલા અને ત્રીજી પાસેથી ડહાપણ શીખ્યો. એલેકઝાંન્ડરે નોંધ્યું છે કે, સોક્રેટીસના જમાના પહેલાં મેસીડોનિયા થઇને કેટલાક જટાધારીઅો એથેન્સ અાવ્યા હતા. રોજ કથા શરૂ થતા પહેલાં અાગલા દિવસની કથાનો અંગ્રેજીમાં સારાંશ રજૂ કરનાર ૯૭ વર્ષના પ્રો. નગીનદાસ સંઘવીએ ભક્તિયોગની વાત કરતાં કહ્યું કે, ભક્તિયોગમાં કોઇ ડિમાન્ડ નથી હોતી, ભક્તિ સહજભાવથી થાય, ભક્તિ કોઇ પ્લાન વગર જ થાય-બસ એ થઇ જાય" એ પછી લોર્ડ ડોલરભાઇએ સૌનો અાભાર વ્યક્ત કર્યો હતો.
સોમવારે (૨૫ જુલાઇએ) કથા બાદ સાંજે ૬.૩૦ વાગ્યે ફરી સાયંકાળ સભાનું અાયોજન થયું હતું. હેમાંગ ત્રિવેદીએ નૂસરત ફતેહઅલીએ ગાયેલું સૂફી ગીત રજૂ કર્યા બાદ ફ્રાંસમાં અોપેરા ચલાવે છે એ ગુજરાતી યુવાન ચિંતન પંડ્યાએ સિતાંશુ લેખિત સોક્રેટીસ ઉપર સુંદર વાચિકમ્ (ડ્રામેટીક એકટીંગ) ગુજરાતીમાં પ્રસ્તુત કરતાં પૂ. મોરારીબાપુ સહિત ઉપસ્થિત સૌએ સ્ટેન્ડીંગ અોવેશન સાથે ચિંતનની કલાને બિરદાવી હતી. “ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ"ના તંત્રીશ્રી સી.બી. પટેલે જણાવ્યું કે, “હું મારી વાતમાં વિદ્વતા કરતાં વાસ્તવિકતા લાવવા પ્રયાસ કરુ છું. છેલ્લા ૪૦ વર્ષથી લોર્ડ ડોલર પોપટના પરિચયમાં છું. બાપુની કથામાંથી હું કંઇક મેળવી રહ્યો છું. એમની કથામાં યુવાવર્ગને પ્રેરિત થતા જોયા છે, મેં એમનામાં ગજબનું ટ્રાન્સફોર્મેશન જોયું છે. કથાનું અાયોજન કરનાર પાવનમાં કંઇક પરિવર્તન થતું જણાય છે અને એ જરૂર થવું જોઇએ. પોપટ પરિવાર જ્યાંથી અાવ્યો છે એ યુગાન્ડાનું ટરોરો બીગેસ્ટ પાવર હાઉસ છે. સી.બી.એ ૧૯૮૮ની પ્રેસ્ટનની યુનિક રામકથાની પણ વાત કરી જયાં ૬૦૦ હિન્દુ પરિવાર મોટાભાગના અનએમ્પલોયડ હતા પણ એમની અડગ કર્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠાને બિરદાવી. યુ.કે.નો લોહાણા સમાજ રાજકારણ, ધર્મ અને સંસ્કાર સંવર્ધનમાં ખુબ રસ લે છે એની વાત કરી. યુ.કે.ની જેલોમાં હિન્દુ-જૈનોની સંખ્યા બહુ અોછી (૪૪૦ જેટલી) છે. તેમણે અંતમાં કહ્યું કે, બાપુની કથામાં સનાતન વેલ્યુ છે, બાપુ ચેલાને કંઠી બાંધતા નથી. કથામાં યુવાવર્ગની સંખ્યા જોતાં ભારતીય હિન્દુનું ભવિષ્ય બહુ સુરક્ષિત જણાય છે.”
લોર્ડ પ્રો. ભીખુ પારેખે હલ સીટી તરફથી એમને જે સન્માન મળવાનું છે જે નેલ્સન મંડેલા અને દેશમન્ડ ટૂટૂને અોફર થયું હતું એની જાહેરાત કરી. લોર્ડ પારેખે કહ્યું કે, “બાપુને મેં ૧૯૮૩માં સાંભળ્યા હતા. ઇન્દિરાજીના કહેવાથી હું વડોદરા વાઇસ ચાન્સેલર તરીકે ગયો ત્યારે બાપુને મળવાનો મોકો મળ્યો હતો. બાપુ શું છે? બાપુ એક વ્યક્તિ છે, એક ઇન્સ્ટીટયૂશન છે. બાપુ થિનોમિનલ છે, એમનામાં એક અદ્રશ્ય મેગ્નેટીક પાવર છે. દર વર્ષે બાપુની કથાઅો થાય છે પણ એમાં રિપીટેશન થતું નથી. રામાયણ હિન્દુઇઝમનું ડાયાસ્પોરા છે.” જાણીતા ગુજરાતી પત્રકાર જય વસાવડાએ કહ્યું કે, “અાપણે જે હોલમાં બેઠા છીએ એ એફ્રોડાઇઝ એટલે કે ગ્રીસનું સૌંદર્ય. અા એફ્રોડાઇઝના પ્રતિક જેવી નવી પેઢી બગડેલી પેઢી નથી. પ્રકૃતિને એક ચીજ ગમે છે એ મોસમનું પરિવર્તન. હિન્દુસ્તાનની સંસ્કૃતિ ગંગાની સંસ્કૃતિ છે. ૧૫મી-૧૬મી સદીમાં ટામેટા અને બટેટા પોર્ટુગીઝ લઇ અાવ્યા. રાસ ઝીલી શકે એ ભારત અને રાસ રચાવી શકે એ મોરારીબાપુ.અાપણને લોકો શું કહે છે એની ચિંતા છે જયારે અા નવી પેઢી કોઇથી ડરતી નથી. સોક્રેટીસ દરેક યુગમાં જન્મવાનો. જૂનાગઢનો નરસિંહ સોક્રેટીસ નહિ તો બીજો કોણ? અમેરિકા એ પ્રાચીન ગ્રીસનો અવતાર છે. મોટી કમાનો બનાવો, ટેકરી ઉપર ઇમારતો રચો. ગ્રીસની જેમ બધી કળામાં એ અગ્રેસર છે. એમનો માઇકલ જેકશન બીગેસ્ટ એકસ્પોર્ટ, ડોનાલ્ડ ડક, મીકી માઉસ એ બધા અમેરિકાના પ્રોડક્ટ છે.”
પૂ. મોરારીબાપુની રામકથા અોગષ્ટમાં અબુધાબી ત્યારબાદ જાપાનના ટોકિયો થશે. એથેન્સમાં અાગામી ડિસેમ્બરની ૧૭મીએ કિન્નરો (વ્યંઢળો) માટે પૂ. બાપુએ રામકથા માટે તૈયારી દર્શાવી છે.
પોપટ પરિવાર યોજિત અા કથામાં દેશવિદેશથી તમામ કુટુંબીજનો પધાર્યા હતા. લોર્ડ ડોલર પોપટના દીકરા રૂપીન અને પાવનના નેતૃત્વ હેઠળ અા કથાનું વ્યવસ્થિત અાયોજન થયું હતું. કથામાં લોર્ડ ડોલરભાઇના મોટાભાઇ મનોજભાઇ અને તેમના ધર્મપત્ની ઇલાબેન તથા એમના દીકરા નિતીન અને પુત્રવધૂ નીલાબેન કેનેડાના વાનકુવરથી અાવ્યા હતા. અા ઉપરાંત લંડનથી નાનાભાઇ પંકજભાઇ તથા એમના ધર્મપત્ની નીશાબેન અને પુત્રો સાગર, અનુજ તેમજ કંતેશભાઇ તથા રેખાબેન અને પુત્ર શ્યામ અાવ્યા હતા.
પૂ. મોરારીબાપુ સાથે સવિશેષ મુલાકાત:
કથા દરમિયાન પૂ. મોરારીબાપુ સાથે બુધવારે બપોરે એથેન્સના સ્થાનિક પત્રકારો સાથે "ગુજરાત સમાચાર-એશિયન વોઇસ"ને પણ પ્રશ્નોત્તરી કરવાનો અવસર સાંપડ્યો. જેનો સારાંશ અત્રે રજૂ કરીએ છીએ.
પ્રશ્ન: કથા માટે તમે કેમ ગ્રીસની પસંદગી કરી?
બાપુ: મેં યુરોપ, અાફ્રિકા, જેરૂસલેમ, રોમ કથા કર્યા બાદ ખાસ એથેન્સને પસંદ કર્યું. જે માણસને હું ચાહું છું એના સિધ્ધાંતોને અાદર કરું છું એના સ્થળ ઉપર કથા કરવાની ઇચ્છા હતી. સોક્રેટીસે યુવાનોની સાથે અાખી જિંદગી કામ કર્યું છે એટલે અાવનાર પેઢીને ખબર પડવી જોઇએ કે સોક્રેટીસ કોણ હતો? ભારત અને ગ્રીસ વચ્ચેનો સંબંધ બહુ જૂનો છે. લોકશાહી, તબીબ વિજ્ઞાન અને કલા ગ્રીસની દેન છે. ગ્રીસ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે જૂનો પૂલ છે એ તૂટી ના જાય એનું પાછું સમારકામ કરી બે સંસ્કૃતિનું જોડાણ ચાલુ રહે એ માટે અાવ્યો છું.”
પ્રશ્ન: અાપ અને સોક્રેટીસ વચ્ચે શું રીલેશન છે?
બાપુ: સોક્રેટીસ સત્યની વાત કરે છે. એણે કોઇના ઉપર વિચાર લાદયા નહિ, એણે પોતાના વિચારો રજૂ કર્યા. સોક્રેટીસે કોઇના પર ભાર ના મૂકયો, એણે ભાર લઇ લીધો. લોકોને એણે વિચારતા કરી દીધા. રાષ્ટ્રની સ્વતંત્રતા એ જરૂરી છે પણ સાથે વ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઇએ જેથી વ્યક્તિ પોતે જાતે વિચારી શકે.
પ્રશ્ન: ગ્રીસ અને એના લોકોને શું સંદેશ છે?
બાપુ: સત્ય, પ્રેમ, કરૂણા. અા મેસેજ તમારા માટે મહત્વનો છે. અા ત્રણ સિધ્ધાંત કોઇ ધર્મને મનાઇ ના કરી શકે. સંસાર ભયભીત છે સત્ય વગર જગત અભય ના થઇ શકે, સત્ય વગર ભય નાબૂદ ના થઇ શકે. એકબીજા માટે કોઇ ત્યાગ કરવા તૈયાર નથી. પ્રેમ હશે તો ત્યાગ અાવશે. અાખી દૂનિયા હિંસાની વિરૂધ્ધ છે જયાં સુધી માનવીના હ્દયમાં કરૂણા નહિ જાગે ત્યાં સુધી હિંસા બંધ નહિ થાય. બાપુ વારંવાર કહે છે જે તમારા જીવનને પણ લાગુ પડે છે કે "લવ ફોર અધર્સ, કમ્પેશન ફોર અધર્સ".
પ્રશ્ન: ગ્રીસમાં અાપની અા કથાથી અમારી પરિસ્થિતિ સુધરશે?
બાપુ: રામકથા એ ખાલી લેકચર નથી. નવ દિવસનું અનુષ્ઠાન છે. અા અખંડ યજ્ઞનો ધૂમાડો જ એના વાતાવરણમાં હકારાત્મકતા પેદા કરશે. અા નવ દિવસનો પ્રેમ યજ્ઞ છે એનો પ્રસાર થશે. ૨૫૦૦ વર્ષો પછી પણ સોક્રેટીસના વાયબ્રેશન ગાંધીજી સુધી પહોંચ્યા હોય તો સોક્રેટીસે ગાંધીને ઇફેક્ટ કર્યા તો મોરારીબાપુ દ્વારા સોક્રેટીસના વાયબ્રેશન સર્વત્ર ફેલાશે. સોક્રેટીસે કહ્યું હતું ભલે તમે મને દફનાવો પણ હું ફરી પાછો જન્મીશ. મને ભરોસો છે કે એથેન્સમાં લોકો ટૂરીસ્ટ તરીકે અાવતા હશે પણ હવે એ યાત્રા માટે અાવશે. જે સંસ્કૃતિના પાયામાં સત્ય, પ્રેમ, કરૂણા છે એનો પાયો ઝાંખો થાય પણ દીવો કરે તો પાછો પ્રજ્વલિત થાય.”
પ્રશ્ન: તમે એથેન્સનો પ્રવાસ કર્યો છે?
બાપુ: ના. પણ કથા પૂરી થયા બાદ હું એથેન્સના સ્મૃતિ સ્મારકો અને સ્થળોની મુલાકાત જરૂર લઇશ. બાપુએ ગ્રીક પત્રકારોને સમય હોય ત્યારે ગુજરાત-તલગાજરડા અાવવા અામંત્રણ પાઠવ્યું હતું.

