લોસ એન્જલસઃ અમેરિકાના વિખ્યાત સ્કાય ડાઇવર લ્યૂક એકિન્સે ૨૫,૦૦૦ ફૂટ ઊંચેથી વગર પેરાશૂટે આકાશમાંથી જંપ લગાવીને સફળ ઉતરાણ કરી નવો કીર્તિમાન હાંસલ કર્યો છે. ૪૨ વર્ષના લ્યૂક એકિન્સ નામના આ સાહસવીરે કેલિફોર્નિયા ખાતેની સિમી વેલીમાં આ સ્કાય ડાઇવિંગ કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. સ્ટન્ટ કરવામાં માટે તેના માટે નીચે એક મોટી જાળ પાથરવામાં આવી હતી. આ સમગ્ર સ્ટન્ટનું અમેરિકાની ફોક્સ ચેનલે લાઇવ પ્રસારણ પણ કર્યું હતું.
સુરક્ષિત ઉતરાણ કર્યા બાદ તેણે કહ્યું હતું કે તે ૧૨ વર્ષની ઉમરથી જ સ્કાઇ ડાઇવિંગ કરી રહ્યો છે. અને અત્યાર સુધીમાં ૧૮,૦૦૦ વખત સ્કાઈ ડાઇવિંગ કરી ચૂક્યો છે. લ્યૂકની આ સિદ્ધિ એક નવો રેકોર્ડ છે. તેણે લોસ એન્જલસથી ૩૦ માઇલ દૂર આવેલી સિમી વેલીમાં આ ઐતિહાસિક સ્કાય ડાઇવિંગ કર્યું હતું. ન્યૂક નીચે આવ્યો ત્યારે તેના માટે એક જાળ પાથરવામાં આવી હતી.
તેની સિદ્ધિના સાક્ષી બનવા માટે તેની પત્ની મોનિકા તથા ચાર વર્ષની પુત્રી પણ સ્ટન્ટના સ્થળે હાજર રહ્યાં હતા. લ્યૂકે જણાવ્યું હતું કે આ ખરેખર એક અદભુત અનુભવ હતો અને આ માટે હું શું કહું તે સમજાતું નથી. લ્યૂકના પરિવારમાં તેના દાદા તથા પિતા પણ સ્કાય ડાઇવિંગ કરતાં હતા તેથી તેને હિંમત વારસામાં મળી છે. લ્યૂક એકિન્સ હોલિવૂડની હિટ ફિલ્મ ‘આયર્ન મેન-થ્રી’માં પણ ડાઇવિંગ કરી ચૂક્યો છે.
લ્યૂકની સિદ્ધિ આંકડાઓમાં
• ૨૫ હજાર ફૂટની ઊંચાઈ • ૧૦૦૦ ફૂટે ઓક્સિજન ટેન્ક બદલી • ૫૦૦૦ ફૂટ બાકી હતા ત્યારે લ્યૂકથી ડાઇવરો અલગ પડ્યા • ૧૦૦ ફૂટ લાંબી સેફ્ટી નેટ • ૨ મિનિટમાં ધરતી પર લેન્ડીંગ • ૧૨૦ માઈલ પ્રતિ કલાકની ઝડપે ઉતરાણ કર્યું • ૩ સ્કાય ડાઇવર પણ તેની સાથે કૂદ્યા.

