અરુણાચલ પ્રદેશમાં લદાયેલા રાષ્ટ્રપતિ શાસને ભારે રાજકીય અનિશ્ચતતાનો માહોલ સર્જ્યો છે. એનડીએ સરકારની ભલામણથી અમલી બનેલા આ નિર્ણયથી શાસક કોંગ્રેસના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે અને આથી જ તેણે આ નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે. કોંગ્રેસે અગાઉ આ મુદ્દો રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સમક્ષ ઉઠાવ્યો હતો. રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય આટલી ઉતાવળે કેમ લેવાયો છે તેવા પ્રણવ મુખરજીના પ્રશ્નનો જવાબ આપવા ગૃહ પ્રધાન રાજનાથ સિંહ ખુદ પહોંચ્યા હતા. ક્યા કારણસર કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનો નિર્ણય કર્યો છે તે અંગે ગૃહ પ્રધાને રાષ્ટ્રપતિ સમક્ષ શું સ્પષ્ટતા કરી છે એ તો બહાર નથી આવ્યું, પરંતુ આ મુલાકાત પછી રાષ્ટ્રપતિએ દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી એ હકીકત છે. હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે.
કોર્ટ તો બન્ને પક્ષકારોની રજૂઆતો અને પુરાવાઓને નજરમાં રાખીને રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય સાચો કે ખોટો તેવો નિર્ણય સંભળાવશે જ, પરંતુ આ દરમિયાન રાજ્યપાલ જે. પી. રાજખોવાના અહેવાલની જે વાતો બહાર આવી રહી છે તે બહુ ગંભીર છે. અહેવાલમાં તેમણે મુખ્ય પ્રધાન નબામ તુકીની કાર્યપદ્ધતિની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા રાજ્યમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ માટે તુકીને જવાબદાર ગણાવ્યા છે. અહેવાલમાં એક આક્ષેપ એવો પણ થયો છે કે મુખ્ય પ્રધાન રાજ્યપાલની કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે.
રાજ્યપાલ રાજખોવાએ રાષ્ટ્રપતિ શાસન લાદવાના તેમના નિર્ણયના સમર્થનમાં કુલ ૧૨ મુદ્દાઓ ટાંક્યા છે, જેમાં સૌથી ગંભીર મુદ્દો છે રાજ્યમાં માથું ઊંચકી રહેલા અલગતાવાદનો. તેમના અહેવાલમાં આક્ષેપ થયો છે કે મુખ્ય પ્રધાન તુકીનો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એનએસસીએન (કે) સાથે સંબંધ છે. આ સંદર્ભે તિરાપ, ચાંગલેન્ડ અને લોંગડિંગના ત્રણ ધારાસભ્યોના અખબારી અહેવાલોને પણ રજૂ કરાયા છે. જો રાજ્યપાલના આ આક્ષેપમાં રતિભાર પણ તથ્ય હોય તો તેની ઉપેક્ષા ભારે પડી શકે છે. આ પ્રદેશ પર આમ પણ ખંધા પડોશી ચીનનો ડોળો છે જ. આ સંજોગોમાં અલગતાવાદી તત્વોના મુખ્ય પ્રધાન જેવા ટોચના સત્તાધિશો સાથેના સંપર્ક ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે જોખમી બની શકે છે. કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં એવી જ રજૂઆત કરી છે કે અરુણાચલ પ્રદેશ બહુ સંવેદનશીલ રાજ્ય છે અને પ્રદેશમાં અલગતાવાદ સહિતના પરિબળો સક્રિય બની રહ્યા હોવાથી રાષ્ટ્રપતિ શાસનનું પગલું ભરાયું છે.
જોકે કોંગ્રેસ સહિતનો એક વર્ગ માને છે કે રાજ્યપાલ કોંગ્રેસના અસંતુષ્ટ જૂથની તરફેણમાં કામ કરી રહ્યા છે. શાસક કોંગ્રેસનો દાવો છે કે રાજ્યપાલે પક્ષના અસંતુષ્ટ જૂથની મદદ કરવા માટે ઇરાદાપૂર્વક વિધાનસભા સત્ર એક મહિનો વહેલું (૧૫ ડિસેમ્બરે) યોજ્યું હતું. મુખ્ય પ્રધાન અને તેમનું સમર્થન કરતા ૨૬ ધારાસભ્યોએ વિધાનસભાના આ સત્રનો બહિષ્કાર કર્યો. તો બીજા દિવસે કોંગ્રેસના ૨૧ અસંતુષ્ટ ધારાસભ્યોએ ભાજપના ૧૧ અને બે અપક્ષ ધારાસભ્યોનો સાથ લઇને વિધાનસભા ગૃહ બહાર બેઠક યોજીને સ્પીકરને બરતરફ કરીને તેમના સ્થાને ડેપ્યુટી સ્પીકરને વિધાનસભા અધ્યક્ષ બનાવી દીધા. સ્પીકરે આ અંગે ગુવાહાટી હાઇ કોર્ટમાં ધા નાખી. કોર્ટે અસંતુષ્ટ જૂથની કાર્યવાહી પર તો સ્ટે ફરમાવ્યો, પણ સ્પીકરની અરજી ફગાવી દીધી. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. ટૂંકમાં, અરુણાચલ પ્રદેશનું રાજકીય કોકડું એવું તે ગૂંચવાયું છે કે ક્યાંથી તે ઉકેલાવાનું શરૂ થશે તે જ સમજાતું નથી. અત્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને કોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જ તેમાં બેમત નથી, પરંતુ અરુણાચલ પ્રદેશ જેવા સંવેદનશીલ રાજ્યના મુદ્દે જે રાજકારણ ખેલાઇ રહ્યું છે તે જરૂર અફસોસજનક છે.
