લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટ કહ્યુ છે કે બ્રિટનને યુરોપિયન યુનિયનમાં રાખવાના ધ્યેય સાથે ઘડાયેલો મુસદ્દો તેમની માગણીઓનો મુખ્યત્વે સ્વીકાર હશે. જોકે, ૧૮ અને ૧૯ ફેબ્રુઆરીએ યોજાનારી શિખર પરિષદ પહેલાં વિગતો પર ખાસ કામ કરવું પડશે. યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટસ્ક દ્વારા પ્રસિદ્ધ આ મુસદ્દામાં માઈગ્રન્ટ બેનિફીટ્સ પર તાકીદે બ્રેક મારવાની સત્તા મળશે.
ઈયુમાંથી બહાર નીકળવાનું અભિયાન ચલાવનારા કહે છે કે આ મુસદ્દો કેમરને જે ફેરફારોનું વચન આપ્યું હતું તેની નજીક પણ આવતો નથી. જોકે, વડાપ્રધાને કહ્યું હતું એ આ મુસદ્દો લડત ચલાવવા માટે પૂરતો છે અને તેના સહી કરવા અન્ય ઈયુ નેતાઓને સમજાવવા તેઓ ડિપ્લોમસીનો ઉપયોગ કરશે.
જો યુકે ઈયુમાં રહેવાનો મત આપે તો ઈયુ માઈગ્રન્ટ વર્કર ઉપર ઇન-વર્ક બેનિફિટ્સ પર પ્રતિબંધ લગાવવાનો કેમરનની દરખાસ્ત તત્કાળ અમલમાં આવી શકશે. જોકે, તેના પર અન્ય ઈયુ દેશોની સંમતિ જરૂરી ગણાશે. મુસદ્દામાં જણાવાયું છે કે બ્રિટનને બે સભ્ય રાષ્ટ્રો વચ્ચે ‘અતિ ગાઢ યુનિયન’ના ઈયુ સિદ્ધાંતમાંથી મુક્તિ આપવાની કેમરનની માંગણીને ભવિષ્યની સંધિમાં સ્થાન મળશે. આ ઉપરાંત ઈયુમાં નોન-યુરો દેશોને સુરક્ષા સંબંધિત પગલાંનો પણ સમાવેશ થાય છે.
વડા પ્રધાનની માંગણી અનુસાર દેશો ત્રાસવાદના શકમંદોને પ્રવેશતા અટકાવી શકશે. ઈયુમાં પહોંચવા બનાવટી લગ્નો અને અન્ય ખામીનો ઉપયોગ કરતાં લોકોને અટકાવવાના પગલાં લઈ શકાશે. વડાપ્રધાન કેમરન પોલેન્ડ અને ડેન્માર્કની મુલાકાત લેશે. તેમ જ બ્રસેલ્સમાં ૧૮-૧૯ ફેબ્રુઆરીએ ટસ્ક પેકેજ પર સહીઓ કરવા અન્ય ૨૭ ઈયુ નેતાઓ પર દબાણ પણ લાવશે. જો ફેબ્રુઆરીમાં આ કરાર થઈ શકે તો બ્રિટનને ઈયુમાં રહેવા કે નહીં રહેવા અંગે જૂન મહિનામાં રેફરન્ડમ્ યોજે તેવી પણ શક્યતા છે.

