- ખુશાલી દવે
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અર્બન ફિલ્મોના સર્જનમાં નવી દિશામાં ડગ માંડી રહી છે અને ગુજરાતી ફિલ્મો બનાવવા માટે નવા નવા પ્રયોગો પણ થઈ રહ્યા છે ત્યારે તાજેતરમાં ફિલ્મ ‘રોમાન્સ કોમ્પ્લિકેટેડ’ થિએટરમાં આવી ચૂકી છે.
ન્યુમિનન્સ ફિલ્મ્સ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સની આ ફિલ્મ ‘રોમકોમ’ અત્યાર સુધીની સૌથી મોંઘી ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મના નિર્માતા સાથે ફિલ્મની રિલીઝ પહેલાં જ્યારે ગુજરાત સમાચારની વાત થઈ ત્યારે તેમને પૂછ્યું કે ફિલ્મમાં રોકાણ કરવાનું કેવી રીતે વાજબી લાગ્યું? તો તેમણે જવાબ આપ્યો હતો કે, ફિલ્મના ડિરેક્ટર ધ્વનિ ગૌતમ ફિલ્મના સ્ટોરી આઇડિયા સાથે મને મળવા આવ્યા હતા અને નવાઈની વાત તો એ છે કે તેઓએ આખી ફિલ્મનો વિચાર કેવો છે એ માટે છ મિનિટની એક શોર્ટફિલ્મ બનાવી હતી. ધ્વનિની શોર્ટફિલ્મ મને પસંદ આવી હતી અને એ પછી મેં ફિલ્મની વાર્તા સાંભળવામાં રસ દાખવ્યો. ફિલ્મની વાર્તા મને રસપ્રદ લાગી તેથી આ ફિલ્મના નિર્માતા બનાવાનું મેં પસંદ કર્યું હતું.
મિસ ઇન્ડિયા સ્પર્ધામાં સ્પર્ધક રહી ચૂકેલી મોડલ અને ‘રોમકોમ’ની અભિનેત્રી દિવ્યા મિશ્રા મૂળ ગુજરાતી નથી તો તે આ ફિલ્મ સાથે કેવી રીતે જોડાઈ એવો સવાલ દિવ્યાને થયો તો તેણે કહ્યું કે, હું એક મોડલ છું અને ધ્વનિ ગૌતમ સાથે આ પહેલાં મેં કેટલાક ઓડિયો વિઝ્યુઅલ પ્રોજેક્ટ કર્યા હતા. આ ફિલ્મની હિરોઈન તરીકે હું ફિટ છું એવું મને ધ્વનિએ કહ્યું. અલબત્ત, મેં એને કહ્યું હતું કે, ઘાઘરા ચોલી પહેરીને માત્ર ગરબે રમતી હિરોઈનનો જ રોલ ન હોવો જોઈએ તો હું ફિલ્મ કરવા માટે તૈયાર છું ત્યારે ફિલ્મની સ્ટોરી મને ધ્વનિએ સંભળાવી અને ફિલ્મ માટે મેં હા પાડી દીધી હતી. આજે ફિલ્મ બની ગઈ છે ત્યારે હું મારા રોલથી અને કામથી સંતુષ્ટ છું.
વાર્તા રે વાર્તા
ધનિક પિતા ધીરજ પટેલ (ધર્મેશ વ્યાસ)ની દીકરી માહી પટેલ દિલ્હીથી આવીને અમેરિકાની ટ્રીપ પર જવા માટે જિદ પકડે છે. ધીરજ પટેલને માહી એકલી અમેરિકા જાય તે પસંદ નથી. તેથી તે પોતાના મિત્ર કરસન પટેલ (શેખર શુક્લ) પાસે મનની મૂંઝવણ ઠાલવે છે. ધીરજ અને કરસન નક્કી કરે છે કે માહી સાથે કરસનનો દીકરો દેવ (મલ્હાર ભટ્ટ) અમેરિકા જશે. માહી અને દેવ આ ટ્રીપમાં એકબીજાના સારા મિત્રો બની જાય છે અને માહી દેવની મુલાકાત તેની વિદેશી મિત્ર એલવીરા સાથે કરાવવાની વાત કરે છે. ખરેખર તો માહીનું અમેરિકા આવવાનું મુખ્ય કારણ તેનો બોયફ્રેન્ડ અર્શ મલ્હોત્રા (ધ્વનિ ગૌતમ) હોય છે. દેવ અને માહીના પિતાને માહીની આ રિલેશનશિપની જાણ થાય છે અને માહીના પિતા દેવની મદદથી આ રિલેશનશિપનો તોડાવી નાંખે છે. બ્રેકઅપ પછી શું થાય છે એ જાણવા માટે ફિલ્મ જોવી રહી.
મુખ્ય કલાકારોઃ મલ્હાર ભટ્ટ, દિવ્યા મિશ્રા, ધ્વનિ ગૌતમ, ધર્મેશ વ્યાસ, શેખર શુક્લ, દર્શન જરીવાલા, દર્શન ઝરીવાલા, નિશા કલ્મદની, ઉમંગ આચાર્ય, યુલિયા યનીના • નિર્માતાઃ કીર્તી પ્રેમરાજ જૈન, રાજીવ શર્મા • દિગ્દર્શકઃ ધ્વનિ ગૌતમ • વાર્તાઃ ધ્વનિ ગૌતમ, વિપુલ શર્મા • સંગીતઃ જતીન-પ્રતીક અને દર્શન રાવલ

